દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ‘પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા 20 વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે. ઉલ્લેખનિય છે કે ભાસ્કરભાઈ પારેખનાં પુત્ર જિમીશે અત્યાર સુધીમાં બે વાર રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી તેમજ સ્થાનીક સતાધીશો દ્વારા અનેકોવાર સન્માન મેળવ્યું છે. ભાસ્કરભાઈ પારેખ પણ દિવ્યાંગો અંગેની માહિતી સૌને આપવા ભારત ભરમાં પરીભ્રમણ કરી ચૂકયા છે. તેમજ દેશના અન્ય રાજયોમાં પણ દિવ્યાંગ બાળકોના વાલીઓ ભાસ્કરભાઈ પારેખનું માર્ગદર્શન સતત મેળવતા રહે છે. હાલમાં સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ઓનલાઈન રાશન કાર્ડ ઈ—કે.વાય.સી. ફરજીયાત કરવામાં આવ્યું છે. ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરિવારજનો માટે ઓનલાઈન રાશન કાર્ડ ઈ—કે.વાય.સી. કેમ્પ પણ યોજવામાં આવે છે. તેમજ સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલોનું પણ નિઃશુલ્ક કામકાજ કરી આપવામાં આવે છે.
ભાસ્કરભાઈ દર સોમવારે અને દર બુધવારે સવારે ૯–૩૦ થી બપોરે ૧૨–૩૦ દરમિયાન રામકૃષ્ણ આશ્રમ, ડો. યાજ્ઞીક રોડ, રૂમ નં. ૨૦૩, રાજકોટ ખાતે દર મંગળવારે મિતલ ખેતાણી (‘જનપથ’, ૨—તપોવન સોસાયટીનો ખૂણો, સરાઝા બેકરી પાસે, હોલીડે પ્લાઝા બીલ્ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટ) ખાતે તેમજ દર ગુરૂવારે પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન ફોર સ્પેશ્યલ ચાઈલ્ડ સ્કૂલ, સ્કૂલ નં. ૬૯, અંબાજી કડવા પ્લોટ—૨, ધોળકીયા સ્કૂલ પાસે તેમજ દર શુક્રવારે સીવીલ હોસ્પિટલ, રૂમ નં. ૨૩-સી, રાજકોટ ખાતે મળશે.
ભાસ્કરભાઈ પારેખ દિવ્યાંગો તથા તેમના વાલીઓને મળી રૂબરૂ, નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. જેનો લાભ લેવા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દિવ્યાંગ બાળકો, યુવાન, વડીલો તેમજ તેમના સગા—વ્હાલાઓને જાહેર વિનંતી કરાઈ છે.
વિશેષ માહિતી માટે ભાસ્કરભાઈ પારેખ (મો. ૯૪૨૬૩ ૧૭૭૬૩) નો સંપર્ક કરી શકાય છે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































