#Blog

ગીરગંગાના દિલીપભાઈ સખિયા રાષ્ટ્રપતિના હસ્તે ‘જળસંચય જનભાગીદારી એવોર્ડ’થી થશે સન્માનિત

18 નવેમ્બરે દિલ્હીમાં યોજાનાર સમારોહમાં એવોર્ડ એનાયત કરાશે

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વિરાટ જળસંચય કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા

જળ સંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના જળસંચય જન ભાગીદારી ક્ષેત્રે ઉદાહરણરૂપ અને સમર્પિત કાર્યની પ્રશંસા સાથે, આગામી ૧૮મી નવેમ્બરે દિલ્હી મુકામે યોજાનાર એક સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુના હસ્તે તેમને ‘જળસંચય જન ભાગીદારી ૧.૦ એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાને પાઠવવામાં આવેલા એક પત્રમાં આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકારવા માટે તેમને દિલ્હી આવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા શ્રી દિલીપભાઈને ભારતને પાણીથી સુરક્ષિત કરતા અભૂતપૂર્વ કાર્ય માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રી દિલીપભાઈ સખીયા અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંરક્ષણ માટે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે, જેને કારણે તેમને ‘વોટરમેન ઓફ ઇન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીના મોડેલથી જળસંચયનું વિરાટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવેલા તળાવો, ચેકડેમો અને સરોવરોને રિપેર કરવા, ઊંડા કરવા અને નવા બનાવવાનું કામ કરી રહ્યા છે, જેથી વરસતા પાણીનો સંગ્રહ થઈ શકે અને ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવી શકાય. આ જળસંચય અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રિચાર્જ બોરવેલ સિસ્ટમ્સ સહિત ૮,૩૫૦થી વધુ જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત થઈ ચૂક્યા છે. શ્રી દિલીપભાઈ સખિયાના માર્ગદર્શન હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંસ્થા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જયંતિ વર્ષના ભાગરૂપે ૧૫૧ ચેકડેમ-તળાવો બનાવવાનો પણ સંકલ્પ લેવાયો છે. ખૂબ જ સીધુંસાદુ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા અને એ જ પ્રકારનું જીવન જીવતા શ્રી દિલીપભાઈ સખિયા શબ્દના નહીં, કાર્યના માણસ તરીકે જાણીતા છે. શ્રી દિલીપભાઈ સખિયાને જળસંચયના કાર્ય તરફ તેમની નિષ્ઠા અને સમર્પણના કારણે આ પહેલા પણ અનેકવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા જળ પ્રહરી એવોર્ડ, જલરત્ન એવોર્ડ, મેયર એવોર્ડ, જળસંગ્રહ એવોર્ડ, ગ્લોબલ સીએસઆર એન્ડ એએસજી એવોર્ડ, ઇન્ડિયન સીએસઆર એવોર્ડ, ગાર્ડિ એવોર્ડ વગેરે એવોર્ડથી નમાજવામાં આવી ચૂક્યા છે.ગીરગંગાના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાનું કાર્ય મુખ્યત્વે પાણીની અછતનો સામનો કરતા ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોને સિંચાઈ અને પીવાના પાણીની સુરક્ષા પૂરી પાડવા પર કેન્દ્રિત છે, જેના પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે અને પર્યાવરણીય તંત્રમાં સુધારો આવ્યો છે. શ્રી દિલીપભાઈ સખિયાના વળપણ તળે ચાલતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના૭ જિલ્લાઓ, ૩૫ તાલુકાઓનાં ૫૮૨ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં કુલ ૮,૩૫૪ ચેકડેમો, તળાવો, તથા કુવા-બોર રીચાર્જેના કામો કરવામાં આવ્યા છે, જેનો ૭.૫૫ લાખ લોકોને સીધો ફાયદો થયો છે, જેમાં ૧.૫૧ લાખ નાના અને સીમાંત ખેડૂતોનો સમાવેશ થાય છે. જળસંચયની આ ઝુંબેશના પરિણામે ભૂગર્ભ જળનું સ્તર પુનઃસ્થાપિત થયું છે અને ૪.૨૯ લાખ એકર ખેતીની જમીનમાં સિંચાઈ ક્ષમતામાં સુધારો થયો છે. આ રાષ્ટ્રીય જળ એવોર્ડ સમારંભ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે પ્લેનરી હોલ, વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુના હસ્તે દિલીપભાઈ સખીયાને ‘જલ સંચય જન ભાગીદારી ૧.૦ એવોર્ડ’ એનાયત કરાશે. આ પ્રસંગે અન્ય કેટલાક વિજેતાઓને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા પણ સન્માનિત કરાશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ સ્વરૂપે માન્યતા મળતા સંસ્થાના આગેવાનો સર્વશ્રી શૈલેષભાઈ જાની, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર, વીરાભાઇ હુમ્બલ, દિનેશભાઈ પટેલ, જેન્તીભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, પ્રકાશભાઈ ભાલાળા, જેન્તીભાઈ સરધારા, સંજયભાઈ ટાંક, ગીરીશભાઈ દેવરીયા વગેરેએ તેમને શુભકામનાઓ સહિત અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન, જળસંચય જન ભાગીદારી ૧.૦ એવોર્ડ વિજેતા શ્રી દિલીપભાઈ સખીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવારના જળસંચય માટેના કાર્યની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાતા આ કાર્યને હવે બમણી ગતિ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *