ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્” નામના લાઈવ વેબિનાર સિરીઝમાં 6 ઠા વેબીનાર યોજાયો હતો.
- ભારતનાં મહાશક્તિ મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ ડાયરેક્ટર શ્રીમતી ઉમા રત્નુજીએ માર્ગદર્શન આપ્યું.
વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ’ સિરીઝનું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે.
“ગોકુલમ્- 6” માં ભારતનાં મહાશક્તિ મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ ડાયરેક્ટર શ્રીમતી ઉમા રત્નુજીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમની મહાશક્તિ મિલ્ક પ્રોડ્યુસર કંપની મહિલાઓ માટે છે અને ત્યાં મોટા ભાગે મહિલાઓ જ કાર્ય કરી રહી છે. રાજસ્થાનનાં અલવર ગામમાં મહિલાઓ છે તેમના જીવવાનો આધાર ગાય, ખેતી અને જમીન જ રહે છે. એ ક્ષેત્રમાં ગાયને ગૌમાતા કહેવામાં નથી આવતું પણ ગૌધન કહેવામાં આવે છે. અલવરથી શરુ કરીને આજે મહાશક્તિ મિલ્ક પ્રોડ્યુસર કંપનીનાં 100 મિલ્ક કલેક્શન સેન્ટર સમગ્ર રાજસ્થાનમાં છે. તે ભારતમાં દૂધ ઉત્પાદનમાં ત્રીજા સ્થાન પર છે. મહાશક્તિ મિલ્ક પ્રોડ્યુસર કંપનીમાં મિલ્ક ટેસ્ટીંગ, એકાઉન્ટસનું કામ, મેનેજમેન્ટ તમામ કાર્યો મહિલાઓ જ સંભાળે છે. કંપની દૂધ પ્રોડકશન ઉપરાંત માવો, છાશ, ઘી, કલાકંદ, પનીર વગેરે જેવા મિલ્ક પ્રોડેકટસનું ઉત્પાદન અને વેંચાણ પણ કરે છે. વર્તમાન વર્ષમાં કંપનીનો મે માસ સુધીનો ટર્નઓવર સાત કરોડ હતો અને દર મહીને લગભગ 1 કરોડનો કંપનીનો ટર્નઓવર થાય છે જે મહિલાઓને સારી રોજગારી આપે છે જેથી મહિલા સશક્તિકરણ શક્ય બને છે.
શ્રીમતી ઉમા રત્નુજીની ઈચ્છા કે તેઓ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)ની મદદથી ગાયનાં પંચગવ્યમાંથી બનતા અન્ય ઉત્પાદનો પણ પોતાની કંપનીમાં બનાવી અને વેંચે જેથી વધુમાં વધુ મહિલાઓ અને તેમના પરિવારોને રોજગારી આપી શકાય. શ્રીમતી ઉમા રત્નુજીને ‘વુમન ઓફ ધ યર’ એવોર્ડ તેમજ અન્ય અનેકો સન્માન પ્રાપ્ત થયા છે.
આ વેબિનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ સાંસદ, ભારતનાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને AIIMS નાં પ્રમુખ ડૉ. વલ્લભભાઈ કથીરિયાનાં માર્ગદર્શનમાં યોજાયો હતો. વેબીનારનું સંચાલન અને સંકલન શ્રીમતી શતાબ્દી પાંડે, પૂરીશ કુમાર, મિત્તલ ખેતાણીએ કર્યું હતું.