13 નવેમ્બર, “વિશ્વ દયા દિવસ”

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ ભૂલ અભિમાન. તુલસીદાસ કહે, દયા નવ છોડીયે જબ તક હૈ ઘટ મેં પ્રાણ.
વિશ્વભરમાં, 13 નવેમ્બરને “વિશ્વ દયા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઈની પ્રત્યે દયા બતાવવા અને કોઈને તેમના કામથી ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે, 20 વર્ષ પહેલાં, જાપાનીઝ ‘વર્લ્ડ મૂવમેન્ટ’ને સમર્પિત કોન્ફરન્સ જાપાનનાં શહેર ટોક્યોમાં યોજાઈ હતી. તે સમયે, પેસિફિક ક્ષેત્રના રાજ્યો તેના સહભાગીઓ બન્યા. વધુમાં, ગ્રેટ બ્રિટન તેમની સાથે જોડાયું. સમય જતાં, અન્ય દેશોમાં પણ દયાનો દિવસ ઉજવવાનું શરૂ થયું.
કોઈ પણ પ્રત્યે દયા, જીવદયા કે કાઈન્ડનેસ બતાવવી એ માત્ર ‘પાર્ટ ઓફ એથીક્સ’ જ નથી પરંતુ એ તો કોઈ પણ જીવ માત્રની સામજિક જવાબદારી પણ છે. વધતા જતાં અસામાજિક તત્વો વચ્ચે આ જીવદયા કે કરુણા જેવી બાબતો જ જીવનને એક મકસદ આપે છે અને સમાજમાં સકારાત્મકતા ફેલાવવાનું એક ખુબ જ અઘરું કામ કરે છે.
જો આપણે આપણી આસપાસ નજર કરીએ તો જોવા મળશે ક્યાંક, કોઈક સ્થળે કોઈ કોઈને બને તેટલી મદદ કરતું રહે છે. જેમ કે દરરોજ જમતા પહેલા ગાયની રોટલી આપવી, કુતરાઓને દૂધ રોટલાં કે બિસ્કીટ અથવા બિલાડીને દૂધ પીવડાવું, પક્ષીઓ માટે પાણી અને ચણ મુકવા, કીડીઓને કીડીયારું પૂરવું વગેરે જેવી બાબતોથી જીવદયા પ્રત્યે થોડું યોગદાન આપી શકાય છે અહીં મહત્વની વાત એ છે કે આનાથી કોઈને નુકસાન થતું નથી. આજે જયારે માનવતા પણ અલોપ થતી લાગે છે ત્યારે કોઈ પાસેથી માનવતા કે જીવદયાની અપેક્ષા રાખવી એ પણ એક ભ્રમ સમાન છે. આજે માનવીએ ગધેડા જેવા ભોળા પ્રાણીથી માંડી હાથી જેવા કદાવર પ્રાણીને પકડીને ગુલામ બનાવી દીધાં છે. મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. તેઓ સ્વેચ્છાએ, સ્વતંત્ર રીતે હરી ફરી શકે તેવું વાતાવરણ આપણે તેમને આપવું જ જોઈએ, તે આપણાં પર્યાવરણ સંવર્ધક છે. ઘણા બધા પ્રાણીઓ પાસેથી પણ આપણને વિવિધ ગુણો શીખવા મળે છે. જેમકે કૂતરો પ્રેમ અને વફાદારી શીખવે છે, નાનકડી કીડી પાસેથી એકતા, પક્ષીઓ પાસેથી સતર્કતા શીખવા મળે છે. બધા જ પ્રાણીઓ આપણી પૃથ્વીનાં જ છે તેથી તેમનો આદર કરી, તેમનાં પ્રત્યે જીવદયા રાખીને તેમનું જતન કરવું આપણી પ્રથમ ફરજ છે.
જીવ પ્રત્યે દયા, કરુણા સદાય રાખવી જોઈએ. તે માટે કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો છે જેમ કે,
- જંગલો ન કાપવા જોઇએ. વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઇએ.
- શાકાહાર અપનાવવો જોઈએ.
- પશુ, પક્ષી, પ્રાણીઓને મુક્ત રીતે હરવા ફરવા દેવા જોઈએ.
- પશુ-પંખી અને પ્રાણીઓને પુરતો આહાર, પાણી અને સારવાર પૂરી પાડવી જોઈએ.
- પક્ષીઓ માટે ચણ અને પાણી ઘરે જ મૂકી શકાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
- રસ્તે રઝળતા પશુઓને આશરો અને ખાદ્ય પદાર્થો પુરા પાડવા જોઈએ.
-મિત્તલ ખેતાણી (મો.98242 21999)



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































