સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા જૈન આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ સન્માન

આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા આચાર્ય લોકેશજીને સન્માનીત કરવામાં આવ્યા.
શિકાગોમાં ‘જૈના કન્વેન્શન’ના ઉદ્ઘાટન સત્રને આચાર્ય લોકેશજી સંબોધિત કરશે
વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીયના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશ મુનિજીને આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસા, શાંતિ અને સદ્ભાવના સ્થાપવા તથા માનવતાવાદી કાર્યો માટે ન્યૂયોર્કમાં આયોજિત વિશેષ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન તેમને વૈશ્વિક સાંસ્કૃતિક અને માનવીય મૂલ્યોના ઉન્નતિ માટે તેમજ વિશ્વમાં શાંતિ અને સદ્ભાવના માટેના નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવ્યું. આ પ્રસંગે આચાર્ય લોકેશજીને પ્રશસ્તિપત્ર, સન્માન ચિહ્ન અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. આચાર્ય લોકેશજીએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “આ સન્માન માત્ર મારું નહીં, આખી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સન્માન છે, આ ભગવાન મહાવીર અને તેમના સિદ્ધાંતોનું સન્માન છે, આ ‘વસુધૈવ કુટુંબકમ્’ સંદેશ આપતી ભારતીય ભાવનાનું સન્માન છે.” આ પ્રસંગે શાંતિદૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ બહુવિધતા ધરાવતી સંસ્કૃતિ છે. અનેકતાઓ વચ્ચે એકતા એ તેનું મૂળ તત્વ છે. સર્વધર્મ સદ્ભાવ એ તેનો આત્મા છે. આચાર્ય લોકેશજીએ વધુમાં કહ્યું કે, “વિશ્વ શાંતિ અને સદ્ભાવના માટે જરૂરી છે કે તમામ ધર્મો, જાતિઓ અને સમુદાયો સાથે મળીને સદ્ભાવનાથી કાર્ય કરે. સમાજના વિકાસમાં ધર્મ અવરોધ ન બને એ જરૂરી છે. ધર્મગુરુઓએ પોતાના અનુયાયીઓને સમજાવવું જોઈએ કે ધર્મે હંમેશા સદ્ભાવથી સાથે રહેવાનું શીખવ્યું છે. તમામ ધર્મો વિકાસનો માર્ગ બતાવે છે. ધર્મ હંમેશા માનવતા શીખવે છે. જ્યારે વિકાસ આધ્યાત્મિકતાના આધાર પર થાય છે ત્યારે તે આશીર્વાદરૂપ બને છે. ધર્મના ક્ષેત્રમાં હિંસા, દ્વેષ અને ઘૃણાને કોઈ સ્થાન નથી. દરેક સમસ્યાનું સમાધાન સંવાદ અને ચર્ચા દ્વારા શક્ય છે. તેના માટે પહેલા આપણે પોતાના અસ્તિત્વની જેમ અન્યના અસ્તિત્વ અને વિચારોનો પણ સન્માન કરવો શીખવો જોઈએ. મતભેદ હોવા સ્વાભાવિક છે, પરંતુ તેને મનભેદ ન બનાવીએ.” ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટીના કાર્યકારી ડિરેક્ટર બ્રુશી એ બ્લેકમેન, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ગૂએના દેશના રાજદૂત, તથા આંતરરાષ્ટ્રીય ચેરમેન બોબીએ જણાવ્યું કે, “આચાર્ય લોકેશજીએ વિશ્વ શાંતિ, સદ્ભાવના સ્થાપના અને આંતરધર્મ સંવાદના ક્ષેત્રમાં એક ઉત્તમ દાખલો રજૂ કર્યો છે. તેઓ સમગ્ર વિશ્વ માટે આશાની કિરણ સમાન છે, જે હંમેશા આતંકવાદ, હિંસા અને મનભેદો દૂર કરવા પ્રયત્નશીલ રહે છે.” આ પ્રસંગે અહિંસા વિશ્વ ભારતીય ફાઉન્ડેશન યુએસએના કરમજીત સિંહ ધાલીવાલ, હરી સિંહ, ડૉ. રાજ ભયાણી અને મુકેશ મોદીએ જણાવ્યું કે, “આચાર્ય લોકેશજી માનવતાના મસીહા છે, જે હંમેશા દેશની સીમાઓને પાર કરીને માનવસેવાના કાર્ય માટે તૈયાર રહે છે.”