#Blog

જળસંચય મહાઅભિયાનને સંતોના આશીર્વાદ

બીએપીએસના પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકત

રાજકોટમાં યોજાનારી ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ને સ્વામીજીએ પાઠવ્યા આશીર્વચન : જળ સંરક્ષણના કાર્યની સરાહના

જળ સંરક્ષણ અને જળ સંચયના ક્ષેત્રે દેશભરમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહેલા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત લઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના સંત શ્રી અપૂર્વમુનિએ ગીરગંગાના જળસંચયના કાર્યો અંગે સવિસ્તાર માહિતી મેળવી હતી અને આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનારી વિશ્વપ્રસિદ્ધ કવિ ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ માટે શુભકામનાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા એક દાયકાથી સૌરાષ્ટ્રના જળ સ્તરો ઊંચા લાવવા માટે જનભાગીદારીના માધ્યમથી કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટે અત્યાર સુધીમાં ગુજરાતના 7 જિલ્લા, 35 તાલુકા અને 582 ગામોમાં 8,354 થી વધુ ચેકડેમ, તળાવો અને બોરવેલ રિચાર્જના કાર્યો પૂર્ણ કર્યા છે. આ કાર્યો થકી 7.55 લાખથી વધુ લોકોને સીધો લાભ મળ્યો છે અને 4.29 લાખ એકરથી વધુ જમીનમાં ભૂગર્ભ જળનું સ્તર સુધર્યું છે, જેના પરિણામે ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળી છે.
ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંચયના 1,11,111 કાર્યોના સંકલ્પને વેગ આપવા અને જનજાગૃતિ ફેલાવવા માટે આગામી ડિસેમ્બર મહિનાની 15, 16 અને 17 તારીખે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે 7 થી 12 દરમિયાન વિશ્વની પ્રથમ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ-દિવસીય પવિત્ર કથામાં કવિ ડૉ. કુમાર વિશ્વાસ પોતાના અદ્ભુત અંદાજમાં જળ સંરક્ષણના સંદેશને ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના માધ્યમથી લોકો સુધી પહોંચાડશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અને જળ પ્રેમીઓ જોડાશે.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા અને શ્રી ડી.વી. મહેતાની ઉપસ્થિતિમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત પ્રસંગે બોલતા સ્વામી શ્રી પૂજય અપૂર્વમુનીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં પાણીને ‘નીર’ નહીં પણ ‘નીર-જીવન’ કહેવાયું છે. પાણી એ જીવનનો આધાર છે અને જળ સંચય એ માત્ર સરકારી કે સામાજિક કાર્ય નહીં પણ એક આધ્યાત્મિક ફરજ છે. જળનો સંગ્રહ એ માત્ર ભવિષ્ય માટેની તૈયારી નથી, પરંતુ જીવમાત્રના કલ્યાણનું કાર્ય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંતો અને સમાજની ભાવનાને અનુરૂપ જે મહાન યજ્ઞ કરી રહ્યું છે, તે ખરેખર વંદનીય છે. આ જળ કથા થકી સૌરાષ્ટ્રમાં જળ સંસ્કારનું સિંચન થશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગીરગંગાનો સંકલ્પ છે કે સૌરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવું. પાણીનું દરેક ટીપું કિંમતી છે, કારણ કે દરેક ટીપામાં જીવન છે. પૂજય અપૂર્વમુનિ સ્વામીના આશીર્વાદ અને માર્ગદર્શન આ જળ અભિયાનને વધુ બળ પૂરૂ પાડશે.
આ પ્રસંગે યોજાયેલા નાનકડા છતાં ગરિમાપૂર્ણ સમારોહના પ્રારંભે ટ્રસ્ટના સભ્યો દ્વારા સ્વામી શ્રી પૂજય અપૂર્વમુનીનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારોહ ગીરગંગા પરિવારના સર્વશ્રી જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, ભરતભાઈ દોશી, ડી.વી મહેતા, ભાવેશભાઈ સખીયા, સંજયભાઈ ટાંક, ગોપાલભાઈ બાલધા, પી.એમ સખીયા, પ્રકાશભાઈ ભાલાળા, કૌશિકભાઈ સરધારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *