ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા ‘એર ઇન્ડિયા’ને પોતાના મેન્યુ કાર્ડમાં નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ આપવા માટે રજૂઆત કરાઈ

એર ઇન્ડિયાની ઇન-ફ્લાઇટ સેવાઓ દરમિયાન પીરસવામાં આવતા ભોજનનાં મેન્યુ કાર્ડ પર નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ કરવામાં આવતું નથી. માંસાહારી ખાદ્ય ચીજોમાં માંસાહારી ઘટકો હોય છે તે દર્શાવતું પ્રમાણભૂત લાલ ચિહ્ન એર ઇન્ડીયાના મેન્યુ કાર્ડમાં આપેલું નથી. યોગ્ય લેબલીંગનો આ અભાવ બરાબર નથી, કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ લઈને મુસાફરી કરતા લોકો વ્યક્તિગત, ધાર્મિક અથવા સાંસ્કૃતિક કારણોસર સખત શાકાહારી હોય તેવું બની શકે છે. વેજ અને નોનવેજનાં આ સ્પષ્ટ તફાવત કોઈપણ મૂંઝવણને રોકવા અને ખાતરી કરવા માટે જરૂરી છે જેથી મુસાફરો આકસ્મિક રીતે તેમની માન્યતાઓ અથવા આહારની જરૂરિયાતોની વિરુદ્ધ જઈને નોનવેજ ખોરાકનું સેવન ન કરે. આ અંગે ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા ‘એર ઇન્ડિયા’ને પોતાના મેન્યુ કાર્ડમાં નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ સંદર્ભે એર ઇન્ડિયાના નોડલ ઓફિસરનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પીરસવામાં આવતા ભોજનની ઓળખ અંગેની ડૉ. ગિરીશ શાહની ચિંતા યોગ્ય છે જેના સંદર્ભમાં વ્હેલમાં વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવશે તેની ખાતરી પણ આપી હતી. આ સાથે જ એર ઇન્ડિયાનાં નોડલ ઓફિસરે ડૉ. ગિરીશ શાહનો એર ઇન્ડિયાની કસ્ટમર સર્વિસમાં ફેરફાર માટે પ્રતિસાદ આપવા બદલ આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની સેવાને વધુ સારી બનાવવા માટે ડૉ. ગિરીશ શાહનું ફીડબેક નિર્ણાયક ભૂમિકા ભજવે તેવો છે.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































