1 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

ભણતર થકી જ શક્ય છે ગણતર, ઘડતર અને જીવનનું ચણતર
ભારત દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની ઉજવણી માટે કરે છે. મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888નાં રોજ થયો હતો. આઝાદી પછી 1952માં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશનાં રામપુર જિલ્લામાંથી સાંસદ તરીકે ચૂંટાયા અને ભારતનાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા. આઈઆઈટી ખડગપુરની પ્રથમ ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના મૌલાના અબુલ કલામ આઝાદે કરી હતી. સ્વતંત્ર ભારતનાં શિક્ષણ પ્રધાન મૌલાના આઝાદે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીની રચના કરી. નિ:શુલ્ક પ્રાથમિક શિક્ષણ એ પ્રાથમિક ઉદ્દેશ હતો. મૌલાના આઝાદે એકવાર કહ્યું હતું કે શાળાઓ પ્રયોગશાળાઓ છે, જે દેશના ભાવિ નાગરિકોનું ઉત્પાદન કરે છે. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (સીએબીઇ) ની પ્રથમ બેઠકને સંબોધિત કરતા મૌલાના આઝાદે કહ્યું હતું કે, કોઇપણ સિસ્ટમનો પ્રાથમિક ઉદ્દેશ સંતુલિત મન બનાવવાનો છે કે જેને ગેરમાર્ગે દોરી ન શકાય. આઈઆઈટી ખડ્ગપુર, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ઉપરાંત, મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા ઓલ ઈન્ડિયા ટેક્નિકલ એજ્યુકેશનની સ્થાપના પણ કરવામાં આવી હતી. ભારતીય સાંસ્કૃતિક સંબંધો (આઇસીસીઆર), સાહિત્ય અકાદમી, લાલિત કલા અકાદમી, સંગીત નાટક અકાદમી અને કાઉન્સિલની સ્થાપનાનો શ્રેય પણ મૌલાના અબુલ કલામ આઝાદને જાય છે. શિક્ષણ, રાષ્ટ્ર નિર્માણ અને સંસ્થા નિર્માણનાં ક્ષેત્રમાં મૌલાના અબુલ કલામ આઝાદનું પ્રદાન અનુકરણીય છે. તેઓ ભારતમાં શિક્ષણનાં મુખ્ય આર્કિટેક્ટ છે. તેઓ 1947 થી 1958 દરમિયાન સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન હતા. 1992 માં તેમને ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
કોઈ પણ દેશ માટે શિક્ષણ એ ખુબ જરૂરી બાબત છે. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પણ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનું ઘર છોડીને વિદ્યા મેળવી અને પોતાનાં જીવનને સાર્થક બનાવ્યુ. આજે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત છે પણ આ ક્ષેત્રમાં હજુ ઘણું કરવાનું બાકી છે. આજનું શિક્ષણ આપણને ભૂતકાળ સાથે જોડે છે, પરંપરા સાથે જોડે છે પરંતુ ભવિષ્ય સાથે બહુ ઓછુ નિસ્બત રાખે છે. ખરેખર તો અત્યારે શું કરવું જોઈએ તેનાં પર પણ શિક્ષણમાં સંશોધન કરવું જરૂરી છે.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































