શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરાયુ.

શેડના લોકાપર્ણ કાર્યક્રમમાં આગામી ટુંક સમયમાં સાયલા વિસ્તારમાં ‘એનીમલ હોસ્પીટલ’ બનાવવાની જાહેરાત કરાઈ.
ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા ‘રાષ્ટ્ર રક્ષા સે ધર્મ રક્ષા’ ના ઉદેશયથી પાંજરાપોળ, ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે સંમેલન યોજાયું જેમાં નિષ્ણાંત જીવદયા પ્રેમી કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપ્યું.
બહોળી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા.
સાયલા મહાજન પાંજરાપોળ વિડ સંકુલ સાયલા ખાતે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ની ટીમ સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર બનાવા માંગતી બહેનોને સિલાઈ અને શિવણકામ શીખવા માટે 20 બહેનોની પહેલી બેન્ચની ત્રણ મહિના માટેની ટ્રેનિંગ શરૂ કરી એક નવાં સેન્ટર ની શરૂઆત કરવામાં આવી હતી, ત્રણ મહિનાની ટ્રેનિંગના અંતે જે બહેનો પરીક્ષા પાસ કરશે તેમને સર્ટિફિકેટ સાથે એક નવું સિલાઈ મશીન ભેટ કરી તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરાશે જેથી તેઓ પોતાનાં પરિવારને આર્થિક ટેકો આપી સ્વામાનભેર જીવન વિતાવી શકે, ત્યારબાદ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ની ટીમે સુરેન્દ્રનગરમાં આવેલ નિર્દોષન્દજીનું નિરાંતનું ઘર નાં લોકાર્પણ કાર્યક્રમ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના અધ્યક્ષ જયેશભાઈ શાહ (જરીવાલા) તથા ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણીને સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈએ જણાવેલ હતું કે, સાયલાની આસપાસના 50 કિલોમીટર અંતરમાં કોઈપણ એનિમલ હોસ્પિટલ નથી. સાયલાની આસપાસ રોડ ઉપર રોજનાં બે ત્રણ જીવોનાં અકસ્માત થાય છે. પરંતુ નજીકમાં કોઈ પશું દવાખાનું કે સારવાર માટે વ્યવસ્થા ન હોવાને કારણે નિર્દોષ અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનીમલ હોસ્પિટલ બનાવવામાં આવે તો હાઈવે પર અકાળે મૃત્યુ પામતા નિર્દોષ અબોલ જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મૃત્યુ પામતા બચી શકે, આ વાત સાંભળીને મિતલભાઈએ તરત જ પોતાના વિચારો રજૂ કરી ઉપસ્થિત સૌ જીવદયા પ્રેમીઓને માર્ગદર્શન આપીને એમીનલ હોસ્પિટલ બનાવવામાં મદદરૂપ થવા અને જીવદયાના કાર્યમાં સૌને જોડાવવા અપિલ કરી હતી અને આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મિતલભાઈની વાત સાંભળીને સૌપ્રથમ શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જયેશભાઈ શાહ (જરીવાલા)એ 11 લાખ રૂપીયાના અનુદાનની જાહેરાત કરી હતી અને ઉપસ્થિત સૌ જીવદયા પ્રેમીઓએ અબોલ જીવોના રક્ષણ માટે તથા કાર્યમાં હાથ લંબાવ્યો હતો અને જોતજોતામાં આશરે 25 લાખ રૂપીયાની માતબર રકમ ભેગી થઈ હતી. સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઇ એ જાહેરાત કરી હતી કે, આગામી ટુંક સમયમાં ‘એનીમલ હોસ્પીટલ’ બનાવવાની માળખાકીય જાહેરાત કરવામાં આવશે જે સૌ જીવદયાપ્રેમીઓ વધાવી લીધી હતી. સાથમાં જ જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા જયેશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે જીવદયા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ—આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા–પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદ્દા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાઈ હતી. આ કાર્યક્રમમાં શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના અધ્યક્ષ જયેશભાઈ શાહ (જરીવાલા), ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ધીરુભાઈ કાનાબાર, શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠક્કર વિગેરે જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે જેમાં અબોલ – મુંગા જીવો માટે સતત ખડેપગે વર્ષોથી ગુજરાત – મહારાષ્ટ્રની પાંજરાપોળને ચારાથી લઈને શેડો, ગમાણ, ચબૂતરાઓ બનાવી આપે છે અને એ રીતે એક ભગીરથ સેવાનું કામ કરે છે. દર વર્ષે ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં બાડમેર, સિરોહી, પાલી (રાજસ્થાન) રણ અને જંગલ વિસ્તારમાં દરરોજ પાણીના ટેન્કરની સેવા પૂરી પાડી રહ્યા છે. ગુજરાતનાં દરેક ગામમાં પક્ષીઓ માટે ચબુતરા બનાવવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં 15 થી વધારે ચબુતરાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમજ અબોલ જીવો માટે વિવિધ પાંજરાપોળમાં ઘાસચારો પહોંચડવામાં આવે છે. ઉનાળાની ગરમીની સીઝન માં તેમજ ચોમાસામાં વરસાદની ઋતુમાં અબોલ જીવોને આજીવન શાતા મળી રહે તે માટે તે માટે વિવિધ પાંજરાપોળમાં શેડનું નિર્માણ કરી આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળના પ્રમુખ વીરેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ જીતુભાઇ શાહ, ટ્રસ્ટીશ્રીઓ ધીરુભાઈ શાહ, જ્યંતિભાઈ સોલંકી, દિલીપ ભાઈ શાહ, પ્રકાશભાઈ શેઠ તથા સાથી ટીમે જહેમત ઉઠાવી હતી.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































