કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકે વિશેષ વૈચારિક ગોષ્ઠીનું આયોજન

રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકેથી બેંકર્સ રિક્રિએશન ક્લબનો હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર કચેરીની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, ભવિષ્યના અભિગમો, પશુચિકિત્સા ક્ષેત્રના વિકાસ અને સંશોધનને નવી દિશા આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ. કામધેનુ યુનિવર્સિટી એ ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી એક જાહેર કૃષિ રાજ્ય યુનિવર્સિટી છે. તેની સ્થાપના 2009 માં ગુજરાત સરકારના કામધેનુ યુનિવર્સિટી અધિનિયમ, 2009 દ્વારા કરવામાં આવી હતી. તે પશુચિકિત્સા, ડેરી, મત્સ્યઉદ્યોગ અને સંલગ્ન વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કાર્યક્રમમાં ડૉ દર્શિતાબેન શાહ (ધારાસભ્યશ્રી), એડ.ડૉ.માધવભાઈ દવે (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), શ્રીમતી નયનાબેન પેઢડિયા (મેયરશ્રી રાજકોટ શહેર), પ્રતાપભાઇ પટેલ, ભરતભાઈ મહેતા, ડૉ. બી. એલ. ગોહિલ, મહેશભાઈ દવે (M.D.PGVCL), વિજયભાઈ ડોબરિયા (સદભાવના વૃદ્ધાશ્રમ), દિલીપભાઈ સોમૈયા, ડૉ. પ્રભુદાસભાઈ તન્ના, મનીષભાઈ ભટ્ટ, ડૉ. એમ. જી. મારડિયા, જગદીશભાઈ – ભરતભાઈ ભીમાણી, દર્શનભાઈ-પ્રતિકભાઈ કામદાર, કમલેશભાઈ પારેખ, નરેન્દ્રભાઈ શેઠ (USA), મુકેશભાઈ પાબારી, મનીષભાઈ મદેકા, પરષોત્તમભાઈ પટેલ, ડૉ. વલ્લભભાઈ કથીરીયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી), હરીશભાઈ લાખાણી, બીપીનભાઈ હદવાણી, ડૉ. આર. પી. મોદી, યોગેશભાઈ પાંચાણી, ચંદ્રેશભાઈ પટેલ, કેર ગ્રુપ, જીવદયા ગ્રુપ, અર્હમ યુવા સેવા ગ્રુપ,સહીતન અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. પી. એચ. ટાંક દેશના જાણીતા વેટરનરી સર્જન, પ્રખ્યાત સંશોધક છે. ડૉ. પી. એચ. ટાંક સાહેબ એ 1986માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદમાંથી પશુચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલનમાં સ્નાતકની પદવી પ્રથમ ક્રમે મેળવી હતી. 1989માં પશુચિકિત્સા વિજ્ઞાનમાં માસ્ટર્સ અને 1995માં તનુવાસ, ચેન્નાઈથી વેટરનરી સર્જરી અને રેડિયોલોજીમાં પીએચ.ડી. પ્રાપ્ત કરી હતી. ડૉ. ટાંકને તેમના વિજ્ઞાન આધારિત કારકિર્દી દરમિયાન અનેક રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયા છે, જેમાં ડૉ. એમ. એન. મેનન સ્મૃતિ એવોર્ડ સહિત કુલ 22થી વધુ પુરસ્કારોનો સમાવેશ થાય છે. તેમનાં 10 પુરસ્કારો શૈક્ષણિક ક્ષેત્રે અને 12 વૈજ્ઞાનિક યોગદાન માટે છે, જે તેમને ભારતીય વેટરનરી ક્ષેત્રના અગ્રણી શિક્ષણવિદોમાં સ્થાન આપે છે.
ડૉ. ટાંકને શિક્ષણ, સંશોધન, વિસ્તરણ શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે 39 વર્ષથી વધુનો પ્રસિદ્ધ અનુભવ છે. તેમણે અત્યાર સુધીમાં 250થી વધુ સંશોધન લેખો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત કર્યા છે. તેઓએ 2 પીએચ.ડી. અને 21 એમ.વી.એસસી. વિદ્યાથિઓનું માર્ગદર્શન કર્યું છે. કુલ 13 સંશોધન અને શૈક્ષણિક પ્રોજેક્ટ્સનું સફળ નિરીક્ષણ કરીને પશુચિકિત્સા ક્ષેત્રને અનેક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યા છે.
ડૉ. પી. એચ. ટાંક સાહેબ એ 2013થી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એ.એચ.ના ડીન તરીકે કાર્ય કર્યું છે. યુનિવર્સિટી મેનેજમેન્ટ બોર્ડ, એકેડેમિક કાઉન્સિલ, એડમિશન કમિટી, પરીક્ષા સમિતિ, અને વેટરનરી ફેકલ્ટીના અભ્યાસ બોર્ડ જેવી અનેક ઉચ્ચસ્તરીય સમિતિઓમાં તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. વિવિધ યુનિવર્સિટીઓની એન્ટિ-રેગિંગ, સુરક્ષા, લાઈબ્રેરી અને રહેઠાણ સમિતિઓમાં પણ તેમની સક્રિય ભૂમિકા રહી છે. સરદાર પટેલ ઝૂ ખાતે ઝૂ વેટરનરી હેલ્થ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ તરીકે પણ તેમણે સતત મૂલ્યવાન સેવા આપી છે.
શૈક્ષણિક ક્ષેત્ર સાથે–સાથે વ્યાવસાયિક સગવડો અને સંસ્થાકીય જવાબદારીઓમાં ડૉ. ટાંકનું યોગદાન અત્યંત નોંધપાત્ર રહ્યું છે. તેમણે ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે વેટરનરી શિક્ષણ, પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક સંશોધન અને ગુણવત્તાસભર વહીવટ માટે માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. તેઓ ગુજરાત વેટરનરી કાઉન્સિલના હોદ્દેદાર સભ્ય, ગુજરાત વેટરનરી એસોસિએશનના સભ્ય, SAVAJ જૂનાગઢના સભ્ય, તેમજ અનેક વેટરનરી જર્નલોના સંપાદકીય બોર્ડમાં સ્થાન ધરાવે છે. તાજેતરમાં તેમને SAARC પ્રાદેશિક પશુચિકિત્સા સંગઠન દ્વારા “શ્રેષ્ઠ વેટરનરી પુરસ્કાર” મળ્યો છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
કામધેનુ યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણ, ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમોના અનુવાદ, યુનિવર્સિટી ભરતી ચકાસણી, સંશોધન સમિતિઓ, અને રાજ્યના માનવ–પ્રાણી ચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમોમાં તેમનું યોગદાન વિશેષ માન આપવા યોગ્ય છે. ડૉ. ટાંક દ્વારા વિકસાવવામાં આવેલા સંશોધન પ્રોટોકોલ, વૈજ્ઞાનિક ભલામણો અને પ્રેક્ટિકલ માર્ગદર્શિકાઓ આજે અનેક યુનિવર્સિટીઓમાં સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































