#Blog

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા નવા ઝાંઝરીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

વરસાદી પાણીના સંગ્રહ અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે બગસરાના નવા ઝાંઝરીયા ગામે ગ્રામજનોને અપાયું માર્ગદર્શન
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સભાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનું યોગ્ય જતન કરી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો હતો.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ ગ્રામસભામાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રનો મજબૂત આધાર જળસંચય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી લોકભાગીદારી દ્વારા ચેકડેમ ઊંડા ઉતારવા, ખેત તલાવડીઓ બનાવવી અને બોર રિચાર્જ જેવા ભગીરથ કાર્યો કરી રહ્યું છે. જો આપણે વરસાદી પાણીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકી શકીશું, તો જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. જળસંગ્રહ એ માત્ર પાણી બચાવવાનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીને સુખી અને સંપન્ન બનાવવાનું અભિયાન છે.
ગ્રામસભામાં પાણીના એક-એક ટીપાની કિંમત સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેના વિવિધ નુસખાઓ અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને જળસંચયના આ અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી કલ્યાણભાઈ, રમેશભાઈ ધાનાણી, બગસરાના દેવચંદભાઈ સવાલીયા, મહેન્દ્રભાઈ પાથર, વિવેકભાઈ કોલડિયા, દિલીપભાઈ કોલડિયા, કાંતિભાઈ કોલડિયા,અરજણભાઈ માસ્તર, નારણભાઈ કોલડિયા, સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *