ઇસુના નવા વર્ષને વધાવવા જતા પર દુઃખભંજન રાજા વીર વિક્રમ અને તેની સંસ્કૃતિની અસ્મિતા ભૂલાઈ ન જાય
31 ડિસેમ્બર આદિ પશ્ચિમના તહેવારોએ મા ભારતીની સંસ્કૃતિનું ચીરહરણ કર્યું છે
સ્વરાજ મળ્યાંને ૬૩ વર્ષ થયાં, પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છુપાયેલા પડ્યુંત્રોને પારખવામાં આપણે થાપ ખાઈ ગયા છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે ૩૧મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે ૧૨ વાગે કોઈ પાર્ટીમાં, પબમાં કે હબમાં જાય, આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે જરાપણ સુસંગત ન થાય તેવા તહેવારો અને વહેવારો ઊજવે ત્યારે જેને મા ગણીએ છીએ તે ભારતમાતાના હૃદયમાં ખૂની શેરડો હશે તેમાં શંકાને સ્થાન નથી. ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ અંતર્ગત મેકોલેએ તેની બહેનને ૧૮૩૫માં લખેલો પત્ર હમણાં જાહેર થયો છે. તેણે લખ્યું હતું કે, “આ દેશ શિક્ષણની બાબતમાં એટલું બધું આત્મનિર્ભર છે કે અહીં ૯૦ વિદ્યાર્થીઓ દીઠ વસ્તીના 400 વ્યક્તિ દીઠ એક ગુરુકુલમ અને ૧૦,૦૦૦થી વધારે વિદ્યાપીઠો છે, પરંતુ જો મારી (મેકોલેની) શિક્ષણ પદ્ધતિ અમલમાં આવશે તો પ્રત્યે ભારતીય ઇસુ વિનાનો ખ્રિસ્તી હશે.” આ વાત પુરવાર કરવા બહાર ક્યાંય જવાની જરૂર ગણાતી નથી. એક રાજાએ બીજા રાજા ઉપર આક્રમણ કર્યાનું સાંભળ્યું છે, પરંતુ એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યાના વાવડ આંખમાં લોહીના આંસુ લાવે છે.
વિશ્વની સાહસયુક્ત અને બાહરા એવી ધીમંત અને શ્રીમંત પ્રજા તરીકે ભારતીયોની ગણના થતી. ૧૦૦ કરોડ ભારતીયોને યુરેનિયમ બૉમ્બથી નાશ કરવાનો મનસૂબો પૂરો થાય તેમ હતું નહીં તેથી આયોજનપૂર્વક ગણતરીબદ્ધ રીતે તેનો અણજાણપણે નાશ થઈ જાય તેવા પેંતરાં રચવામાં ૧૯૪૨નું જહોન પોપ પોલ છઠ્ઠાનું ‘બુલ’ પાયા તરીકે ગણવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ બુલને બાળી નાખવા માટેના કેટલાય કાર્યક્રમો આજસુધી યોજાઈ ગયા છે, પરંતુ તે કાગળ કદાચ બળ્યો છે તેમાં છુપાઈ રહેલો કાવતરાની એજેન્ડાનો દાણો ઊગી નીકળ્યો છે. એક તળાવમાંથી બધી માછલીઓને દૂર નહીં કરી શકાય, પરંતુ તેમાં રહેલું પાણી સૂકવી નાખો એટલે બધાં માછલાંનું સામુહિક મૃત્યુ થાય છે. પ્રથમ ચરણમાં પ્રજાને તેની માતૃભાષાથી વિખૂટી કરી દેવામાં આવી. આનાથી બીજી અનેક બાબતોનું વિલિનીકરણ આપોઆપ થવા લાગ્યું. આજકાલ કહેવતા – ભણેલાં ગુજરાતીઓ ગૌરવ અનુભવતાં કહે છે કે મને ગુજરાતી વાંચતા આવડતું નથી. ઘરમાં પણ ગુજરાતીને બદલે હિન્દી અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ સરળતાથી થઈ રહ્યો છે. દાદીમા કહેશે બેટા તું ઈટ કરી લે.
૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઈન-ડેના હિમાલયની નીચે ભાઈ-બીજ અને રક્ષાબંધનના પર્વો ભારે ભીંસમાં આવ્યા છે. સ્કૂલ-કૉલેજો અને કોર્ટોમાં પણ નાતાલનું વૅકેશન ફરજિયાત માણવું પડે છે અને દિવાળી, પર્યુષણ કે અન્ય દેશી તહેવારોમાં સ્કૂલ-કૉલેજમાં જો રજા માગવા ગયા તો વિદ્યાર્થી અને તેના વાલીની શું વલે કરવામાં આવે છે તે અનુભવથી જ વધુ સારી રીતે સમજાશે. ઈસ્વીસનના વાવાઝોડામાં વિક્રમ સંવત, શક સંવત કે વીર સંવત તો વંટોળિયા બનીને વિખેરાઈ ગઈ છે. કાળગણનાનું આયાતી માધ્યમ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. બની ગયા છે. પરિણામે લોકોના જીવનમાંથી ‘કાર્તિક, માગશર, પોષ ને મહા…’ લુપ્ત થઈ ગયા છે. આજે નજરે જોવાય છે કે શહેરોમાં દિવાળીની રાત્રિના દીવાઓના ટમટમાટ કરતાં ૩૧મી ડિસેમ્બરની નશીલી ‘નાઈટ’ની કલરફુલ ડિસ્કો લાઈટ્સનો ઝગમગાટ વધતો જાય છે. ટેલિવિઝન મીડિયા આવી ‘નાઈટ’ને છેક ગામડાં સુધી સપ્લાય કરે છે. વડીલોના પગે પડીને નવા વર્ષની શરૂઆત કરતાં આપણાં વ્યવહારોને પશ્ચિમી કલ્ચરનો ડાયનોસોર આપણી ગૌરવવંતી પોર્વાત્ય સંસ્કૃતિને ગળી જવા હાવી થાય છે.
