પૂ. શ્રી ધીરગુરુદેવના પાવન અનુગ્રહથી ગોંડલની ઐતિહાસિક પાંજરાપોળનું સુશોભનકરણ કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં

પૂ. શ્રી ધીરગુરુદેવના પાવન અનુગ્રહથી ગોંડલ ખાતે આવેલી ઐતિહાસિક પાંજરાપોળના સુશોભનકરણ કાર્ય પૂર્ણતાની કગાર પર પહોંચતા સમગ્ર ગોંડલ પંથકમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે. ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ તરીકે ઓળખાતા ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજી દ્વારા જીવદયાના ઉદાત્ત આદર્શોને સદાય અનુસરવામાં આવ્યા છે. તેમણે પોતાની મોજશોખ માટે ક્યારેય કોઈ પ્રાણીને જાહેર સંગ્રહસ્થાનમાં ગોંધ્યું નથી કે દયાના નામે કોઈ પંખીને પિંજરામાં પૂર્યું નથી. એટલું જ નહીં, પરંતુ જીવદયાના ઉત્કટ સિદ્ધાંતોને કારણે સરકસ જેવા કાર્યક્રમોને પણ ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી.
શ્રી કૃષ્ણની ગૌસેવાને આદર્શરૂપ માની મહારાજા શ્રી ભગવતસિંહજીએ ગૌરક્ષા અને ગૌપાલનને જીવનમંત્ર બનાવ્યો હતો. ભાકુંભાજીની ગૌમંડલી ભૂમિમાં ગાયોનું સંવર્ધન કરીને તેમણે સાચા ગૌપ્રતિપાળ તરીકેની સુકૃતિનું સંપાદન કર્યું છે અને અખિલ હિંદમાં જીવદયા અને ગૌસેવાના ક્ષેત્રે અગ્રેસર બની ભારતભૂમિની ઉત્તમ સેવા બજાવી છે. આ જ જીવદયાના ભાવથી ઈ.સ. 1934માં ચોરડી ગેટ ખાતે મહાજનને પાંજરાપોળ માટે વિશાળ જગ્યા અર્પણ કરવામાં આવી હતી.
આ પાંજરાપોળમાં હાલમાં અંદાજે 150 જેટલું પશુધન આશ્રય પામે છે. તાજેતરમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી પાંજરાપોળના સુશોભનકરણ અને વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જે હવે પૂર્ણતાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સેવાકાર્યમાં ટ્રસ્ટીમંડળના અશોકભાઈ કોઠારી સહિતના સભ્યો તથા વ્યવસ્થાપક કમિટીના મુકુંદ પારેખ, ચેતન મહેતા, પ્રકાશ પંચમિયા, દીપક દેસાઈ, યતિશ દેસાઈ, કૌશિક મહેતા, બિનીત કોઠારી, સુધીર મહેતા, નિમિષ મહેતા સહિતના સર્વે સેવાભાવી કાર્યકરો અવિરત જહેમત ઉઠાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે નૂતન કેળવણી મંડળ – કન્યા વિદ્યાલયની જગ્યા પણ જગદીશ ખીમાણી, યતિશ દેસાઈ સહિતના સહયોગથી પાંજરાપોળને પરત કરવામાં આવી છે, જે જીવદયા અને સમાજસેવાનો ઉત્તમ ઉદાહરણ છે. ગોંડલની આ ઐતિહાસિક પાંજરાપોળ આજે પણ કરુણા, દયા અને સંવેદનાના સંસ્કારને જીવંત રાખતી પ્રેરણારૂપ સંસ્થા તરીકે ઉભરી રહી છે.













































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































