ગીરગંગાનો યજ્ઞ : નવા રિંગ રોડ નજીક બનશે 30 વીઘા જગ્યામાં વિશાળ ડેમ

આસપાસની 20 જેટલી સોસાયટીઓનો પાણીનો પ્રશ્ન હલ થશે
જનભાગીદારીથી તૈયાર થનાર આ ડેમના કાર્યનો પ્રારંભ
સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે સૌરાષ્ટ્રમાં જનભાગીદારીથી જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 8,000થી વધારે નાના-મોટા સ્ટ્રક્ચર તૈયાર કરાયા બાદ રાજકોટ નજીક નાના મૌવા સર્વે નંબરમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે કરણ-અર્જુન પાર્ટી પ્લોટવાળી શેરીમાં 30 વીઘા જેટલી વિશાળ જગ્યામાં વધુ એક ડેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, શ્રી દાદા ગુરુ અને આર્ષ વિદ્યા મંદિર મુંજકાના સ્વામી શ્રી પરમાત્માનંદજીના હસ્તે આ ડેમનું ખાતમુહૂર્ત કરાયા બાદ ગત રવિવાર, તારીખ 21ના રોજ આ ડેમની આસપાસની ધ ટેમ્પલ, સેવન સ્ટેટસ, આઈકોન, ફોર્ચ્યુન એકસોટીકા, ફ્લોરેન્ઝા, ધ પાર્ક, ધ ગ્રીન મૂન, વિક્ટોરિયા ગાર્ડન, ઓરા, એક્વા, અર્બના ગાર્ડન, એક્વા બ્લુ, પવિત્રમ પ્રયાગ, પારિજાત ડાયમંડ પાર્ક, શ્યામલ શાશ્વત અને ધ ડાયમંડ સહિતની સોસાયટીના સભ્યો અને રહેવાસીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિવાળી એક બેઠક એકવા સર્કલ નજીક મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સોસાયટીઓનો મોટામાં મોટો પ્રશ્ન પાણીની સમસ્યા છે. ચોમાસાની આ ઋતુમાં પણ કેટલીક સોસાયટીઓમાં ટેન્કરથી પાણી આપવાની ફરજ પડી રહી છે ત્યારે આ ડેમથી આસપાસની સોસાયટીનો પાણીનો પ્રશ્ન હલ થશે. આમ પણ શહેરી વિસ્તારમાં બનતા ડેમોના બે મોટા ફાયદાઓ છે. વરસાદ પડે ત્યારે પાણી રોકાઈ જાય છે તેમજ પાણીના ફોર્સથી થતું નુકસાન ઓછું થાય છે ઉપરાંત વરસાદ ન હોય ત્યારે આ ડેમનું પાણી કામ આવે છે.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, ઉદ્યોગપતિ શ્રી ભરતભાઈ ટીલવા, ગોંડલના ઉદ્યોગપતિ શ્રી ગિરધરભાઈ રૈયાણી, ટર્બો બેરિંગવાળા શ્રી પ્રતાપભાઈ પટેલ તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ પાણીના મહત્વ અને જળસંચયની આવશ્યકતા વિશે ચિંતન પૂર્ણ પ્રવચન કરતા એક સુરે જણાવ્યું હતું કે, એક સમયે 50 થી 100 ફૂટે સૌરાષ્ટ્રમાં પાણી નીકળતું હતું. આ તળ હવે હજાર-બે હજાર ફૂટ ઊંડા જતા રહ્યા છે ત્યારે જીવ સૃષ્ટિને બચાવવા માટે અને ભવિષ્યની પેઢી માટે જળસંચયનો કોઈ વિકલ્પ નથી.
વિક્ટોરિયા ગાર્ડન નજીક જ્યાં આ ડેમનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં ભવિષ્યમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવે તો શહેરીજનો માટે એક ફરવાલાયક કુદરતી વાતાવરણવાળું સ્થળ પણ બની શકે તેમ છે.
આ સંમેલનની જવાબદારી સંભાળનાર સોસાયટીના અગ્રણીઓ શ્રી અમિતભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ કાથરોટીયા, ડો.મિલનભાઈ ધરસંડિયા, રમણીકભાઈ પટેલ , હીરાભાઈ ટીલાળા, પી.પી સભાયા, અશોકભાઈ મણવર, ચંદુભાઈ ખાનપરા (દાવત ગ્રુપ), બીપીનભાઈ ઝાલાવડિયા, માકડિયાભાઈ, આ સોસાયટીના બહેનો એ પણ ખુબ સરસ સહયોગ અને સુચન આપેલા છે અને બહેનો એ પણ જોડાવવા માટે અપીલ કરી હતી અને સર્વે દાતાઓને પોતાની શક્તિ અનુસાર પોતાની કર્મભૂમિ અને માતૃભૂમિમાં જળસંચય માટેના આ કાર્યમાં તન-મન, ધનથી જોડાવવા માટે અપીલ કરી હતી.
ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના, માર્ગદર્શન હેઠળ કોર કમિટીના સભ્યો સર્વશ્રી દિનેશભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી, પ્રતાપભાઈ પટેલ, વીરાભાઇ હુંબલ, જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, ડો. દેવાંગીબેન મૈયડ, રમેશભાઈ ઠક્કર, ભરતભાઈ ટીલવા, મનુભાઈ સૈજા, પ્રવીણભાઈ ભુવા, ગીરધરભાઈ રૈયાણી, કૌશિકભાઇ સરધારા, મહેશભાઈ સેગલીયા, પરસોતમભાઈ ગાજીપરા, વગેરે કાર્યરત છે.