#politics

અરવિંદભાઈ મણિયાર, જન કલ્યાણ ટ્રસ્ટ અને હિન્દુ ઈકોનોમિક ફોરમ દ્વારા ‘હમ હિન્દુસ્તાની’ કાર્યક્રમ યોજાયો.સુદાનમાં ફસાયેલા ૩૮૬૨ ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા તે બદલ મા. મોદીજી તેમજ સમગ્ર ભારત  સરકારનું ઋણ સ્વીકાર કરાયુ

“ઓપરેશન કાવેરી” અંતર્ગત સુદાનનાં ગૃહયુધ્ધમાં મૃત્યુનાં મુખમાં ફસાયેલા ૩૮૬૨ ભારતીય નાગરિકોને ભારત સરકાર દ્વારા ત્વરિત પગલા ભરી સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. બધા જ લોકો જયારે પોતાનું સઘળું સુદાનમાં મૂકીને પરત આવ્યા ત્યારે તેમની રહેવા, ખાવા પીવા મેડીકલ તથા ટ્રાવેલ અંગેની દરેક જરૂરીયાત ભારત સરકારે મા-બાપની જેમ પૂરી પાડી દરેકને પોતાના ઘર સુધી સુખરૂપ પહોંચાડી દીધા છે, ત્યારે આ દરેક નાગરિકોનાં પરીવારો દ્વારા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને ભારત સરકારનું ઋણ સ્વીકાર કરવા ‘હમ હિન્દુસ્તાની’ કાર્યક્રમનું ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દેશભક્તિનાં ગીતોથી થયા બાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સ્વામી વિવેકાનંદની મૂર્તિ દ્વારા તથા મહાનુભાવોનું પુસ્તક અને અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પરત ફરેલ રાજકોટવાસીઓ વતી રોશનીબેન જૂઠાણીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, “સુદાનની ગૃહયુદ્ધની કપરી પરિસ્થિતિમાં ભારત સરકારે “ઓપરેશન કાવેરી” દ્વારા નાગરિકોને સહી સલામત વતન પહોંચાડ્યા છે. આ બધું વીર જવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિ તેમજ દેશની વિદેશનીતિને લીધે શક્ય બન્યું છે. કુદરતી સંસાધનોથી સભર નાઇલ નદીના સુદાન પ્રદેશમાં જોખમકારક રાજકીય પરિસ્થિતિ સર્જાતા સમયસૂચકતા દાખવી સરકારે આ રેસ્કયુ ઓપરેશન પાર પાડ્યું. ભારતની વિદેશમાં ઉભરતી છબી અને તિરંગાની તાકાતથી આ રેસ્ક્યુ ઓપરેશન સફળ બન્યું છે અને 800 જેટલા રાજકોટવાસીઓ “ઓપરેશન કાવેરી” હેઠળ પરત ફર્યા છે. વિશ્વમાં કોઇપણ સમસ્યાનો પુકાર થાય, ત્યારે મદદે આવનાર દેશ તરીકે ભારતનું સ્થાન વડાપ્રધાન મોદીએ પ્રસ્થાપિત કર્યુ છે. દેશમાં 500 રેલ્વે સ્ટેશનોનો પુનરૂદ્ધાર થયો છે, 25 હજાર કરોડનો પ્રોજેકટ કેન્દ્ર સરકારે મંજુર કર્યો તેનો શ્રેય પણ વડાપ્રધાન મોદીને જાય છે. ”તેમણે સુદાનથી પરત ફરેલા લોકો જલ્દીથી સ્વસ્થ થઇ દેશનાં વિકાસમાં ફાળો આપે તેવી વાત પણ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનાં પ્રેરકબળ કલ્પકભાઈ મણિયારે સુદાનની પરીસ્થિતિનો ચિતાર આપ્યો હતો અને સુદાનવાસીઓને પરત લાવવા માટે સરકાર દ્વારા તેમને સારી મદદ મળી તેની વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીલેશભાઈ શાહ, મિતલ ખેતાણીએ કર્યું હતું. અંતમાં આભારવિધિ  રાજુભાઈ ધ્રુવે   કરી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પરમાત્માનંદજી સરસ્વતી સ્વામી (આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ), શ્રીમતી ભાનુબેન બાબરિયા (કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર.), મોહનભાઈ કુંડારીયા (સાંસદશ્રી, રાજકોટ), રામભાઈ મોકરિયા (સાંસદશ્રી, રાજયસભા), મુકેશભાઈ દોશી (પ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ), ડો. પ્રદિપ ડવ (મેયરશ્રી, રાજકોટ), પ્રભવ જોષી (રાજકોટ જિલ્લા કલેકટરશ્રી), મહેશભાઈ ઓઝા (પ્રાંત કાર્યવાહજી, આર.એસ.એસ.), મહેશભાઈ જીવાણી (પ્રાંત પ્રચારક, આર.એસ.એસ.), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્યશ્રી, રાજકોટ), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી, રાજકોટ), શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્યશ્રી, રાજકોટ), ડો. અનિલ મીઠાણી (પ્રમુખશ્રી, ઈન્ડિયન કોમ્યુનિટી, સુદાન), જ્યોતીન્દ્રભાઈ મહેતા, શ્રીમતી હંસિકાબેન મણિયાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનાં મીડિયા ઇન્ચાર્જ રાજુભાઈ ધ્રુવ રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ કમિટીના ડો. વલ્લભભાઈ કથીરિયા (ટ્રસ્ટીશ્રી, અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ), કલ્પકભાઈ મણિયાર, રાજુભાઈ ધ્રુવ, કેદાર દવે (હિન્દુ ઈકોનોમિક ફોરમ), ઉમેશભાઈ દફતરી (સુદાન ગ્રુપ) નિલેશભાઈ શાહ, મનીષભાઈ ભટ્ટ, મિતલ ખેતાણી વિગેરેની ટીમે જહેમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *