#Blog

15 જાન્યુઆરી, “આર્મી દિવસ”. હે ધન્ય જવાન યે અપને, હૈ ધન્ય હૈ ઉનકી જવાની

દર વર્ષે 15 જાન્યુઆરીએ આર્મી દિવસ ઉજવવામાં આવે છે. તે પાછળનું કારણ એ છે કે 1949માં આ દિવસે, બ્રિટિશ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કારિઅપ્પા ભારતનાં છેલ્લા બ્રિટીશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરની જગ્યાએ ભારતીય સેનાનાં કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. કે.એમ. કારિઅપ્પા એવા પ્રથમ અધિકારી હતા કે જેને ફીલ્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમના યુદ્ધ કૌશલ્ય અને વીરતાને જોઇને ભારત ઉપરાંત વિદેશોમાં પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 1947 માં ભારત-પાક યુદ્ધમાં ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું. 28 જાન્યુઆરી, 1899માં કર્ણાટકના કુર્ગમાં શનિવર્સાંથિ નામના સ્થળે જન્મેલા ફીલ્ડ માર્શલ કરિઅપ્પાએ માત્ર 20 વર્ષની વયે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં નોકરી શરૂ કરી હતી. તેમના પિતા કોડંડેરા માડિકેરીમાં ‘રેવેન્યુ ઓફિસર’ હતા. કરિઅપ્પાને ત્રણ ભાઈ અને બે બહેનો હતી. પરિવારજનો નાનપણમાં તેમને પ્રેમથી ‘ચિમ્મા’ કહીને બોલાવતા હતા. તેમણે 1937માં મુથૂ મચિયા સાથે લગ્ન કર્યા. તેમને એક દીકરો અને એક દીકરી હતા. તેમનો દીકરો સી કરિઅપ્પા પણ ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતો. સી કરિઅપ્પાએ પોતાના પિતાની બાયોગ્રાફી પણ લખી હતી જેનું નામ ‘ફીલ્ડ માર્શલ કે. એમ. કરિઅપ્પા’ રાખ્યું હતું. કારિઅપ્પા વર્ષ 1953માં નિવૃત્ત થયા હતા અને 1993માં 94 વર્ષની વયે અવસાન પામ્યા હતા. કારિઅપ્પા જેવા કેટકેટલા આર્મી ઓફિસર, કમાન્ડર, ચીફ વગેરે દેશ માટે, દેશવાસીઓ માટે રોજ રોજ મોતનો સામનો કરે છે અને નીડર રહીને મોતને ભેટે છે. તેમના સન્માનમાં, તેમનાં આદર સત્કારમાં દર વર્ષે “આર્મી દિવસ” ઉજવાય છે. લોકોએ દેશનાં રક્ષકો માટે જાગૃત થવું પડશે. એ છે તો દેશ આબાદ છે અને એ સરહદ પર આપણી સુરક્ષા હેતુ છે તો આપણે પણ તેમનાં પરિવારનું ધ્યાન રાખવાની ફરજ બજાવવી જોઈએ. આ દિવસે ભારતીય સેનાનો આભાર માનીએ અને એમના સન્માનમાં થોડી ક્ષણોનું મૌન જાળવીએ.
 હે ધન્ય જવાન યે અપને, હૈ ધન્ય હૈ ઉનકી જવાની

-મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *