શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવ્યું

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સન્માન સમારોહ રાજકોટની ભાભા હોટેલ ખાતે યોજાયો હતો. ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત તથા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત દેશની સૌથી મોટી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા સમાજહિત અને કરુણા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ માટે નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવના સન્માનાર્થે એક “સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રાજકોટના ધારાસભ્ય ડૉ.દર્શીતાબેન શાહ, ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, શાશક પક્ષના દંડક મનીષભાઈ રાડિયા અને 450થી વધુ જીવદયા પ્રેમીઓ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સન્માન સમારોહની શોભા વધારી હતી.
આ સન્માન સમારોહમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌધોગિકી તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગ સાથે સંકળાયેલા)ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પર્યાવરણ સંરક્ષણ, વન સંવર્ધન, ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ અને સમાજહિતના અનેક કાર્યોમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટના દવાખાનામાં અત્યાર સુધીમાં 14 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 11 (અગિયાર) એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 13000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, વિષ્ણુભાઈ ભરાડ, ધીરેન્દ્રભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠક્કર અને ઘનશ્યામભાઈ ઠક્કર સહિતની ટીમ એ જેહમત ઉઠાવી હતી.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































