આપણે ત્યાં આવતા સારા માઠા પ્રસંગો પર ગમતી, અનુકુળ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ
- કોઈનાં અંધકારમય જીવનમાં પ્રકાશનું એક કિરણ બનવાનો પ્રયાસ કરીએ
- ચેરીટી બિગીન્સ ફ્રોમ હોમ
જિંદગીની સફરમાં જયારે ક્ષણભર ‘પ્રસંગ’ નામનો પ્રસંગ આવતો હોય ત્યારે જીવનમાં કશુંક વિશેષ થતું હોય એવું લાગે છે. બે ઘડી જીવન ક્યાંક જીવવા જેવું લાગે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો ઘર જાણે જીવતું હોય, એમાં જીવ આવી ગયો હોય તેવો અનુભવ થાય. ચારેબાજુ રાજીપો વરસતો હોય છે. સગા-વ્હાલાઓનાં હસતા મોઢા જોઇને મન મોહિત થઈ જાય છે. આવે વખતે ચાંલ્લા કરવાનો રિવાજ મોખરે આવતો હોય છે, પરંતુ હવે કેટલાંક લોકોએ આ પ્રથા બંધ કરી છે ત્યારે સમાજને આ બાબતે એક નવી દિશા સુઝાડવી જ રહી. આપણે પોતે જયારે શુભ પ્રસંગનો આનંદ માણતા જ હોઈએ ત્યારે સવિશેષ આપણે બીજાનાં જીવનમાં ચાંલ્લો કરવાનો મોકો છોડવા જેવો નથી. આ કાર્ય ઘણી રીતે કરી શકાય છે. જે કોઈને પણ જેવું સ્થળ અનુકુળ હોય એ સ્થળે થેલેસેમિયાનાં બાળકો માટે રક્તદાન કેમ્પ, જે બાળકો માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોય તેમને માટે કોઈ વિશેષ કાર્યક્રમ, જીવદયા-પાંજરાપોળોને દાન કે પછી ગૌમાતા માટે અનુદાન, જે દીકરીઓ અનાથ છે તેમને લગ્ન માટે આર્થિક મદદ વગેરે જેવા અનેક ગમતાં કાર્યો દ્વારા અન્યનાં જીવનમાં પણ આનંદની જ્યોત પ્રગટાવી શકાય છે. એવું જરૂરી નથી કે આ કાર્ય માત્ર શુભ પ્રસંગે જ કરાય. ક્યારેક કોઈ માઠા પ્રસંગો પણ આવતા હોય છે આવા પ્રસંગે વાતાવરણને પવિત્ર બનાવવા તેમજ શાંતિની લાગણી અનુભવવા માટે પણ આવા સેવા કાર્યો હાથ ધરી શકાય છે. આ રીતે આપણે અન્ય કોઈને પણ આપણા જીવનનાં સારા માઠા પ્રસંગોનો અગત્યનો ભાગ બનાવી શકીશું. ક્યારેક કોઈ દુખિયારાની દુઆ મળશે તો ક્યારેક ઈશ્વરને ખોળે કોઈ મદદની અરજી કરનારા અરજદારની સહાય કરી શકીશું.
આવો સાથે મળીને એક નવા વિચાર અને તેનાં વિસ્તારની શરૂઆત કરીએ.
– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)