21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે – નર્મદ
ભાષાનું જ્ઞાન, જ્ઞાનનો દ્વાર છે.
દર વર્ષે 21 ફેબ્રુઆરીએ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી 21 ફેબ્રુઆરી, 1999નાં દિવસને યુનેસ્કોએ “વિશ્વ માતૃભાષા દિવસ” જાહેર કર્યો હતો. યુએનનાં જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે. સામાન્ય રીતે માતૃભાષા એટલે બાળકને માતા તરફથી મળેલી ભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય અને બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું હોય તે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા. વિખ્યાત લેખક ગુણવંત શાહ કહે છે કે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’
આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝનાં 22માં સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. ભાષા એ અભિવ્યક્તિનું સાધન છે. એનાં વગર અભિવ્યક્તિ શક્ય જ નથી. ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની છે. જો હવે વ્યવહારમાં સંસ્કૃત ન વાપરવામાં આવે એ તો સમજાય એવી વાત છે, પરંતુ એ આપણો વારસો છે એટલે સાવ લુપ્ત તો ન જ થવો જોઈએ. સંસ્કૃત ભાષા વાંચતા અને સમજતા તો આવડવી જ જોઈએ અને બાળકોને જેમ નાનપણથી જ અંગ્રેજી ભષાનું વણગણ લાગાડવામાં આવે છે તેમ સંસ્કૃત ભાષા પણ શીખવવી જોઈએ. દરરોજ સંસ્કૃતનાં શ્લોકોનું ઉચ્ચારણ કરવાથી ઉચ્ચારણ શુદ્ધ થાય છે. તમામ ભાષાઓનું સન્માન કરવું જોઈએ અને પોતાની માતૃભાષાને ટકાવી રાખવા એને કંઠસ્થ કરવી જોઈએ.
મિત્તલ ખેતાણી (મો. 98242 21999)