#Blog

ગિરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય અભિયાનને બિરદાવતા સાળંગપુરના હરિપ્રસાદ સ્વામીજી

ગિરગંગા ટ્રસ્ટના ભગીરથ કાર્યોથી ખેડૂતો અને પ્રકૃતિનું કલ્યાણ થશે: હરિપ્રસાદ સ્વામી

રાજકોટમાં સંપન્ન થયેલ હનુમાન કથા દરમિયાન ગત શનિવારે સાળંગપુરના સુપ્રસિદ્ધ હરિપ્રસાદ સ્વામીજીએ ગિરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્વામીજીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જળસંચયની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળી આશીર્વચન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે વિખ્યાત સ્વેચ્છિક સંસ્થા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ લોકભાગીદારી દ્વારા ચેકડેમોના નિર્માણના માધ્યમથી સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે કાર્યરત છે. જળસંચય ક્ષેત્રે આ ટ્રસ્ટની કામગીરી આજે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બની છે.

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના વરિષ્ઠ સંત અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારની સાથે સામાજિક ઉત્થાન અને વ્યસનમુક્તિના કાર્યોમાં સક્રિય સંત શ્રી હરિપ્રસાદ સ્વામીએ આ મુલાકાત પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, નવી પેઢી માટે જળસંચય એ સૌથી મોટી સેવા છે. ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે ચેકડેમો અને જળસ્ત્રોત પુનઃ જીવંત કરવાનું કામ થઈ રહ્યું છે તે જોઈને અંતરથી આનંદ થાય છે.

સ્વામી હરિપ્રસાદજીએ નિર્દેશ કર્યો હતો કે, જળ એ જ જીવન છે અને જે વ્યક્તિ પાણી બચાવે છે તે ખરેખર ઈશ્વરની સેવા કરે છે. ખેડૂતો જો સમૃદ્ધ હશે તો જ રાષ્ટ્ર સમૃદ્ધ થશે. પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. દિલીપભાઈ અને તેમની ટીમ જે રીતે પરસેવો પાડીને ધરતી માતાને હરિયાળી રાખવા મથે છે, તેના પર હનુમાનજીના સદાય આશીર્વાદ રહેશે. આ ભગીરથ કાર્ય અવિરત ચાલતું રહે તેવી સ્વામીજીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, સ્વામીજીના આશીર્વાદથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને નવી ઉર્જા મળી છે. સૌરાષ્ટ્રના દરેક ગામમાં પાણીના સ્તર ઊંચા આવે અને જીવસૃષ્ટિને ક્યારેય પાણી માટે વલખા ન મારવા પડે તેવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના લક્ષ્યને સ્વામીજીના આશીર્વાદ વધુ જોરશોરથી કામ કરવાની પ્રેરણા આપશે.

આ મુલાકાત પૂર્વે સ્વામી હરિપ્રસાદજીએ વીરવીરૂ ચેકડેમના જલ વધામણાં કર્યા હતા. તેમણે ટ્રસ્ટ દ્વારા નિર્મિત ચેકડેમો અને જળસંચયના કાર્યોને નજરે નિહાળી ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્વામી હરિપ્રસાદજી સાથે સર્વશ્રી પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, પુનિતભાઈ ચોવટિયા, જેન્તીભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, હરીશભાઈ ભાલાણી, ભરતભાઈ પાનેલીયા, પંકજભાઈ વેગડા, ગૌરાંગભાઈ ઠક્કર, હરદેવસિહ જાડેજા, વિઠ્ઠલભાઈ બાલધા, પરસોતમભાઈ કમાણી, ભરતભાઈ ભુવા, કિશોરભાઈ કાથરોટિયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ મોલિયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણીઓ અને શુભેચ્છકો સર્વશ્રી  પણ હાજર રહ્યા હતા.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *