#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના જન્મદિને ચેકડેમનું ખાતમુહૂર્ત

જળસંચયના સંકલ્પ સાથે ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણી

રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના જન્મ દિવસ નિમિત્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા, સમર્પણ અને સંઘર્ષના મૂર્તિમંત સ્વરૂપ એવા શ્રી રમેશભાઈ ટીલાણાના હસ્તે ગઈકાલે 15 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 કલાકે ન્યુ 150 ફૂટ રિંગ રોડ, મોટા મૌવા ખાતે ધ પાર્ક બિલ્ડીંગની પાછળ, કરણ-અર્જુન પાર્ટી પ્લોટવાળી શેરીમાં નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરી તેમના જન્મદિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું લક્ષ્ય માત્ર ચેકડેમ બનાવવા પૂરતું સીમિત નથી, પરંતુ ધરતીના પેટાળમાં પાણી ઉતારી આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ જેવા સેવાભાવી વ્યક્તિત્વનો જન્મદિવસ છે, ત્યારે તેની ભપકાદાર ઉજવણીના બદલે પ્રકૃતિના સંવર્ધન માટે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવું એ જ તેમને સાચી શુભેચ્છા છે. ગીરગંગા પરિવારે અત્યાર સુધી અનેક ચેકડેમોના નિર્માણ દ્વારા ખેડૂતો અને ગ્રામીણ જનજીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવા ભગીરથ પ્રયાસો કર્યા છે અને આ જળ-અભિયાન ભવિષ્યમાં વધુ વેગવંતું બનાવવામાં આવશે.

પોતાના જન્મદિવસની આ અનોખી ઉજવણી પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તેમના જન્મદિવસની ખરા અર્થમાં વિશિષ્ટ પ્રકારની ઉજવણી કરવામાં આવી છે. ‘જળ એ જ જીવન છે’ એ માત્ર સૂત્ર નથી, પણ આપણી આવતીકાલની પાયાની જરૂરિયાત છે. જળસંચયના માધ્યમથી જ આપણે પર્યાવરણનું સંતુલન જાળવી શકીશું. ગીરગંગા પરિવાર જે રીતે લોકભાગીદારીથી ચેકડેમો બનાવીને જળક્રાંતિ લાવી રહ્યું છે તે ખરેખર વંદનીય કાર્ય છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ આ તકે લોકસેવા અને જળસેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતા.

આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ટીલવા, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, અમિતભાઈ દેસાઈ, પ્રવીણભાઈ ભુવા, કિશોરભાઈ કાથરોટિયા, સંદીપભાઈ પટેલ, અલ્પેશભાઈ વેકરીયા, શૈલેશભાઈ શેરસીયા, મિતલભાઈ ખેતાણી વગેરે  નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *