રાજુલામાં મળ્યો જળસંચયનો મહાકુંભ: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જળ સંમેલન સંપન્ન

જન ભાગીદારીથી જળસંચયના સંકલ્પ સાથે ગીરગંગા પરિવાર અને અંબરીશભાઈ ડેરની અનોખી પહેલ
મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં લોક જાગૃતિનો નવો અધ્યાય શરૂ થયો
શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, શ્રી અંબરીશભાઈ જે. ડેર તથા શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નવા ચેકડેમ બનાવવા અને જળસંચય કરવાનો સંકલ્પ લીધો હતો.
આ જળ સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી બોલતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે લોક ભાગીદારીથી ચેકડેમ અને જળ સંચયના કામો થાય છે તે ખરેખર દેશ માટે મોડેલ સમાન છે. પાણી બચાવવું એ માત્ર કાયદો નથી, પણ એક સંસ્કાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જળશક્તિ અભિયાનને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને અંબરીશભાઈની ટીમે વેગ આપ્યો છે. શ્રી સી આર પાટીલે ઉમેર્યું હતું કે, જળસંચય ક્ષેત્રે ગીરગંગાએ એટલું મોટું કામ કર્યું છે કે જ્યારે પણ જળસંચયની વાત આવશે ત્યારે ગીરગંગા અને અચૂક યાદ કરવામાં આવશે.
અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા કુકાવાવ તાલુકાના ૪૫ ગામોમાં એકસાથે જળ સંચય અને ડેમ બનાવવાના કામો શરૂ કરવાનું આયોજન છે. આ અભિગમ માત્ર સરકારી યોજના પૂરતો સીમિત નથી, પરંતુ તેને એક ‘જન આંદોલન’ બનાવવાની નેમ છે. જો દરેક ખેડૂત પોતાના ખેતર અને ગામનું પાણી રોકતા શીખી જશે, તો આખા વિસ્તારની કાયાપલટ થઈ જશે.
આ સમારોહમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં અંદાજે 8,500 થી વધુ જળ સ્ટ્રકચરોનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ જળ સંચય પરિણામે અબજો લીટર પાણીના સંગ્રહની નવી ક્ષમતા ઊભી થઈ છે, જેનાથી આશરે ૨.૫ લાખ એકર કરતા વધુ ખેતીલાયક જમીનને સીધો સિંચાઈનો લાભ મળ્યો છે.અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ૨૦૦ થી ૫૦૦ ફૂટ સુધી ઊંચા આવ્યા છે. લોકભાગીદારીના આ મોડેલ દ્વારા કરોડો રૂપિયાના લોકફાળા અને શ્રમદાનથી ગ્રામીણ અર્થતંત્રમાં સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે.
આ જળ સંમેલનમાં શ્રી અંબરીશભાઈ જે. ડેરે આયોજનને સફળ બનાવવા બદલ તમામ કાર્યકરો અને જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, તાલુકાને પાણીદાર બનાવવો એ તેમનું લક્ષ્ય છે.ગ્રામીણ સ્તરે ખેતી તેમજ પશુપાલન ક્ષેત્રે સમૃદ્ધિ આવે અને જળ ક્રાંતિથી ખાસ કરીને, ગ્રામ્ય વિસ્તારો પૂનઃ ધમધમતા થાય તેમજ સ્થળાંતરનું પ્રમાણ શૂન્ય બને એ સમયની માંગ છે
આ સમારોહમાં ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરિયા, ઈફ્કોના અધ્યક્ષ શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદ શ્રી ભરતભાઇ સુતરીયા, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઇ દવે, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી સહિત ધારાસભ્યશ્રીઓ શ્રી જે.વી. કાકડિયા, શ્રી મહેશભાઇ કસવાળા અને શ્રી જનકભાઇ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને ડીડીઓ શ્રી પરીમલ પંડીયાએ પણ હાજરી આપી હતી.
આ વિશાળ હાજરીવાળા જળ સંમેલન સ્થળે રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રખ્યાત કલાકારો શ્રી રાજભા ગઢવી, શ્રી મયુરભાઈ દવે અને શ્રી પોપટભાઈ માલધારીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ બાદ ઉપસ્થિત મેદનીએ સમૂહ ભોજન લીધું હતું.
જળ સંમેલનમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આગેવાન શ્રી જેન્તીભાઈ સરધારા, હરીશભાઈ ભલાણી, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ભાવેશભાઈ સખીયા, અરવિંદભાઈ ડોબરિયા,મથુરભાઈ વિરાણી વગેરે લોકો હાજર રહ્યા હતા.

















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