જન્મદિન નિમિત્તે ગુજરાતી તિથિને બદલે અંગ્રેજી તારીખે જ્યારે ૮૦ અને ૯૦ વર્ષના માજીઓ પાસે મિણબત્તીઓ ઓલવવામાં આવે એ આપણી સંસ્કૃતિ મરણને શરણ થવાની છે તેનું લક્ષણ છે. આપણે ત્યાં શુભ પ્રસંગોએ દીવાઓ પ્રગટાવવામાં આવતા હતા. ઘરની બહાર જઈએ તો પણ પ્રગટાવેલો દીવો માંગલિક (બંધ) કર્યા વગર જવાનો રિવાજ હતો. જુઓ ‘બંધ’ને બદલે પણ ‘માંગલિક’ શબ્દ મૂક્યો છે. જન્મ દિવસની આગલી રાત્રીએ 12 વાગ્યે કાળવેળાએ કેક કાપવાનો રિવાજ સારા ધર્મી ઘરો સુધી ઘૂસી ગયો છે.
આપણા વડવાઓની દૂરદેશી તો જુઓ અપેક્ષાએ ભારે એવા મંગળ ગ્રહનું નામ પણ મંગળ રાખ્યું, એટલે અડધું અપમંગળ તો મંગળ શબ્દ બોલવાથી જ દૂર થઈ જાય. મૃત્યુ પામે ત્યારે મરી ગયા એ શબ્દ હલકો ગણાતો, ગુજરી ગયા શબ્દ મધ્યમ ગણાતો, પણ અસલમાં શાંત થયા તે શબ્દ વપરાતો હતો. સમગ્ર જીવનની અધ્યાત્મની ફિલસૂફી શાંત થયા શબ્દથી પ્રસ્થાપિત થઈ જતી. હજી તો નવ સદી પહેલાં કુમારપાળ રાજાના રાજ્યમાં કોઈ માર શબ્દ બોલે તો તેનું ધન હણી લેવામાં આવતું હતું. તે જ દેશમાં હું તને મીસ કોલ મારું છું એવું આપણે કેટલીવાર બોલીએ છીએ? સેકન્ડે સેકન્ડે ઓકે શબ્દ બોલતાં આપણને ખ્યાલ નથી કે તેને બદલે ત્યાં શુકનશાસ્ત્ર કહે છે કે ભલે શબ્દ વાપરવો. ગૂડ મોર્નિંગને બદલે આપણે ત્યાં વિમલશ્રી સુપ્રભાતમ્ શબ્દ વપરાતો હતો. તમને સવારે કોઈ આ શબ્દ સંભળાવે અથવા તમે કોઈની માટે આ શુભભાવના ભાવો તો તે દિવસ દરમિયાન માત્ર આ શબ્દ સાંભળવાથી મંગળ અને કલ્યાણની પરંપરાઓ સર્જાતી હોય છે.
બેસતા વર્ષે સબરસના મીઠા શબ્દો ઘરઘરની અંદર ગૂંજતા. નૂતન વર્ષે હેપ્પી ન્યૂ યરને બદલે આપણે ત્યાં મંગલ કામના શબ્દ વપરાતો હતો. તમે સાલ મુબારક કે હેપ્પી ન્યૂ યર કહો એટલે સામેવાળી વ્યક્તિ પોતાના જીવનમાં વર્ષ દરમિયાન જે કંઈ પાપ કર્મ કરે તેના વગર મફતના ટકા ભાગીદાર થવાનું અને મંગલ કામના શબ્દ વાપરો એટલે આ અધ્યાત્મલક્ષી શબ્દ દ્વારા તેના જીવનમાં થતી દરેક પ્રવૃત્તિથી તેનું હિત અને કલ્યાણ થાય તેવી ભાવનાથી પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન થતું હોય છે. ફ્રેન્ડશિપ ડે, ફેસબુક અને વોટ્સઅપના જમાનામાં વ્યસ્ત આજના યુવાધનને આવી મંગળમય વાતો કોણ સમજાવશે?
રોગનું નિદાન તો થયું, પણ ચાલો કેટલાક વાસ્તવિક ઔષધિ પ્રયોગો વિચારીને અમલમાં મૂકીએ. 2026ની ડાયરી આપવાને બદલે બેસતા વર્ષે ગુજરાતી તિથિવાળી ડાયરી આપીએ. પત્રવ્યવહારમાં ગુજરાતી તિથિને જીવંત કરીએ. તારીખ લખવી જ પડે તો અંગ્રેજી તારીખ છે તેમ લખીને તારીખ લખવી. બેસતું વર્ષ ઊજવવું જ પડે તો દીવાઓ પ્રગટાવીને મનુષ્યજન્મ મળ્યો છે તેની ખુશાલીરૂપે ગુજરાતી તિથિને દિવસે જ ઊજવીએ.
ઇંડાંયુક્ત કેક ને બદલે ગોળપાપડી ખવડાવીએ. અન્યથા ધનતેરસની લક્ષ્મીદેવી કે દિવાળીની મા શારદાના સિંહાસને આરૂઢ થવા સાન્તાકલોઝ થનગની રહ્યો છે. ઇસુના નવા વર્ષને વધાવવા જતા પરદુઃખભંજન રાજા વીર વિક્રમ અને તેની સંસ્કૃતિની અસ્મિતા ભૂલાઈ ન જાય તેની કાળજી રાખીએ.
–અતુલકુમાર વ્રજલાલ શાહ









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































