#Blog

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે

મોરબી જિલ્લાના ટંકારા ગામે આજે જળસંચયના એક ભગીરથ કાર્યનો મંગલ પ્રારંભ થયો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ચેકડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકો અને રાજકીય અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં જળ બચાવવા અને ધરતીને હરિયાળી બનાવવાના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો.

આ તકે ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે રીતે ગામડે-ગામડે ચેકડેમ બનાવી રહ્યું છે, તે જોતા એવું પ્રતીત થાય છે કે જાણે સાક્ષાત નર્મદાના નીરને અહીં ઉતારવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ચેકડેમ ઊંડા ઉતારવાથી તેની જળસંગ્રહ શક્તિમાં અનેકગણો વધારો થશે, જેના પરિણામે કરોડો લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. આનાથી માત્ર ખેડૂતો જ નહીં, પણ પશુ-પક્ષીઓ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચયના મિશન પર કાર્યરત છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સેંકડો ચેકડેમોનું નિર્માણ અને તળાવો ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ કાર્યના ફળસ્વરૂપ સૌરાષ્ટ્રની ધરતી આજે હરિયાળી બની રહી છે અને અનેક ગામોમાં ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે. માત્ર જળસંગ્રહ જ નહીં, પણ પર્યાવરણની જાળવણી અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં આ ટ્રસ્ટનું યોગદાન પાયાનું રહ્યું છે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ વસંતભાઈ માંડવીયા, આરડીસી સંજયભાઈ ભાગીયા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રીશ્રી રૂપસિંહ ઝાલા, મહામંત્રીશ્રી ગણેશભાઈ નમેરા, પૂર્વ સરપંચશ્રી કાનાભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ શ્રી પ્રભુલાલ કામરીયા, કિશાન મોરચા પ્રમુખ રસિકભાઈ દુબરિયા, યુવા ભાજપ પ્રમુખ હસમુખભાઈ દુબરિયા, સરપંચ એસોસિએશન પ્રમુખ મહેશભાઈ લીખીયા સહિતના ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *