શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા આયોજિત ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી” શિબિર

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, ગામ કુકમા, તા. ભુજ, કચ્છ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કુકમા, ભારત સરકારના જ્ઞાન સહયોગથી ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી”ની 112મી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. 10-11-12 માર્ચ, 2025ના રોજ યોજાવાની છે, જેમાં ગાય આધારિત સજીવ ખેતીના વિવિધ પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવશે.
સજીવ ખેતી વિભાવના, ભૂમિ સુપોષણ, જંતુ રોધક અને ખાતરનો પ્રાયોગિક અભ્યાસ, બીજ વિષયક જાણકારી, રોગ અને જીવાત નિયંત્રણ, ખેડ, વિખેડ, વાવણી, સિંચાઈ, જમીન વિજ્ઞાન, મૂલ્ય વર્ધન અને માર્કેટિંગ, ગાય માતાનું સર્વાંગીણ મહત્વ, ઔષધિ પાકો વિશે માહિતી, અનુભવી ખેડૂતોનું માર્ગદર્શન, સંસ્થા અને વાડી દર્શન, ગાય આધારિત સજીવ ખેતી પર બનેલી ફિલ્મનું દર્શન વગેરે શિબિરની વિશેષતાઓ છે.
આ શિબિર 10 થી 12 માર્ચ, 2025 દરમિયાન શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ, ચિંતન સાધના સ્થળ, ભુજ-અંજાર હાઇવે, કુકમા, ભુજ, કચ્છ ખાતે સવારે 9:00 વાગ્યાથી શરુ કરવામાં આવશે. શિબિર સ્થળે પ્રકૃતિ વચ્ચે રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા, કચ્છી ગોળાકાર ભૂંગાની પેઈડ વ્યવસ્થા, પ્રાકૃતિક ભોજન વગેરેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પંચગવ્ય ઉત્પાદનો, કાંકરેજ ગાયોની ગૌશાળ, સજીવ ખેતીના ખાતરો અને કીટ રોધકો, ગોબર ક્રાફ્ટ અને ગોમય પ્લાસ્ટર, મૂલ્ય વર્ધનના સાધનો, સ્વદેશી મોલની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં ત્રણ દિવસ સંપૂર્ણ હાજરી આપનારને પ્રશિક્ષણ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ શિબિરમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન માટે મો. 9925174699, 9426582810, 9825478934 પર નામ, ગામ અને મોબાઈલ નંબર સાથે સરળ મેસેજ કે વોટ્સએપ કરવાનો રહેશે. સૌ શિબિરમાં જાય ત્યારે આધાર કાર્ડની ઝેરોક્સ કોપી લાવવી જરૂરી છે.