#Blog

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન

કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે

જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો પરિશ્રમ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશની પવિત્ર નદીઓના જલકુંભોને રાજકોટ લાવીને તેમનું શાસ્ત્રોત અને વિધિવત પૂજન કરવામાં આવનાર છે.

      જળ એ જ જીવન છે. આવનારી પેઢી માટે આ અમૂલ્ય વારસો જાળવવો એ આપણી નૈતિક જવાબદારી છે. આ જ સત્યતાને સાર્થક કરવાના ભગીરથ પ્રયાસરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ દરરોજ રાત્રે ૮ થી ૧૨ દરમિયાન સુપ્રસિદ્ધ કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય જલકથામાં ડો. કુમાર વિશ્વાસ શ્રીકૃષ્ણની શ્યામ કથાની સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્ત્વ પર ભાર મૂકશે.

       ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સૌરાષ્ટ્રમાં ૧,૧૧,૧૧૧ જળસંચયના સ્ટ્રક્ચરો તૈયાર કરવાના સંકલ્પના ભાગરૂપે યોજાઇ રહેલી આ જલકથાના

મહાઅભિયાનના પ્રારંભે દેશની લગભગ 101 જેટલી પવિત્ર નદીઓના જલનું પૂજન કરવાનો અનોખો વિચાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાર્યાન્વિત થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓ પંચ મહાભૂતની પૂજા કરતા આવ્યા છે, તે જ પરંપરાનું અનુસરણ કરીને લોકોમાં જળ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને જળસંચયના કાર્યોને વધુ વેગ મળે તે માટે જલપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

      તાજેતરમાં કાલાવડ રોડ સ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલય ખાતે જલપૂજન કાર્યક્રમ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં જલકથાના ભાગરૂપે યોજાનાર જલપૂજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જલપૂજન માટે ગુજરાત સહિત ભારત ભરની પવિત્ર નદીઓનું જળ મંગાવવામાં આવશે. આ પવિત્ર જળના કુંભ સૌપ્રથમ રાજકોટના ધર્મસ્થાનો, મંદિરો અને સમાજની વાડીઓ ખાતે રાખવામાં આવશે. ત્યારબાદ, કથાના પ્રારંભના દિવસે સામૈયા અને સ્વાગત સાથે આ તમામ જળકુંભને કથા સ્થળ રેસકોર્સ ખાતે લાવવામાં આવશે, જ્યાં આચાર્ય ચંદ્રેશભાઈ જે. ભટ્ટ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જલપૂજન કરાવશે. આ જલપૂજનમાં સ્ત્રી-પુરુષ દંપતી, કોઈ એક વ્યક્તિ કે આખો પરિવાર પણ ભાગ લઈ શકશે અને પવિત્ર જલનું પૂજન કરી શકે છે. આ જલપૂજનમાં એકઠી થનાર ધનરાશી જળસંચયના કાર્યમાં વપરાશે.

             આ બેઠકમાં ડો. દેવાંગીબેન મૈયડ, હેતલ સખીયા, ડો.નીતુબેન વોરા, કિરણબેન હરસોડા, સોનલબેન ડાંગરિયા, સુમિતાબેન કાપડિયા, વેણુબેન કોરાટ, શીતલ પટેલ, શિલ્પાબેન પટેલ, કુસુમબેન પટેલ અને નીલાબેન ગાંગાણી સહિતના મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજનને સફળ બનાવવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના, માર્ગદર્શન હેઠળ કોર કમિટીના સભ્યો સર્વશ્રી દિનેશભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી,  પ્રતાપભાઈ પટેલ, વીરાભાઇ હુંબલ, જમનભાઈ ડેકોરા, વસંતભાઈ લીંબાસીયા, શૈલેષભાઈ જાની, કમલનયનભાઈ સોજીત્રા, રમેશભાઈ ઠક્કર, કિશોરભાઈ કાથરોટિયા, ભાવેશભાઈ સખીયા, હર્ષિલભાઈ શાહ, પ્રકાશભાઈ ભાલાળા, કૌશિકભાઇ સરધારા,  વગેરે કાર્યરત છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *