ઉપરાષ્ટ્રપતિ પૂજ્ય મોરારી બાપૂની દિલ્હી રામકથામાં જોડાશે – જૈન આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપૂની રામકથા અંગે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે વિસ્તૃત ચર્ચા કરી અને તેમને રામકથામાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું.
માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીએ આમંત્રણ સ્વીકારી જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોજાનારી પૂજ્ય મોરારી બાપૂની રામકથા ભારતીય સંસ્કૃતિ તથા અનેકતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. એક તરફ જૈન આચાર્ય લોકેશજીએ વિશ્વ ધર્મ સંસદ, સંયુક્ત રાષ્ટ્રસંઘ, અમેરિકા, લંડન, કેનેડા જેવા પ્રતિષ્ઠિત મંચો પર વિશ્વ શાંતિનો સંદેશ આપ્યો છે, ત્યારે બીજી તરફ પૂજ્ય મોરારી બાપૂએ રામકથા દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘથી સદભાવના, કરુણા અને ‘વસુધૈવ કુટુંબકમ્’નો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યો છે.
જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપનાની સાથે અહિંસા, શાંતિ અને સદભાવનાને સ્થિર કરવાનો જે સંકલ્પ કર્યો છે તેમાં પૂજ્ય મોરારી બાપૂએ રામકથાની ભેટ આપી એક અનોખી મિસાલ ઉભી કરી છે. રામકથા દ્વારા બાપૂનું આહ્વાન વિશ્વભરના શ્રદ્ધાળુઓને પ્રેરણા આપશે અને એક દિવસ વિશ્વ શાંતિનું સ્વપ્ન સાકાર થશે.
અહિંસા વિશ્વ ભારતી દ્વારા પૂજ્ય મોરારી બાપૂની રામકથા તા. 17 જાન્યુઆરી, શનિવાર 2026ના રોજ બપોરે 4 વાગ્યા થી અને તા. 18 થી 25 જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે 10 વાગ્યે ભારત મંડપમના મલ્ટીપર્પઝ હોલ, નવી દિલ્હી ખાતે યોજાશે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































