#Blog

આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું – નિતિન ગડકરી

વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે મોરારી બાપુ ભારત મંડપમ ખાતે નવ દિવસ રામકથા કરશે – આચાર્ય લોકેશ

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી માનનીય નિતિન ગડકરીને આપ્યું હતું. આ અવસરે આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે રામકથા દ્વારા મોરારી બાપુનું આહ્વાન દેશ-વિદેશમાં ફેલાયેલા શ્રદ્ધાળુઓને પ્રેરણા આપશે અને એક દિવસ વિશ્વ શાંતિનું સ્વપ્ન સાકાર થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતના 14મા રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજીએ આ આયોજન સમિતિના અધ્યક્ષ બનવાનું સહર્ષ સ્વીકાર્યું છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મોરારી બાપુજીના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવાનો અવસર મળવો એ સદભાગ્યની વાત છે અને તેઓ જાતે પણ કથામાં હાજર રહી શ્રવણ કરશે. તેમણે જૈન આચાર્ય લોકેશજીની પ્રશંસા કરતાં કહ્યું કે, રામકથાના આયોજનકર્તા બની તેમણે સમાજમાં સમન્વય અને સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર કોઈ જૈન આચાર્ય દ્વારા રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે, જે એક ઐતિહાસિક ક્ષણ છે. પ્રભુ શ્રીરામનું જીવનચરિત્ર સૌ માટે પ્રેરણાદાયક છે તેમ પણ તેમણે ઉમેર્યું.

અહિંસા વિશ્વ ભારતી તથા વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મોરારી બાપુની ઉદારતા અને સહૃદયતાના કારણે જ તેમણે વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદ્ઘાટન અવસરે દિલ્હી ખાતે વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે નવ દિવસીય રામકથા કરવાની સ્વયં જાહેરાત કરી હતી. આ કથાનું આયોજન અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા 17થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. દિલ્હીમાં પૂજ્ય બાપુની રામકથાને લઈને શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આચાર્ય લોકેશજીએ વધુમાં જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર સહિત અનેક દેશોમાંથી પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવા માટે શ્રદ્ધાળુઓના આગમનની માહિતી મળી રહી છે. આ રામકથા સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે અને આયોજન સમિતિ દ્વારા શ્રદ્ધાળુઓના નિવાસ, ભોજન વગેરેની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અહિંસા વિશ્વ ભારતીના ખજાનચી તથા આરોગ્યપીઠના સ્થાપક આચાર્ય રામ ગોપાલ દીક્ષિત પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *