કચ્છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીના પુત્ર અને પુત્રીના લગ્ન સંપૂર્ણ હિન્દુ રિતીરીવાજ મુજબ યોજાશે.આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી.કચ્છમાં ગાયને કેન્દ્રમાં રાખીને થશે અનોખાં અને ઉદાહરણરૂપ સાત્વિક લગ્ન.

કચ્છના નાની નાગલપર(અંજાર-કચ્છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્વામી તથા અ.સૌ. હેમલતાબેન હિમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન રવજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ રવજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ સાથે વિક્રમ સવંત-2081, પોસ વદ- સાતમ્ ને મંગળવાર તા. 21/01/2025 તથા વિક્રમ સવંત-2081, પોસ વદ-દશમ્ ને શુક્રવાર તા. 24/01/205 ના શુભ દિવસે યોજાશે.
પ્રારંભ કરવા માટે કોઈકને તો નિમિત્ત બનવું જ પડે. અત્યારે લગ્ન પ્રસંગોમાં દેખાદેખીથી થતા બેફામ ખર્ચાઓ ઉપરાંત પ્રકૃતિ અને પર્યાવરણને અતિ નુકસાન સાથે ચાલુ થયેલ નવી નવી અનેક ખોટી પ્રથાઓ વચ્ચે મુળ પરંપરાને સાચવવા માટે કોઈક સારું કરવાનો પ્રયત્ન કરે તો એવા ઘણા લોકો છે જેમને આવું થાય તો બહુ ગમે છે અને એ પ્રયાસોને વધાવી પણ લે છે, પરંતુ સમાજમાં એવા લોકો પણ છે કે પોતે આવું કરવામાં તો શરમ અનુભવે જ છે પરંતુ જે લોકો કંઇક સારું કરવાનો પ્રયત્ન કરે તો તેને પણ પચાવી નથી શકતા.
વાત છે અંજાર કચ્છની બાજુમાં આવેલ ગામ નાની નાગલપરનાં ગોપ્રેમી મેઘજીભાઈ હીરાણીની ગોપાલન અને ગાય આધારિત ખેતી માટે માત્ર કચ્છ નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં જાણીતા મેઘજીભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગોસેવા ગતિવિધિમાં વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના સંયોજક તરીકે માર્ગદર્શન કરે છે. ખોટી પ્રથાઓને તિલાંજલિ આપવા અને મુળ પરંપરા તરફ પરત ફરવા માટે આગામી ૨૧ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી-૨૦૨૫ દરમ્યાન થનાર પોતાના દીકરા અને દીકરીના લગ્નમાં મેઘજીભાઇ અને તેમના પરિવારે દ્રઢ નિશ્ચય સાથે જે સાહસ કર્યું છે તેની જેટલી પ્રસંશા કરીએ એટલી ઓછી છે. ખાસ તો જેમને લગ્નનું નિમંત્રણ આપ્યું છે તે સૌ પાસે જે અપેક્ષા રાખી છે તે વાંચીને નવાઈ સાથે સુખદ આશ્ચર્ય પણ થાય અને નિયમો વાંચીને ચોક્કસ એવું લાગે કે જો કંઈક સકારાત્મક પરિવર્તન લાવવું હોય તો કોઈને તો આવો પ્રારંભ કરવો જ પડે. એપ્રિલ 2023 માં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત નરનારાયણ દ્વિશતાદી મહોત્સવમાં કુલ અઢી એકરમાં તૈયાર થયેલ અદભુત અને અવર્ણનીય કહી શકાય એવાં “ગો મહિમા દર્શન” નામનું પ્રદર્શન કે જેમનો લાખો લોકોએ લાભ લીધેલ તેનાં આયોજનમાં પણ મંદિરના સંતો સાથે મેઘજીભાઈની પણ મહિનાઓ સુધીની અથાગ મહેનત સાથે અતિ મહત્વની ભુમીકા રહેલ અને કચ્છભરમાં થતાં અનેક લગ્નોમાં પણ મેઘજીભાઈ સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા કરીને અનેક સફળ પ્રયોગો કરાવી ચૂક્યા છે અને હવે સ્વયં પોતાનાં ઘરે એક સાથે બબ્બે લગ્નનો શુભ પ્રસંગ આવ્યો છે ત્યારે શું છે એ લગ્નની વિશેષતાઓ અને કેવી છે લગ્નમાં આવનાર પાસેથી અપેક્ષાઓ?
આ લગ્નની વિશેષતા એ છે કે, હિન્દુ સંસ્કૃતિમાં વિવાહ સંસ્કારની પવિત્રતા જાણવવી એ આપણું સૌનું સંયુકત કર્તવ્ય છે અને તેનાં નિર્વહન માટે તેમણે થોડીક વિશેષતા ઉમેરી છે. જેમ કે, તેમની લગ્ન પત્રિકા સંપુર્ણ ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓથી નિર્મિત છે. શણગાર (બ્યુટી પાર્લર)ના અતિ મોટા અને અનાવશ્યક ખર્ચને ટાળવા વર અને કન્યાના શણગાર સંપુર્ણ પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવશે. વર વધૂ સંપુર્ણ ભારતીય વસ્ત્ર પરિધાનમાં જ લગ્નગ્રંથીથી જોડાશે. સમગ્ર લગ્ન અને ભોજન સમારંભમાં પ્લાસ્ટિકનો સંપુર્ણ નિષેધ રહેશે. (પ્લાસ્ટીકની ખુરશીઓ, પ્લાસ્ટિકના ફુલો કે અન્ય સજાવટ, ડીસ, ગ્લાસ, ચમચી વગેરે.) લગ્નમાં માંડવાની અને સંપુર્ણ મંડપની સજાવટ ગાયના ગોબર, સાચા ફૂલો, વૃક્ષો અને પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવશે. ભોજન બનાવવા તાંબું પીત્તળ અને સ્ટીલના વાસણોનો જ ઉપયોગ થશે. ભોજનમાં કોઇપણ જાતના કૃત્રિમ રંગ, લીંબુ ના ફૂલ, અજીનો મોટો, સોસ વગેરે રાસાયણિક વસ્તુઓ અને નુકસાનકારક એવા મેંદાના લોટનો વપરાશ નહીં થાય. ભોજન સંપુર્ણ ગોવ્રતિ હશે એટલે કે દુધ, ઘી, માખણ, છાસ, દહીં અને પનીર સહિતની બધી જ વસ્તુઓનો આધાર દેશી ગાયનું દૂધ હશે. ભોજનમાં અનાજ, શાકભાજી, કઠોળ વગેરે સંપુર્ણ ગાય આધારીત ખેતીથી પકવેલ હશે. ભોજન બનાવનાર અને પીરસનાર નિર્વ્યસની હોય અને નાહીધોઈ પવિત્ર થઇને ભોજન બનાવે તેવો આગ્રહ રખાયો છે. સૌને પંગતમાં બેસાડીને ભોજન કરાવવામાં આવશે અને વાનગીઓ કેળાના પાન ઉપર પીરસવામાં આવશે. ફેરા ફરતાં સમય કાગળ, થર્મોકોલ, પ્લાસ્ટીક કે કેમિકલવાળી બોટલનો ઉપયોગ સંપુર્ણ વર્જિત રહેશે અને ફેરા સમયે વરવધૂ ઉપર શુભેચ્છા સ્વરૂપે સાચા ફૂલની જ પુષ્પ વૃષ્ટિ કરાશે. લગ્ન સંપુર્ણ વૈદિક સ્તોત્ર અને મંત્રોચ્ચારથી થશે અને ભુદેવ/પંડિત કોઈની રોક ટોક વગર નિયત- સમયમાં સ્વતંત્રતા સાથે સંપુર્ણ વિધિ કરાવશે. દિર્ઘ સ્મરણ માટે પ્રસંગને દ્રશ્ય શ્રાવ્ય (ફોટો અને વીડિયો) માં કંડારનાર વ્યકિતઓ પંડિતની લગ્ન વિધિમાં કોઈ પણ રીતે બાધારૂપ નહીં બને.
લગ્ન પહેલાનું દ્રશ્ય શ્રાવ્ય ચિત્રાંકન (પ્રિ-વેડિંગ વીડિયો કે ફોટોગ્રાફી) સમયે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ન હોઈ તેવા કોઈ પ્રયોગ નહી કરાય. દિકરીને કન્યાદાનમાં અન્ય દાન સાથે ગાયનું પણ દાન કરવામાં અવશે. અને ૧૦૮ વિવિધ દેશી અને ઔષધીય વૃક્ષની ભેટ આપવામાં આવશે. લગ્નવિધિ અને આવેલ મહેમાનોને બાધારૂપ ઉંચા અવાજના કર્કશ ફિલ્મી ગીત સંગીતને બદલે લગ્ન ગીતો અથવા સુમધુર હળવું સંગીત વગાડવામાં આવશે. (વિકૃત ફટાણાં ગાવાં નિષેધ રહેશે.), લગ્ન એ પવિત્ર સંસ્કાર છે એ ધ્યાને રાખીને પદવેશ (બુટ) સંતાડવા, વરરાજાના વાહનની આડે ઉભવા સહિતની ચેષ્ટાઓ કરવામાં સમય બગાડવો સંપુર્ણ નિષેધ રહેશે.
