પૂ. મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે : 4 વૃક્ષોનાં વાવેતરનું કાર્ય સંપન્ન

વૃક્ષો વાવી અને જતન કરવાનું યજ્ઞ કર્મ સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે – પૂ. મોરારિબાપુ
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવી, તેને મોટા કરાશે, સમગ્ર ભારતને ગ્રીન કરાશે
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષો વાવી, સમગ્ર દેશને હરિયાળું કરવાના સંકલ્પ અંતર્ગત પૂ. મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવશે. જેમાં 4 હજાર વૃક્ષો વાવવાનું કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે. આ અંગે પૂ. મોરારિબાપુએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, “સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આખા દેશમાં 150 કરોડની મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અને તેનું જતન કરવાનો મનોરથ છે. આખા દેશને આગામી વર્ષોમાં હરિયાળું કરવાની પહેલમાં મારા ગામ તલગાજરડામાં દાતાઓના સહકારથી અને આગામી સંસ્થાઓનાં સહકારથી 4 હજાર વૃક્ષો વવાયા છે અને હજુ પણ જેટલી સરકારી જમીન હોય તથા સરપંચ અને ગામનાં લોકો જ્યાં જ્યાં કહેશે ત્યાં, કોઈને અગવડ ઉભી ન થાય, નિયમોનો ભંગ ન થાય તે રીતે વૃક્ષારોપણ કરી, તેને ઉછેરવાની અમારી ઈચ્છા છે. આખા તલગાજરડાની આજુબાજુ વૃક્ષો ઉગીને ઉભા થયા છે. રાષ્ટ્રનાં અનેક કાર્યો મહત્વનાં છે, પરંતુ એમાંથી બહુ જ મોટું યજ્ઞ કર્મ છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષ જતન કરવાનું મોટું કાર્ય થઈ રહ્યું છે. આ માટે રાજકોટ ખાતે મેં રામકથા પણ કરી હતી. આ સંસ્થા સાથે હું આત્મીય રીતે જોડાયેલો છું. હું સંસ્થાની પ્રવૃત્તિ વિષે બધું જ જાણું છું છતાં મને એક સુખદ આશ્ચર્ય થાય છે એ આ બધું કેવી રીતે થઇ શકે છે ! આનંદની વાત છે કે રાજકોટની કથા પછી વૃક્ષારોપણ માટે નવા દાતાઓ બન્યા છે એ માટે આ કાર્યમાં વધુ ઉર્જા ભળી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. શિવજી માટે વડલો અને મારા રામાયણમાં આંબો, વડલો, લીમડો, જાંબુડો, પીપર આ બધાના ગુણગાન ગવાયા છે. રામાયણની ભૂમિ તલગાજરડા છે એ માટે અહિયાંથી વૃક્ષારોપણ શરુ થયું છે. મારું તો એવું પણ કહેવું છે કે નદીની બાજુમાં જમીન મળે તો ત્રિભુવન વન થાય, 1008 વૃક્ષો થાય તેવું ભગવાન કરાવે. એક એક વૃક્ષ એક એક દાતાના નામનું વવાય. વૃક્ષો વાવી અને જતન કરવાનું યજ્ઞ કર્મ આ સંસ્થા કરે છે. બધાએ એમાં સહકાર આપવાનો છે. આ માટે આર્થિક સાથ પણ જરૂરી છે અને સાથે ભાવનાત્મક સાથ પણ જરૂરી છે. સાથે ઉભા રહેવું જરૂરી છે. આ વિચારને ફેલાવવામાં આવે તે જરૂરી છે. સદભાવના વૃદ્ધાશ્રમની આખી ટીમ સમર્પિત છે. ઝાડ ખાડામાં રોપાય છે ત્યારે પોતે જ ખાડામાં ઉતરે છે. મારી ખુબ જ પ્રસન્નતા, સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનું આ અભિયાન જેટલો બને એટલો જલ્દી, ઓછા સમયમાં પૂર્ણ થાય તેવી મારી શુભેચ્છા છે.” અત્રે ઉલેખ્ખનીય છે કે સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 35 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર થઈ ચૂકયું છે તેમજ મીયાવાકી જંગલોના માધ્યમથી 40 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર,400 ટ્રેક્ટર અને 2000 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાઈ તેવું આયોજન સદભાવના વૃદ્ધાશ્રમ આગામી વર્ષોમાં કરી રહ્યું છે.































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































