ચંદ્રની ચાંદની, સ્વાસ્થ્ય માટે અતિ કામની

શરદ પુનમ એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રનાં દર્શન. ઠંડીમાં ઠંડક થવાની નિશાની. ગરમીમાં ટાઢક વરસાવવાની કહાની. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય ત્યારે બંનેની વચ્ચે શરદ ઋતુ આવે છે. શરદ ઋતુને રોગોની મા કહેવાય છે. દિવસમાં ત્રણ ચાર વખત બદલતા જતા વાતાવરણથી માણસનાં શરીરમાં જાતજાતનાં ફેરફાર થાય છે જેનાં કારણે વિવિધ રોગો થવાની સંભાવના રહે છે. આવી પરીસ્થિતિથી દુર રહેવા માટે તેમજ આખું વર્ષ નિરોગી રહેવા માટે શરદપૂનમનાં દિવસે નીકળેલી ચાંદનીમાં દૂધ પોઆ રાખીને ખાવાની પ્રથા તો વર્ષો જૂની અને જાણીતી છે પરંતુ આવો જ એક ભિન્ન પ્રકારનો પ્રયોગ છે ખડીસાકરનો પ્રયોગ.
શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્રની સોળે કળાઓ આવી ખડી સાકરમાં પ્રવેશે છે. શરદ પૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણાં શરીરને આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે. ખડી સાકરની અંદર ચંદ્રની આવી અસર પ્રવેશે છે. દુકાનેથી 5/10/15/20 કિલો કે આખા વર્ષની જે જરુર હોય તેટલી ખડી સાકર ખરીદીને લાવવાની. શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમે રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની. ઉપર જાળી ઢાંકી શકાય. સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની.
જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે. આવા સમયે આ ખડી સાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડી સાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે. થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવા શરદ પુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ.
ઉપરાંત આવી રહેલાં નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં પેંડા, કાજુ કતરી કે બરફીથી કરાવવાને બદલે આવી ખડી સાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે. આપ ઈચ્છો તો આવી સાકરનાં 100 થી 200 ગ્રામનાં પેકેટ કોઈને ભેટમાં આપીને આપણા સ્વજનોને નિરોગી રાખવા પ્રયત્ન કરજો.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































