સ્કીન ડોનેશન માટે રોટરી ક્લબ સ્કીન બૅન્ક અથવા જીવનદાન ફાઉન્ડેશનનો સંપર્ક કરવા અપીલ
આજે રકતદાન બાબતે ઘણી જાગૃતિ આવી છે એમ ચક્ષુદાન અંગે પણ લોકો જાગૃત થઈ ગયા છે પરંતુ સ્કીન ડોનેશન અને ઓર્ગન ડોનેશન બાબતે જાગૃતિનો અભાવ છે. સ્કીન ડોનેશન તો ચક્ષુદાન જેટલું જ સરળ હોવા છતાં લોકો કેટલીક ખોટી માન્યતાઓને કારણે સ્કીન ડોનેટ કરતા નથી. આપણે સ્કિનની માંગના પ્રમાણમાં પુરવઠો પૂરો પાડી નથી શકતા એ ચિંતાનો વિષય છે એવું સેવાભાવી હિતાબેન મહેતાએ જણાવ્યું. તેમણે જણાવ્યું કે આજના સમયમાં સ્કીન ડોનેશન કરવું એ ખૂબ જ મોટી સેવા છે. ઓર્ગન ડોનેશન કે અંગદાન એક પ્રકારનું જીવન દાન છે. બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનુ દાન કરીને કોઈનું જીવન બચાવી શકે છે. સ્કીન ડોનેશન એક એવું મહાન માનવતાવાદી પગલું બની રહ્યું છે જે જીવલેણ દાઝેલા દર્દીઓ માટે નવી જીંદગી લઈ આવે છે. દાઝેલા દર્દીઓના શરીર પર ચામડીનું સ્તર નાશ પામતું હોય છે, જેના કારણે જિંદગી માટે સૌથી મોટું જોખમ ઊભું થાય છે. આપણી ડોનેટ કરેલી સ્કીન અનેક દાઝેલી વ્યક્તિનું જીવન બચાવી શકે છે. આજ રીતે બીજા ઘણા ઓર્ગન્સનું દાન કરી બીજી વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. સ્કીન ડોનેશન સરળ છે, થોડીક જ મિનિટો માં શરીરના પીઠના ભાગેથી સ્કિનનું માત્ર પ્રથમ પડ લઈને કોઈ જ ઇજા વિના થાય છે. સમાજમાં આ અંગે જાગૃતિ આવવી ખૂબ જ જરૂરી છે કારણ કે લોકોમાં હજુ પણ અજ્ઞાનતાની અને સંશયની ભાવનાને કારણે આ દાન ઓછી સંખ્યામાં થાય છે. દરેક વ્યક્તિએ મૃત્યુ બાદ ચક્ષુદાન અને સ્કિનનું દાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. કારણ કે અગ્નિમાં શરીર બળી જાય તે પહેલા આપના અંગથી કોઈ વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થાય તો એનાથી મોટું પુણ્ય બીજું કયું હોય ? ઓર્ગન ડોનેશન માટે જીવનદાન ફાઉન્ડેશનનો પણ સંપર્ક કરી શકાય છે એવું હિતાબેન મહેતાએ જણાવ્યું હતું, મો : 9898345639, 98250 78399. સ્કીન બૅન્ક માટે મો : 89808 00259 નો સંપર્ક કરવો.