જળક્રાંતિના મશાલચી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડોડીયાળામાં જળસંચય અંગે વિશેષ ગ્રામસભા મળી

વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ એ જ આવનારી પેઢીની સાચી મૂડી: દિલીપભાઈ સખીયા
જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ૩૧ ડિસેમ્બરને બુધવારે સાંજે ૬ કલાકે બુટ ભવાની મંદિરના સાનિધ્યમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ખેડૂતો દ્વારા પહેલી જ મીટીંગમાં ૫ લાખ નો ફાળો થયો. વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચયના મહત્વ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના ઉદેશથી યોજાયેલ આ ગ્રામસભામાં ગ્રામજનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જળસંચયના ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતભરમાં ૮,૩૦૦થી વધુ ચેકડેમોની મરામત, ઊંડા ઉતારવા અને નવા બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. ટ્રસ્ટનો મુખ્ય સંકલ્પ ૧,૧૧,૧૧૧ જળ સંરક્ષણ માળખાઓ ઉભા કરવાનો છે. આ પ્રવૃત્તિઓથી સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે, જેનાથી હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળ્યો છે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બન્યા છે.
ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ આ સભામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ અને ‘જલયોદ્ધા’ તરીકે જાણીતા શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ માત્ર જરૂરિયાત નથી, પણ જીવનનો આધાર છે. જો આપણે આજે વરસાદી પાણીના ટીપે-ટીપાને જમીનમાં ઉતારતા નહીં શીખીએ, તો ભવિષ્યમાં આપણી આવનારી પેઢી તરસતી રહેશે. જળસંચય એ કોઈ સરકારી કાર્યક્રમ નહીં પણ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે. શ્રી દિલીપભાઈએ નિર્દેશ કર્યો હતો કે, ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રોકાય તે માટે દરેક ખેડૂતે બોર રિચાર્જ અને ખેત તલાવડી જેવા જળસંચયના પ્રકલ્પો અપનાવવા પડશે. આપણી મહેનતથી થયેલો પાણીનો સંગ્રહ જ ગામને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવશે.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી દામજીભાઈ વાડોદરિયા, તાલુકા પંચાયત સદસ્ય વિપુલભાઈ ત્રાપસીયા, સામાજિક આગેવાન વિનોદભાઈ સખીયા, નીલેશભાઈ સખીયા, નાગજીભાઈ વાડોદરિયા, બાબુભાઈ રામાણી (અમેરિકા), દિલીપભાઈ ધડુક વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































