#Blog

વિશ્વ શાંતિ માટે કાંદિવલી પૂર્વમાં શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ જાપ

સમગ્ર વિશ્વમાં ઉદભવેલી પરિસ્થિતિથી ચિંતિત થઈને વિશ્વ યુદ્ધને રોકવા માટે જૈન સંઘના આચાર્ય ભગવંતો આદિ ચિંતિત હોય છે અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરતાં હોય છે તે અંતર્ગત કાંદિવલી પૂર્વમાં શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, અશોક નગર, દામોદરવાડીની સામે, કાંદિવલી (પૂર્વ)માં નવ દિવસ માટે શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ભાષ્ય જાપની શરૂઆત થઈ છે.
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી પંન્યાસજી મહારાજના પ્રશિષ્યરત્ન પૂજ્ય શ્રી પ્રશાંતરત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં નવપદની ઓળીની સાધના કરાવવા તેઓશ્રીએ સંઘમાં પ્રેરણા કરી હતી કે સમગ્ર વિશ્વમાં ઉદભવેલી યુદ્ધની પરિસ્થિતિના નિવારણ માટે તેમ જ વિશ્વમાં શાંતિ, સમાધિ અને નિર્ભયતાનું વાતાવરણ પ્રગટ થાય તે માટે શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ભાષ્ય જાપ શરૂ કરવા જોઈએ.
શ્રી સંઘે આ ભાવનાને ઝીલી લઈને દીપક સ્થાપના અને કુંભ સ્થાપના સાથે શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ભાષ્ય જાપ શરૂ કરવામાં આવ્યા છે. દિવસ દરમ્યાન બહેનો અને રાત્રિના ભાઈઓના શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ભાષ્ય જાપ ખૂબ સુંદર રીતે શરૂ થયા છે.
પૂજ્ય ગુરુભગવંતે વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે એક બાજુ 14 રાજલોક મૂકો અને બીજા પલડામાં માત્ર 68 અક્ષરનો નમસ્કાર મહામંત્રનો મંત્ર મૂકો તો તેનાથી સમગ્ર વિશ્વમાં શાંતિ, સમાધિનું નિર્માણ થઈ શકે છે. પૂજ્ય પંન્યાસજી મહારાજને ટાંકીને તેમણે કહ્યું હતું કે એક લાખ પરિવાર રોજ રાત્રે નવથી દસમાં એકસાથે સામૂહિક 1008 નવકારનો જાપ કરે તો ત્રણથી પાંચ વર્ષમાં સમગ્ર વિશ્વમાં આવેલી આપત્તિનું નિવારણ થઈ શકે છે. એટલે ઘર ઘરમાં નવકારનો જાપ કરવાની તેમણે પ્રેરણા કરી હતી.
જૈનો દ્વારા કરવામાં આવેલા આ અનુષ્ઠાનને સમગ્ર ભારતભરના સંઘો વધાવીને એકસાથે સામૂહિક જાપ કરી રહ્યા છે.
-અતુલકુમાર શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *