#Blog

1 ઓક્ટોબર, “વિશ્વ શાકાહાર દિવસ”   

  • શાકાહાર અપનાવો, રોગ ભગાવો
  • માંસાહાર સર્વનાશાહાર, શાકાહારી બનો

1 ઓક્ટોબરે, “વિશ્વ શાકાહાર દિવસ” મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્‍મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને બહુચરા માતા માટે મગર! રામ ભગવાન પણ પશુ-પક્ષીઓને ખુબ આદર આપતા. પરંતુ સવાલ એ છે કે સ્વયં દેવતાઓનાં વાહન ગણાતાં આવા પશુ-પક્ષી અને પ્રાણીઓની અત્યારે હાલત શું છે? અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ એ છે કે આવી હાલત પાછળ કોણ જવાબદાર છે?

વેજીટેરીયન ખોરાકનાં ઘણા ફાયદાઓ હોય છે :

  • વેજિટેરિયન ખોરાક વધુ સંતુલિત હોય છે. માંસાહાર કરતાં શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ વધુ ચડિયાતાં છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવવું હશે તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવશરીર માટે એક સંપૂર્ણ ફૂડ-પેકેજ છે, જેમાં જરૂરી વિટામિન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે. સંતુલિત શાકાહારી ખોરાક વ્યક્તિને બાવડેબાજ અને મજબૂત બનાવી શકે છે.
  • શાકાહાર હ્રદયસંબંધી રોગના ખતરાને દૂર રાખે છે માંસાહારમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હ્રદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે, તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હ્રદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે.
  • શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. સ્વસ્થતાનો માપદંડ ગણાતો ‘બોડી માસ ઇન્ડેક્સ’ (બીએમઆઈ) પણ શાકાહારીઓમાં માંસાહારીની તુલનામાં વધુ સારો જોવા મળે છે. શરીરનું વજન એકસરખું જાળવી રાખવા તેમજ સંતુલિત સ્વાસ્થ્ય માટે શાકાહારને વધુ મહત્વ આપવાની નિષ્ણાંતો સલાહ આપે છે.
  • શાકાહાર લાંબી આયુનું વરદાન આપે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે.
  • શાકાહાર પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે.
  • શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે.  ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્‍વનું ઘટક સેરીબ્રોસાઇડ નામનું તત્‍વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક છે.
  • મનુષ્યનું પેટ મરેલા પશુ-પક્ષીઓનું કબ્રસ્તાન કે સ્મશાન નથી, પશુ-પક્ષીઓને ખાતા પહેલા તેમને મારવા પડે છે.
  • હાથી, ઘોડો, ગાય, ગેંડો, હિપોપોટેમસ, બકરી, ઊંટ, હરણ જેવા તમામ શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી જ છે.
  • મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *