“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ”

સ્વદેશી જાગરણ મંચ દ્વારા તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહેશે.
આ એક્સ્પોમાં ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ “ગૌટેક 2025” નામે ખાસ પેવિલિયન ઉભું કરવામાં આવ્યું છે, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બનશે. GCCI ગૌસેવા, ગૌવંશ સંવર્ધન, ગૌ આધારિત સંશોધન, ઉદ્યોગ વિકાસ અને આર્થિક સ્વાવલંબનના ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા છે.
ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા “કામધેનુ” રૂપે પૂજનીય છે અને આજના સમયમાં પણ ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગોબર પરથી આરોગ્ય, કૃષિ, ઊર્જા, સ્વચ્છતા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં નવા–નવા ઉત્પાદનો વિકસિત થઈ રહ્યા છે. A-2 દૂધથી લઈને મેડિસિનલ ઘી, બાયોપેસ્ટિસાઇડ, બાયોફર્ટિલાઇઝર અને ગોબર આધારિત ગૃહ ઉપયોગી ઉત્પાદનો સુધીના તમામ ક્ષેત્રોમાં યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશાળ બજાર ઉભું થઈ રહ્યું છે.
ડૉ. કથીરિયાએ વધુમાં જણાવ્યું કે ટેકનોલોજી આધારીત ગૌસંવર્ધન જેમ કે સેકસ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ, સીમેન લેબોરેટરી અને PPP મોડેલ પર વિકસતા નવા ઉદ્યોગો ગૌવંશની ગુણવત્તામાં વધારો કરી રહ્યા છે. ગોબરમાંથી બનતા ગોબર પેઇન્ટ, બ્રીક્સ, ટાઇલ્સ, પેપર, પ્લાયવુડ અને સ્મશાન માટે વિકલ્પ રૂપે ગોબર લાકડી જેવા ઉત્પાદનો દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા નવા આયામો મેળવી રહી છે. ઉપરાંત ગોબર અને ગૌમૂત્ર પરથી બનતા બાયોગેસ, CNG, CO₂ અને હાઈડ્રોજન દ્વારા ઉર્જા ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે.
GCCI દ્વારા ગૌવંશની ઓલાદ સુધારણા, ગૌ આરોગ્ય અને પોષણ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય ઉત્પાદન અને થેરાપી, કાઉ ટુરિઝમ, ગૌશાળા મેનેજમેન્ટ, ગૌચર વિકાસ, યુવા–મહિલા ઉદ્યોગસાહસિકતા અને સંશોધન–ઇનોવેશન જેવા ઘણા ક્ષેત્રોમાં સિસ્ટમેટિક કાર્ય થઈ રહ્યું છે. “ગૌટેક 2025” આ તમામ પ્રયત્નોને એક જ મંચ ઉપર લાવીને સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, ગૌશાળાઓ, જૈવિક ખેડૂતો, ટેકનોલોજી ઇનોવેટર અને નીતિનિર્માતાઓ વચ્ચે સંવાદ, સહયોગ અને નવીનતાનું માળખું ઉભું કરશે.
GCCI દ્વારા દેશભરના ગૌપ્રેમી, ઉદ્યોગસાહસિકો, મહિલા શક્તિ, ગૌશાળાઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને “ગૌટેક 2025” માં પોતાનો સ્ટોલ બુક કરીને પોતાની સેવાઓ, વિચારો અને ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તક લેવા આમંત્રણ આપવામાં આવે છે. વધુ માહિતી માટે અપૂર્વ જોશી મો. ૮૫૧૧૧ ૧૨૫૧૮ તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.
‘ગૌટેક 2025’ પેવિલિયન ને સફળ બનાવવા GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા, હંસરાજભાઇ ગજેરા, દિલીપભાઈ શાહ, ભરતભાઈ રાજપુરોહિત, રમેશભાઈ રૂપારેલીયા, દેવારામભાઈ પુરોહિત, સુનિલ કાનપરિયા, મિલન એરવાડીયા, મિનેશભાઈ પટેલ, ભરતભાઈ સાવલિયા સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































