પ્રખર જીવદયા પ્રેમી અનંત અંબાણીને રૂબરૂ મળીને ગૌસેવા–જીવદયાઅંગેના મુદ્દાઓની રજૂઆત કરતા મિતલ ખેતાણી

વિશ્વના સૌથી ધનીક વ્યકિત અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અને જેમના નેતૃત્વમાં જામનગર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે વનતારા પ્રોજેકટ’ અંતર્ગત સેંકડો પ્રાણીઓને સુશ્રુષા મળી રહી છે તેવા પ્રખર જીવદયા પ્રેમી અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિન ઉજવણી ભગવાન દ્વારકાધીશના સાનીધ્યમાં ઉજવવાનું નકકી કર્યું હતું. જામનગરના મોટી ખાવડી ગામ ખાતે આવેલ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી દ્વારકા ખાતે પગપાળા યાત્રા દરમ્યાન રૂબરૂ મળીને ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટી મેમ્બર મિતલ ખેતાણીએ ગૌસેવા- જીવદયા વિષયક મુદ્દાઓ અંગે સંવાદ કર્યો હતો. ગૌ માતાને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે, રિલાયન્સ દ્વારા CSR નો સદુપયોગ કરીને અથવા સરકાર સાથે જન ભાગીદારી કરીને સમગ્ર ભારતમાં ૧ લાખ નિઃશુલ્ક પશુ દવાખાનું શરૂ કરવામાં આવે અને ૧ લાખ પશુ એમ્બ્યુલન્સ (નિશુલ્ક) શરૂ કરવામાં આવે જેથી કરોડો અબોલજીવો બચાવી શકાય. હાલમાં સંસદમાં “Prevention of cruelty to Animals Act, 1960” -એક્ટ પેન્ડીંગ છે જે બાબતે પણ તાત્કાલિક ભારત સરકાર નિર્ણય લ્યે અને જેના થકી કરોડો અબોલજીવોનું કલ્યાણ થાય તે સહિતના મુદ્દાઓ અંગે પણ સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અનંત અંબાણીને વિનંતી કરવામાં આવી. અત્રે ઉલેખનીય છે કે, ભારતમાં પ્રાણીઓની સુરક્ષા માટે “Prevention of Cruelty to Animals Act, 1960” એક ખૂબ જ જૂનો કાયદો છે. આજના સમયની જરૂરિયાતો અને પ્રાણીઓ પર થતા અત્યાચારોને ધ્યાનમાં લેતાં આ કાયદામાં સુધારાની તાતી જરૂરિયાત છે. આ કાયદાની ઘણી જોગવાઇઓ હવે અપ્રસ્તુત થઇ ગઈ છે અને તેમાં સખત સજા તેમજ આધુનિક પરિસ્થિતિઓને અનુરૂપ ફેરફારોની જરૂર છે, જેથી પ્રાણીઓનું રક્ષણ વધુ અસરકારક રીતે થઈ શકે. આ મુદ્દા અંગેનો પ્રસ્તાવ હાલ સંસદમાં પેન્ડીંગ છે તે તાત્કાલિક કાર્યાન્વિત કરવાની તાતી જરૂરિયાત છે. વેશ્વિક ફૂટબોલ વર્લ્ડકપ (FIFA WORLD CUP) કે જે સને-2030 માં મોરોક્કો સહિતના દેશમાં યોજવાનો છે ત્યાં મોરોક્કો સરકાર દ્વારા ૩૦ લાખ કુતરાઓને સ્વચ્છતા અભિયાનના નામે મારી નાખવાનો ઓર્ડર સરકારે આપ્યો છે તેવું મીડિયામાં પ્રકાશિત અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે તે અંગે પણ યથાયોગ્ય રજુઆતો, કાર્યવાહી કરાવી એ દિશામાં પણ પ્રયત્ન કરવા અનંત અંબાણીને રૂબરૂ મળીને રજુઆતો કરવામાં આવી હતી. આ તબબકે અનંત અંબાણીએ જીવદયા અંગેના પ્રશ્નો અને રજુઆતો શાંતિથી સાંભળી તેમજ નિશુલ્ક એમ્બ્યુલન્સની પ્રત્યેક્ષ મુલાકાત લઇ અને એમ્બ્યુલન્સની ભેટ આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી અને આ સેવાઓ અંગે અભિનંદન આપ્યા હતા. વનતારાની મુલાકાત લેવા પણ મિતલ ખેતાણી ને આમંત્રણ આપ્યું હતું. મિતલ ખેતાણીની અનંત અંબાણી સાથેની રૂબરૂ મુલાકાત દરમ્યાન સદભાવના વૃધ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરિયા, ધીરુભાઈ કાનાબાર, કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ, રાજેશભાઈ રૂપાપરા, સી.કે . ભાઈ સહિતનાંઓ ઉપસ્થિત રહ્યાં હતા.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