આ પ્રસંગમાં સૌ આમંત્રિત સ્નેહીજનો માટે પણ થોડાક નિયમો બનાવ્યા છે. આમંત્રિત સૌએ સંસ્કૃતિને છાજે તેવા સંપુર્ણ મર્યાદા સાથેના પહેરવેશમાં આવવાનું રહેશે. પ્રસંગમાં ચા, બીડી, તમાકુ સહિત કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નિષેધ છે. વ્યસન કરનારે બહાર મોં સ્વચ્છ કરીને મંડપમાં પ્રવેશ કરવાનો રહેશે. સ્ત્રી, પુરૂષ સૌએ હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક તિલક ચાંદલો કરીને આવવાનું રહેશે. (કપાળ કોરા હશે તેમનાં માટે પ્રસંગ સ્થળે આ વ્યવસ્થા રહેશે.), ભેટ સોગાધ (ગીફટ) પેકીંગમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો નહી. આપણા પદવેશ (બુટચંપલ) મંડપની બહાર ઉતારીને મંડપ ની અંદર પ્રવેશ કરવો. લગ્નમાં પુર્ણ સમય ઉપસ્થિત રહેવું અનિવાર્ય છે. જેમને સમયની અનુકુળતા નથી તેઓ અન્ય કોઇપણ દિવસે આવી નવવધૂને શુભેચ્છાઓ આપી શકે છે. નિયત સમયે લગ્નવિધિ પુર્ણ થયા પછી જ ભોજન સમારંભ પ્રારંભ થશે.
આપણી સનાતન સંસ્કૃતિના જતન માટે પ્રકૃતિને સાથે રાખીને કાર્ય કરવું અનિવાર્ય હોવાથી સૌ ના પુર્ણ સહયોગથી જ ઉપરોકત પ્રસંગ સફળ અને ઉદાહરણરૂપ બની શકશે તેમ મેઘજીભાઈ હિરાણીએ જણાવ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે, મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા અવાર-નવાર પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. જેમાં ગો નાઈલ, ધુપ બતી, ગોબર કુંડા, ગલ્લા પેટ, ચકલી ઘર, લક્ષ્મી જી, ફુલ ડાંડી, મચ્છર તેલ, ગણેશ 3″, ગણેશ 12″, ખજુર ફુલ્ફી, હવન સામગ્રી કંડા, નેચરલ જ્યુશી, હૃદયમ્ પે, વાઢિયા મલમ, પાચક ચૂર્ણ, નેત્ર, આંખના ટિપા, પંચગવ્ય નસ્ય, નિમ અર્ક, શુભ લાભ, તોરણ, માળા, બેરખા, બેબી પાવડર, છાસ મસાલો, ગોબર પુટી (કલર), રુઝાન સ્પ્રે, ફેસપેક, ત્રિફળા ચૂર્ણ, શેમ્પૂ દંતમંજન, મોબાઇલ ચિપ્સ, સર્વદર્દ હર તેલ, સાબુ, રાખડી, ધૂપ કપ, પાવડર, પત્રિકા, ગોબર માંડવો, કિચેન વગેરેનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવે છે . આ ઉપરાંત કમર, ઘૂંટણ, સાઈટીકાનાં દુ:ખાવા માટે પ્રેક્ટીકલ ચિકિત્સા શીખવવામાં આવે છે.
આ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં મેઘજીભાઈ હીરાણી, દેવજીભાઈ ખેર, ભરતભાઈ ભુવા, ચંદ્રેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, વસંતભાઈ લીંબાસીયા, રમેશભાઈ ઠકકર સહિતનાઓ ઉપસ્થિતિ રહયાં હતાં.
મેઘજીભાઈ હિરાણી (મો. 94280 81175)
સરનામું : નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર, અંજાર, કચ્છ, ગુજરાત.