રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે

રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે
જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં 140 શાળાઓની બેઠક મળી
વિદ્યાર્થીઓમાં જળસંચય જાગૃતિ આવે તે માટે પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવશે
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર જળસંચય સંદર્ભે ચિંતિત અને સક્રિય છે. આવનારી પેઢી પાણી માટે વલખા ન મારે અને આ માટે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી લગભગ સમગ્ર દેશમાં કુવા અને બોર રિચાર્જિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના એક ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગત શનિવારે સાંજે રાજકોટ શાળા સંચાલક સેલ ફાઇનાન્સ મેનેજમેન્ટ એસોસિએશન સાથે તમામ શાળાઓમાં બોર રિચાર્જિંગ થાય તે હેતુથી એક સફળ મીટીંગ મળી હતી. આ બેઠકમાં રાજકોટની પ્રતિષ્ઠિત એવી કુલ 140 શાળાઓના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેક ડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી મળેલી આ મિટિંગમાં રાજકોટ જિલ્લા માં. કલેકટર શ્રી ઓમ પ્રકાશ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલ સાહેબ, શાળા સંચાલક મંડળ ના શ્રી ડી.વી. મેહતા સાહેબ, શ્રી પરિમલ પડવા સાહેબ, શ્રી જતીન ભરાડ સાહેબ, શ્રી રશ્મિકાન્ત મોદી સાહેબ, શ્રી કૃષ્ણકાંત ધોળકિયા સાહેબ, શ્રી પાનેલીયા સાહેબ, શ્રી અવધેશ કાનગડ સાહેબ, શ્રી સુદીપ મેહતા સાહેબ વગેરે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન ના અગ્રણીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર સાહેબ દ્વારા ખુબ સરસ રીતે વરસાદી પાણીનું મહતમ સમજાવતા કહેલુ કે ઈઝરાઈલ જેવા દેશમાં આપણા કરતા ૧૦માં ભાગનો વરસાદ પડે તો પણ આપણા કરતા પાણી બાબતે ખુબ સમૃદ્ધ છે, અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી વરસાદી પાણી માટે જે કાર્ય થઈ રહયું છે તે દેશના આર્થિક વિકાસમાં ખુબ મોટો ફાયદો કરાવશે. સાહેબે જણાવેલ કે, દિલીપભાઈ સખીયા કિશાન સંધના પ્રમુખ તરીકે જે કાર્ય કરી રહ્યા હતા તેના કરતા ૩૬૦ ડીગ્રીએ તાકાતથી કામ કરી રહયા છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલ સાહેબે જણાવેલ કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે કાર્ય થઈ રહયું છે તે સમશાનના વૈરાગ્ય જેવું ન હોવું જોઈએ આવતી પેઢીને સંપૂર્ણ રીતે નીરોગી રાખવી હોઈ તો પાણીનું જતન ખુબ જરૂરી છે. શાળા સંચાલક મંડળ ના શ્રી ડી.વી. મેહતા સાહેબે જણાવેલ કે આ મિટિંગમાં ભગીરથ પ્રયાસ કરીને દરેક સ્કુલ સંચાલનોને અપીલ કરવામાં આવેલ છે જેમ જીનીયસ સ્કુલ અને ગાર્ડી વિદ્યાપીઠ અને મોદી સ્કુલમાં રીચાર્જ બોર કરીને ઉનાળામાં પાણીના ટેન્કરની જરૂરિયાત ઉભી ન થઈ તે રીતે દરેક શાળા સંચાલકો પોતાની સ્કુલમાં અને વિધાર્થીઓના વાલીને આ કાર્યમાં વધુમાં વધુ જોડે તેવી અપીલ કરી છે. ન્યુ યેરા સ્કૂલ, રૈયા રોડ, રાજકોટ ખાતે મળેલી આ બેઠકમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જળસંચયની જરૂરિયાત બાબતે ગંભીરતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરતો વરસાદ પડતો હોવા છતાં જળસંચયની વ્યવસ્થાના અભાવે વરસાદનું 80 ટકા પાણી દરિયામાં વહી જાય છે. આ બાબતે આજથી જ જનજાગૃતિ કેળવવામાં નહીં આવે તો આ પરિસ્થિતિ નવી પેઢી માટે ખતરનાક પુરવાર થશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર તેમજ જળશક્તિ મંત્રાલય જળસંચય માટે ખૂબ સક્રિય છે અને આ અનુસંધાને મંત્રાલય જિલ્લા કલેકટરોને આ ઝુંબેશમાં પોતાના તંત્રનો ઉપયોગ કરીને જળસંચય માટે સહયોગ કરવા સૂચિત કરેલ છે. આ માટે તૈયાર કરવામાં આવેલા પોર્ટલ પર જળસંચયને લગતા કાર્યોની વિગતો અપલોડ કરવામાં આવે છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર અને તેમનું તંત્ર પણ સુંદર કાર્ય કરી રહ્યું છે. જિલ્લા કલેકટર શ્રી ઓમ પ્રકાશજીએ આ બેઠકમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે બેઠકની પૂર્વભૂમિકા બાંધીને સમગ્ર કાર્યક્રમનું પ્રવાહી શૈલીમાં સંચાલન શ્રી શૈલેષભાઈ જાનીએ કર્યું હતું. આ સેમિનારમાં હાજર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, શૈલેશભાઈ જાની, પ્રતાપભાઈ પટેલ(ડેકોરા), જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, કૌશિકભાઈ સરધારા, ડૉ.દેવાંગી મૈયડ, વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહયા હતા.