જૈન આચાર્ય લોકેશજી અને શ્રી શ્રી રવિ શંકરજી વચ્ચે વિશ્વ શાંતિ કેન્દ્રના આગામી કાર્યક્રમો અંગેની વિસ્તૃત ચર્ચા કરાઈ

“વિશ્વ શાંતિ કેન્દ્ર આધ્યાત્મને સમાજસેવા સાથે જોડીને માનવ કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે” – આચાર્ય લોકેશજી
“વિશ્વ શાંતિ અને સદભાવના માટેના આચાર્ય લોકેશજીના પ્રયાસોમાં અમે તેમની સાથે છીએ” –
શ્રી શ્રી રવિ શંકરજી
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા પ્રખ્યાત જૈના આચાર્ય લોકેશજી અને “આર્ટ ઓફ લિવિંગ”ના સ્થાપક, વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિ શંકરજી વચ્ચે બેંગલુરુ મુખ્યાલય ખાતે મુલાકાત યોજાઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે ગુરુગ્રામ સ્થિત નવ નિર્મિત વિશ્વ શાંતિ કેન્દ્રના આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે આચાર્ય લોકેશજી દ્વારા શ્રી શ્રી રવિ શંકરજીને “Ambassador of Peace Acharya Lokesh” નામક સુંદર તસ્વીર સહિતનો સ્મૃતિગ્રંથ ભેટ કરવામાં આવ્યો, જેમાં વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદઘાટન અંગેના કાર્યક્રમના યાદગાર પળોનો સમાવેશ છે. આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, “આ કેન્દ્ર આધ્યાત્મને સમાજસેવા સાથે જોડીને માનવ કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. આચાર્ય લોકેશજીએ વધુમાં સૂચન આપ્યું કે તેમના, શ્રી મોરારીબાપૂ અને શ્રી શ્રી રવિ શંકરજીના માર્ગદર્શન હેઠળ ઝડપથી સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના કરવી જોઈએ, જે માત્ર વૈશ્વિક શાંતિ માટે નહીં, પણ ભારતમાં ગૃહશાંતિ અને સદભાવના માટે પણ કાર્ય કરશે. શ્રી શ્રી રવિ શંકરજી એ આચાર્ય લોકેશજીના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું, “આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ અને સદભાવના માટે અનન્ય પ્રયત્નો કરી રહ્યા છે. ભારતમાં પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપના તેનુ જીવતુ જાગતું ઉદાહરણ છે. તેઓ આ કેન્દ્ર દ્વારા આધ્યાત્મિક જાગૃતિ, નૈતિક મૂલ્યો અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પુનર્જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમારું તેમનાં પ્રયાસોમાં સંપૂર્ણ સહયોગ છે.