#Blog

ધર્મને એટલે સુરક્ષિત રાખો, જેથી ધર્મ આપણને સુરક્ષિત રાખે: ડૉ. કુમાર વિશ્વાસ

‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણપ્રેમ, સમર્પણ અને ત્યાગને વર્ણવતા ડૉ. વિશ્વાસ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટરમાં હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે દિવ્ય વાતાવરણમાં કવિ ડૉ. કુમાર વિશ્વાસ ખૂબ ખીલ્યા હતા. ધર્મને સુરક્ષિત રાખો કે જેથી ધર્મ આપને સુરક્ષિત રાખે તેમ જણાવી ડૉ. વિશ્વાસે સાંપ્રત સમયમાં સનાતન ધર્મ વિશે યુવાનોમાં જાગૃકતા લાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણ પ્રત્યેના સમર્પણ અને પ્રેમભાવને ખૂબ જ ભાવવાહી શૈલીમાં પ્રસ્તુત કરાતા ઉપસ્થિત શ્રોતાઓ ભાવ વિભોર બની ગયા હતા. મંગળવારની રાત્રે ડૉ. કુમાર વિશ્વાસની કથા દરમ્યાન ગવાતા ભજનોના શબ્દો અને સંગીત પર વડીલો-માતાઓ કૃષ્ણ ભક્તિની અસ્ખલિત ભાવનામાં વહી નૃત્ય કરતા કૃષ્ણમય બની ગયા હતા. ‘જલકથા : અપને અપને શ્યામ કી’માં કૃષ્ણ પ્રેમની “વિશ્વાસ”વાણી વહી હતી.

તત્વચિંતક, કથાકાર, કવિ ડૉ. કુમાર વિશ્વાસે કૃષ્ણને પામી તેને હૃદયસ્થ કરવા માટે રાધા, મીરા અને રૂક્ષ્મણીના નિષ્કામ પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેના સમર્પણભાવને સંગીતમય શૈલીમાં પ્રસ્તુત કરતા રેસકોર્સમાં ઉત્કટ આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. ડૉ. વિશ્વાસે આજે શાશ્વત પ્રેમ અને તેના થકી કૃષ્ણને પામવા માટેના દ્વાર ખોલ્યા હોય તેમ ખુબ જ રસાળ શૈલીમાં કૃષ્ણ ભક્તિનું મહત્વ વર્ણવ્યું હતું.

ડૉ. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, ગોપી જેવા નિષ્કપટ બનીને જ કાન્હાને પામી શકાય છે. વૃંદાવનમાં કૃષ્ણ લીલા નિહાળવા સ્વયં શિવજી ગોપી વેષે ઉપસ્થિત રહ્યા હતા એ પ્રસંગ વર્ણવતા શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા. ગોપીઓનો કૃષ્ણ પ્રેમ, રાધાનો કાન્હા પ્રત્યેનો સમર્પણ ભાવ, રૂક્ષ્મણી કથા અને મીરાની ભક્તિ, કૃષ્ણને  પામવાની ચાહતને સંયોજીને આ તમામની પ્રેમ માળાના મણકાને એક બીજા સાથે જોડી ડૉ. કુમાર વિશ્વાસે એવો માહોલ રચ્યો હતો કે શ્રોતાઓ તેના ભાવ પ્રવાહમાં અભિભૂત થઈ ગયા હતા.

શ્રી કુમાર વિશ્વાસે મીરાના ગિરધર ગોપાલ પ્રેમને વર્ણવતા કહ્યું હતું કે, રાણાએ આપેલો ઝેરનો પ્યાલો પીને પણ મીરા મૃત્યુને વરતા નથી કેમકે પાત્રતા મીરાની હોય અને મોકલનાર કૃષ્ણ હોય તો ઝેરને પણ અમૃત બની જવું પડે છે. મીરાની જેમ કોઈ ખોળામાં લઈને સુવડાવે તો પથ્થરની મૂર્તિને પણ કૃષ્ણ બની જવું પડે છે. મીરા ઉઘાડા પગે પગપાળા છેક મેવાડથી સૌરાષ્ટ્ર સુધી આવીને દ્વારિકામાં રોકાયા અને દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા એ પ્રસંગને વર્ણવતા શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ હતી.આજના દિવસે મીરાની અદમ્ય કૃષ્ણ ભક્તિને સંગીતમય શૈલીમાં વર્ણવી હતી.

પ્રેમના મનોવિજ્ઞાનને સમજનાર અને સમજાવનાર કૃષ્ણ સૌથી પ્રથમ છે એમ કહી ડો.કુમાર વિશ્વાસે માતા યશોદાના માતૃપ્રેમ, ગોપીઓના સખાભાવભર્યા પ્રેમ પ્રસંગો, રાધાજીનો બાલ્યાવસ્થાનો મુગ્ધ પ્રેમ, રૂક્ષ્મણીજીના જીવનસંગીના પ્રેમ અને મીરાના ભક્તિભર્યા પ્રેમને વ્યાખ્યાયિત કર્યો હતો. સાથે જ  ઉમેર્યું હતું કે, શ્યામની વ્યાખ્યા પણ રાધા વગર અધૂરી છે. કૃષ્ણ એવા પહેલા વ્યક્તિ છે જેમણે રંગભેદ સામે વિશ્વને સંદેશ આપ્યો તેમ કહી ડો.કુમાર વિશ્વાસે કૃષ્ણના શ્યામ રંગને સર્વવ્યાપી ગણાવ્યો હતો. રામના દુઃખોએ વિશ્વને બાંધ્યા હતા, કૃષ્ણના સુખોએ વિશ્વને બાંધ્યા તેમ કહી ડૉ. વિશ્વાસે રામાવતાર અને કૃષ્ણાવતાર વચ્ચે તુલના પણ કરી હતી. અર્ધનારેશ્વર (શિવ)ને પૂર્ણ નારીશ્વર કરી દે તે કૃષ્ણ છે એમ કહી આજે ડૉ.વિશ્વાસે કૃષ્ણની રાસલીલા વર્ણવી હતી.

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

 ડૉ. કુમાર વિશ્વાસની કૃષ્ણ પ્રેમ કથા દરમ્યાન તેઓએ ઉત્સવપ્રિય ગુજરાતીઓના પણ ભરપૂર વખાણ કરીને ગુજરાતના દાનેશ્વરીઓની પ્રશંસા કરી હતી. સાથે જ ગુજરાતમાં થતાં ભવ્ય લગ્ન સમારોહની પણ રોચક વાતો કરી હતી. તારીખ 17ને બુધવારે જલકથાના અંતિમ દિવસે જલપ્રેમી, કૃષ્ણપ્રેમી શ્રદ્ધાળુઓને રેસકોર્સમાં ઉમટી પડવા ડૉ. કુમાર વિશ્વાસે આહવાન કર્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *