#Blog

સૌરાષ્ટ્રમાં જળક્રાંતિનો નવો અધ્યાય: ગીરગંગા પરિવાર અને મારવાડી યુનિવર્સિટી વચ્ચે ઐતિહાસિક એમઓયુમારવાડી યુનિવર્સિટીના 17,000 વિદ્યાર્થીઓ જળસંચયના ભગીરથ કાર્યમાં બનશે સહભાગીગીરગંગાના સહયોગમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ

સૌરાષ્ટ્રની તરસ છીપાવવા અને જળસંકટને કાયમી ધોરણે દૂર કરવાના મિશન સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર મારવાડી યુનિવર્સિટી વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા જળ સંચયના વિવિધ પ્રોજેક્ટ્સમાં મારવાડી યુનિવર્સિટી સક્રિયપણે જોડાશે.
આ એમઓયુ મુજબ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 17,000થી વધુ વિદ્યાર્થીઓ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંચય અભિયાનનો હિસ્સો બનશે. વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા, ગ્રાઉન્ડ લેવલ પર જઈને ચેકડેમ ઉંડા કરવા, બોર રિચાર્જ અને જળ જાગૃતિના કાર્યોમાં પોતાનું યોગદાન આપશે. આ પગલાથી યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધશે અને જળસંરક્ષણનો સંદેશ ઘરે-ઘરે પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, ‘વોટરમેન ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં ટ્રસ્ટે અત્યાર સુધીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે અને ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 8,000થી વધુ ચેકડેમ અને જળ સંગ્રહના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.
જળ સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ટ્રસ્ટને નેશનલ વોટર એવોર્ડ-2025 અને ગ્લોબલ સીએસઆર અને ઈએસજી એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત સન્માન મળી ચૂક્યા છે. લોકભાગીદારી દ્વારા ગામડાઓના ચેકડેમ ઊંચા કરવા, ઉંડા કરવા, નવા બનાવવા, કુવા-બોર રિચાર્જ કરવા વગેરેના માધ્યમથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું કાર્ય નિરંતર ચાલુ છે
ટ્રસ્ટના કાર્યોના પરિણામે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભૂગર્ભ જળના સ્તર ઉપર આવ્યા છે. ખેડૂતો હવે વર્ષમાં બેથી ત્રણ પાક લઈ શકે છે અને પશુપાલકો માટે ઘાસચારાની સમસ્યા હલ થઈ રહી છે. મારવાડી યુનિવર્સિટી સાથેના આ જોડાણથી આ અભિયાન હવે વધુ વેગવંત બનશે અને ‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરવામાં મોટી સફળતા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *