#Blog

સૌરાષ્ટ્રને નંદનવન બનાવવા જળસંચયનો મહાયજ્ઞ

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે સુરતમાં ‘જલજાગૃતિ કાર્યક્રમ’ સંપન્ન

જળ સંરક્ષણ માટે ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પમાં જોડાવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સુરતવાસીઓને અપીલ

રાજકોટમાં ડિસેમ્બરમાં યોજાનારી વિખ્યાત તત્વચિંતક અને કથાકાર ડો કુમાર વિશ્વાસની ભવ્ય ‘જલકથા’ પૂર્વે, જળ સંરક્ષણના સંદેશને સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે ગત તારીખ 20 નવેમ્બરના રોજ ‘જલજાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જળસંચયની આવશ્યકતા ઉપરાંત ગામડાના તળાવોને ઊંડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે હિટાચી-જેસીબી મશીનનો સહયોગ આપવામાં આવનાર છે તેની જાણકારી આપવા તથા રાજકોટની ડો. કુમાર વિશ્વાસની જલકથા અંગે માહિતી આપવા ઉદ્દેશ સાથે સુરતના રામકૃષ્ણ હોલ, એમ.એસ. ખેની ભવન, સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબાતલાવડી, કતારગામ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, આગેવાનો, વિવિધ સમાજના પ્રમુખો ઉપરાંત લગભગ 700 સુરતવાસીઓએ હાજરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચયના ક્ષેત્રે ક્રાંતિકારી કામગીરી કરી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા હલ કરવા માટે મુખ્યત્વે ચેકડેમોને ઊંડા ઉતારવા, રીપેર કરવા અને ઊંચા કરવાની ઝુંબેશ ચલાવે છે. જન ભાગીદારીના મોડેલ પર કાર્ય કરીને અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 8,500થી વધુ જળસંચયના સ્ટ્રક્ચરો પૂર્ણ કરવામાં આવ્યા છે.
જળસંચયના સંકલ્પને સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો સુધી પહોંચાડવા માટેના આ ઉદ્દેશના ભાગરૂપે જ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે ૮ થી ૧૨ દરમિયાન ડો. કુમાર વિશ્વાસ તેમની અદ્ભુત ‘જલ કથા: અપને અપને શ્યામ કી’ પ્રસ્તુત કરશે. હિન્દી ભાષાના આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસ, તેમની આગવી શૈલીમાં શ્રીકૃષ્ણની ‘શ્યામ કથા’ને જળસંચયની આવશ્યકતા અને મહત્ત્વ સાથે વણી લેશે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય નવી જનરેશનને જળ સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો અને ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રક્ચરોના મહાસંકલ્પને પૂર્ણ કરવા માટે સમાજ શ્રેષ્ઠીઓને અનુદાન માટે આગળ લાવવાનો છે.
સુરતમાં યોજાયેલા આ સમારોહ પ્રસંગે બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો એકમાત્ર સંકલ્પ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળ સમૃદ્ધ બનાવવાનો છે. પાણીનું ટીપે ટીપું સંગ્રહવું એ માત્ર સેવા નહીં, પણ આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક ફરજ છે. જળસંચયના આ પ્રયાસો થકી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે, જેના પરિણામે ખેડૂતોને સમૃદ્ધિ મળી છે અને પ્રકૃતિને નવજીવન મળ્યું છે.
આ કાર્યક્રમમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શ્રી જેન્તીભાઈ સરધારા અને શ્રી ધીરુભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્ય માત્ર જળ સંરક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ આ જનજાગૃતિનું એક મહાન અભિયાન છે. ટ્રસ્ટે પીપીટી મોડેલ દ્વારા સમુદાય અને સરકારને જોડીને અદ્ભુત પરિણામો મેળવ્યા છે. જળસંચય એ સમયની તાતી જરૂરિયાત છે, અને ગીરગંગાના પ્રયાસો થકી સૂકા પ્રદેશોમાં હરિયાળી પાછી ફરી છે.

આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ વેકરીયા, લોકસમર્પણ બ્લડ બેંકના પ્રમુખ શ્રી હરિભાઈ કથીરિયા, વરાછા કો.પો. બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી જગદીશભાઈ ખુંટ, જલારામ સ્ટીલ ફર્નીચરના શ્રી ગોવિંદભાઈ સાવસીયા, શ્રી હરસુખભાઈ અકબરી, શ્રી રામજીભાઈ જેતાણી, શ્રી નરેશભાઈ લુણાગરિયા, શ્રી વિપુલભાઇ દોંગા, શ્રી વિપુલભાઈ પારખીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની આભારવિધિ શ્રી હરસુખભાઈ અકબરીએ કરી હતી.

આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે લોકો જહેમત ઉઠાવી રહયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *