પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણ પ્રસંગે સમગ્ર મુંબઈના સંઘોમાં પ્રથમવાર 10,008 અઠ્ઠમનું અનેરું આયોજન
સમગ્ર ભારતભરના ઈતિહાસમાં અજોડ અને બેજોડ અને શ્રી મુંબઈના સમગ્ર જૈન સંઘોમાં પ્રથમવાર શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણ નિમિત્તે એકસાથે 10,008 અઠ્ઠમનું આયોજન શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલી (વેસ્ટ)ના ઉપક્રમે આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણામાં માગશર વદ – 9, 10, 11 અંગ્રંજી તા. 13, ડિસેમ્બર, શનિવાર, 14, ડિસેમ્બર રવિવાર, 15 ડિસેમ્બર, સોમવારના રોજ એમ ત્રિદિવસીય આયોજન સમગ્ર મુંબઈમાં બિરાજમાન દરેક ગુરુભગંવતોની નિશ્રામાં કરવામાં આવેલ છે.
આ પ્રસંગનું સંપૂર્ણ માર્ગદર્શન શ્રી ધર્મસૂરીશ્વરજી સમુદાયના શતાવધાની આચાર્ય ભગવંત શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન સરળ સ્વભાવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલીના સાનિધ્ય, શ્રી પાર્શ્વનાથ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. આ પરિવાર છેલ્લા 18 વર્ષથી ભારતભરના પાર્શ્વનાથ ભગવાનના વિવિધ તીર્થોમાં જઈને પોષ -10 ની આરાધના કરે છે અને કરાવે છે.
યોગાનુયોગ ગોડીજી દાદાની પ્રતિષ્ઠાનું 213 મું વર્ષ ચાલી રહ્યું છે. અને શતાવધાનિ આચાર્ય ભગવંત શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા.નું જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને સમગ્ર મુંબઈ પર ગોડીજી દાદાનો અનહદ ઉપકાર છે અને તે દાદાની 200 મી સાલગિરી નિમિત્તે મુંબઈના નગરશેઠ માતુશ્રી ગજરાબેન ગિરધરલાલ શાહ પરિવારે બદામ, કસાટા અને સકળ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્યનું અદભુત આયોજન કરેલું. તે જ પ્રમાણે આ ગોડીજી દાદાના આલંબને અત્તર પારણા, પારણા અને બહુમાન – પ્રભાવનાનો લાભ પાર્શ્વ પરિવારને આપવા સકળ સંઘોને વિનંતી કરવામાં આવી છે. સંઘોએ બોરીવલી ગીતાંજલિ સંઘના દિલીપભાઈ 9820501560, બિપીનમામા 9322524771 પર સંપર્ક કરીને પોતાના સંઘના અઠ્ઠમના નામો લખાવી દેવા તેમજ અત્તર પારણા અને પારણાના સમગ્ર ખર્ચનો લાભ શ્રી ગીતાંજલિ સંઘને આપવા નમ્ર વિનંતી કરી છે.
આ નિમિત્તે શ્રી ગીતાંજલિ જૈન સંઘમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રથમ દિવસે તા. 13 ડિસેમ્બર શનિવારે શ્રી વર્ધમાન શક્રસ્તવનું અનુષ્ઠાન કરવામાં આવશે અને બીજા દિવસે તા. 14 ડિસેમ્બર રવિવારે કોરા કેન્દ્રમાં 1008 શ્રી પાર્શ્વનાથ પૂજન અને ત્રીજા દિવસે તા. 15 ડિસેમ્બર સોમવારે 1008 કમળથી પરમાત્માની દિવ્ય આરાધના કરવામાં આવશે. ત્રણેય દિવસે રાત્રિ સંધ્યા ભક્તિ જિનાલયમાં રાખવામાં આવેલ છે.
પ્રત્યેક ભાગ્યશાળીઓને પોતાના ઘરે રહેલા દર્શનીય – વંદનીય અને પૂજનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુને સાથે અભિષેકમાં લઈને પધારવા સંઘે આમંત્રણ આપ્યું છે જે દિવસે પ્રથમ વખત 1008 પાર્શ્વનાથ પૂજન નિમિત્તે 1008 મંત્રાભિષેક અનુષ્ઠાન થશે.
-અતુલકુમાર વ્રજલાલ શાહ









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































