23 ફેબ્રુઆરી, “સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી”

સત્ય બોલો, સત્ય જ ગ્રહણ કરો, અસત્યને સહન કરવું એ અપરાધ છે. – સ્વામી દયાનંદ સરસ્વતી
ક્રાંતિકારી, સમાજ સુધારક, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ મહા વદ દસમનાં રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ મૂળશંકર હતું. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. તેમણે પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ તેઓ દંડી સ્વામીજીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી, દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક જ વર્ષમાં દયાનંદ સરસ્વતીજીએ ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
સ્વામી દયાનંદ સરસ્વતી ભારતના મહાન વિચારક, સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક હતા. તેઓએ સમાજમાં શાસ્ત્રો પર આધારિત જીવન અને વૈદિક ધર્મનો પ્રચાર કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતી કહેતા કે “કોઈ પણ ધર્મ એટલો જ સાચો હોય છે, જેટલો તે સત્યનાં માર્ગે છે.” સત્યને પામવાનું પ્રત્યેક મનુષ્યનું લક્ષ્ય હોવું જોઈએ. દયાનંદ સરસ્વતીજી શીખવે છે કે અંધશ્રદ્ધામાં ફસાયેલા સમાજને જાગૃત કરવા માટે જ્ઞાન અને વિદ્યાનો પ્રચાર કરવો જરૂરી છે. દયાનંદ સરસ્વતીજી માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના માનસિક ભ્રમોને દૂર કરીને, સત્યને આત્મસાત કરવું જોઈએ.
સામાજિક સુધારણા માટે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સમાજમાં વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન વિરુદ્ધ, મહિલા શિક્ષણ અને જાતિવાદ જેવા પ્રશ્નો પર પોતાનો મક્કમ અભિગમ દર્શાવ્યો હતો. 19 મી સદીમાં પણ ભારતમાં તેમણે એવી વાતો પણ આટલી સ્પષ્ટતાથી વ્યક્ત કરી કે “હવે સમય આવી ગયો છે, જ્યારે વ્યક્તિએ પોતાને બદલી નાખવો જોઈએ, પોતાના જીવનમાં વૈદિક જીવન પદ્ધતિ અપનાવવી જોઈએ.”
“સત્ય બોલો, સત્ય જ ગ્રહણ કરો.”, “અસત્યને સહન કરવું એ અપરાધ છે.”, “વિદ્યા માટે શ્રદ્ધા જરૂરી છે.”, “કોઈ પણ ધર્મની સફળતા એ માનવતા પર આધારિત છે.” તેમના જીવનની કેટલીક મહત્વની શીખો છે.
મિત્તલ ખેતાણી (મો. 98242 21999)