#Blog

મકરસંક્રાંતિમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ખતરો : પશુ, પક્ષી અને માનવ જીવનને હાનિ ચાઇનીઝ દોરી આનંદની રમત નહિ પણ જીવલેણ હથિયાર સાબિત થાય છે અત્યાર સુધીમાં અનેક પક્ષીઓ પણ ચાઇનીઝ દોરીના શિકાર ચાઇનીઝ દોરીથી એક શ્વાનનું ગળું કપાઈ ગયું : એનિમલ હેલ્પલાઈન દ્વારા સારવાર

હજુ તો જાન્યુઆરી મહિનો શરુ થયો ત્યાં મકરસંક્રાંતિને લઈને ઘણા લોકો ઉત્સાહી થયા છે ત્યારે કોઈનો ઉત્સાહ, કોઈના જીવનનો ભોગ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લા 21 વર્ષોથી રાજકોટમાં એનિમલ હેલ્પલાઈન કાર્યરત છે. જેમ જેમ મકરસંક્રાંતિનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ  લોકો પતંગ ઉડાડતા થયા છે. આવા સમયે ઘણા લોકો પતંગ ઉડાડવા માટે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ઉપયોગ કમનસીબે કરતા હોય છે. અમુક વેપારીઓ પણ થોડા નફાની લાલચે ચાઇનીઝ દોરીનું વેંચાણ કરતા હોય છે. હાલમાં જ એનિમલ હેલ્પલાઈનનાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે તિરુપતિ નગર 1, હનુમાન મઢી ચોક પાસે, રાજકોટ ખાતે આવેલા નિ:શુલ્ક પશુ દવાખાનાંમાં એક એવો કેસ આવ્યો જે જોઇને કોઈ પણ વ્યક્તિનું હ્રદય થીજી જાય. ચાઇનીઝ દોરીથી એક શ્વાનનું ગળું કપાઈ ગયું,  પશુ ડોકટરો દ્વારા તેની સારવાર કરીને તેને ટાંકા આપવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયામાં જો જરા પણ વિલંબ થયો હોત તો કદાચ શ્વાનનો જીવ પણ ગયો હોત.

મકરસંક્રાંતિ હકીકતે જોઈએ તો દાન, પુણ્ય અને જીવદયાનો ખુબ મોટો ઉત્સવ છે. સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ખુબ મોટો પુણ્ય કમાવવાનો અવસર છે. મકરસંક્રાંતિમાં નિર્દોષ ભાવે પતંગ ઉડાડવા સામે કોઈ પણ પ્રકારનો વિરોધ હોય જ ન શકે પરંતુ આપણી પતંગ ઉડાડવાની મજા પશુ, પક્ષીઓ માટે આજીવન સજા ન થાય, કોઈ પક્ષીઓનું મૃત્યુ થાય તો તેમના બચ્ચાઓ અનાથ ન થઇ જાય તે જોવાની જવાબદારી પણ આપણા સૌ ની હોય જ તે સ્વાભાવિક છે. પતંગ ઉડાડવા માટે ઉડે, અન્યના પતંગ કાપવા માટે નહિ અને અન્યના પતંગ કાપવાની ઘેલછા ઘણીવાર પશુ, પક્ષીઓ સાથોસાથ લોકો માટે પણ ખુબ જોખમી હોય છે, ઘણા નાના બાળકોની આંગળી કપાઈ જાય, ગળું કપાઈ જાય તેવા બનાવો પણ બનતા હોય છે. આવા અકસ્માતોથી આપણે પણ ચાઇનીઝ દોરા ન વાપરીને બચી શકીએ. 

કોઈ સાથે પતંગબાજીમાં જીતવાની રેસ લગાડવા, અંગત આનંદ માટે વાપરવામાં આવતી ગેરકાયદેસર ગેરકાયદેસર વપરાતી ચાઇનીઝ દોરી ફક્ત પશુ, પક્ષીઓ માટે જ નહિ પણ માણસો માટે પણ એટલી જ નુકસાનકારક છે.  મકરસંક્રાતિનાં પાવન પર્વ નિમિતે લાખો પતંગો આકાશમાં ઉડતી હોય છે. ઘણી વાર લોકો અજાણતાં જ ચાઇનીઝ દોરા/કાચનાં પાકા માંજા કે કાચ પાયેલાં દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પશુ, પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નીમીત બને છે. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટી.વી. એન્ટેના ટાવર વગેરે પર અનેક જગ્યાએ લટકતાં દોરા તેમજ કપાયેલા ફાટેલાં પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતાં પશુ, પક્ષીઓ માટે ફાંસીનાં ગાળીયા સમુ કાર્ય કરે છે. અત્યારે સુધી અનેક પક્ષીઓ ચાઇનીઝ દોરીના શિકાર બન્યા છે.

પતંગની દોરીથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. દ્વિચક્રી વાહનો ચલાવનારા પર આવી દોરી આવી જતાં, તે ગળામાં ફસાઈ જવાથી અકસ્માત અને મૃત્યુ થવાના ઘણા બનાવો નોંધાયા છે. અનેક વ્યકિતઓના ગળા કપાઇ જવાના, પશુ, પંખીઓના દોરીના કારણે લોહીલુહાણ થવાના અને મૃત્યુ પામવાના બનાવો બને છે. સાદી દોરીથી પણ અકસ્માત થાય છે અને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીથી પણ આવા અકસ્માતો સર્જાય છે, પરંતુ ચાઇનીઝ દોરી વધારે ઘાતક સાબિત થાય છે. આ પ્રકારની ઘાતક ચાઇનીઝ દોરીના વેચાણ પર કડક પ્રતિબંધનું અમલીકરણ થવો જોઇએ. સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે અને અનેક વખત ચાઇનીઝ દોરીના ઘણા વેપારીઓની દુકાને રેડ પણ પડી છે. આ અંગે હજુ વધુ ચોક્કસાઈથી કાર્ય થાય, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધનો કડક અમલીકરણ થાય તો પરિણામલક્ષી ઉકેલ આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *