#Blog

જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્ત : ડો.કુમાર વિશ્વાસ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સમાં આયોજિત ડૉ. કુમાર વિશ્વાસની જલકથાનો મંગલ પ્રારંભ

‘જલકથા : અપને અપને શ્યામ કી’ના શ્રવણ માટે અધમ્ય ઉત્સાહ સાથે ઉમટયો માનવ મહેરામણ

‘વિશ્વમાં નદીઓને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ માને છે’, તેમ કથા મર્મજ્ઞ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસે ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના પ્રથમ દિવસે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય અને જળસંવર્ધન માટે 1,11,111 જળ સ્ટ્રકચર કાર્યાન્વિત કરવા માટે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિખ્યાત તત્વચિંતક, વિશ્લેષક, કથાકાર અને કવિ ડૉ. કુમાર વિશ્વાસની વિશ્વમાં સૌથી પહેલી એવી અનોખી ‘જલકથા : અપને અપને શ્યામ કી’નો દબદબાભેર મંગલ પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે બોલતા ડો. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે, પૃથ્વી પર પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો હતો. ત્યારબાદ વિવિધ અવતારો થયા અને અંતે મનુષ્યનું સર્જન થયું. જીવનનો મૂળ આધાર અને સ્ત્રોત જળ છે આથી જળ એ જ જીવન છે તેમ જણાવી ડૉ. કુમાર વિશ્વાસે જલકથામાં રામ અવતાર અને કૃષ્ણ અવતારની તુલના વિવિધ પ્રસંગોના માધ્યમથી કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જલકથા પૂર્વે  જળસંચય વિશે લોકોમાં જાગૃતતા આવે અને જન ભાગીદારી સુદ્રઢ બને એ માટે છેલ્લા ઘણાં દિવસોથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલા રચવામાં આવી હતી. ભાવિ પેઢી અને ભવિષ્યના પાણીદાર સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ડૉ. કુમાર વિશ્વાસની આ જલકથા દ્વારા સમુચા દેશ અને દુનિયાનું ધ્યાન પણ રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ ખેંચાયું છે.  આ ભવ્ય અને સંગીતમય જલકથાના પ્રથમ દિવસે ડૉ. કુમાર વિશ્વાસે રામાયણ, મહાભારત અને ભગવત ગીતના વિવિધ પ્રસંગોની પોતીકી અનોખી શૈલીમાં વિસ્તૃત અને સરળ છણાવટ કરતાં ઉપસ્થિત શ્રોતાઓ આફરીન પોકારી ઉઠ્યા હતા. પોતાના આગવા અંદાજમાં ડૉ. કુમાર વિશ્વાસ પૂર્ણપણે ખીલ્યાં હતા અને સાંપ્રત સમયની સમસ્યાઓ અને તેના ઉકેલમાં ભારતની ભૂમિકા વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.

પાણીનું મહત્વ અને માહાત્મ્ય સમજાવવા ડૉ. વિશ્વાસે આપેલા તર્કને શ્રાવકો તાળીઓના ગડગડાટથી વારંવાર વધાવી લેતા કથાકારે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આવતીકાલે 16 ડિસેમ્બરને મંગળવારે તેઓ રામ અને શ્યામના જીવનકવનની તુલનાત્મક વિભાવનાઓ વિવિધ પ્રસંગોના માધ્યમથી કઈ રીતે કરશે તેની આછેરી ઝલક તેઓએ આપી હતી. તેઓએ કથા દરમિયાન યુવાનોને પોતાના પ્રશ્નો ગીરગંગાના માધ્યમથી પૂછવાનું આહવાન કર્યું હતું અને યુવાનોમાં વ્યાપ્ત અસમંજસને દૂર કરવા તેઓએ તમામ પ્રશ્નોના જવાબો આપવાનો કોલ પણ આપ્યો હતો.

ડૉ. કુમાર વિશ્વાસે પહેલા દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિધ્ધ સ્તોત્ર અધરમ્ મધુરમથી કરતાં જ કથાનો માહોલ બંધાઈ ગયો હતો. ડૉ. કુમાર વિશ્વાસની વાણી પ્રારંભ પૂર્વે તેમની ટીમના જાણીતા કવિ દિનેશજી બાંગરે જોશભેર જલવિષયક કવિતા ગાન કરતા ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.ત્યારબાદ બાળ ભજનિક બિરેન કુમાર તેમજ ભજનિક અંકિતા શ્રીવાસ્તવએ કૃષ્ણ ભજન ગાનથી લોકોને ભાવવિભોર કર્યા હતા.

(બોક્સ 1)

કવિ ડૉ. કુમાર વિશ્વાસની અસ્ખલિત વાણીની હાઇલાઇટ્સ

∆ ગુજરાત હંમેશા એકલા ચાલવામાં વિશ્વાસ નથી રાખતું. બે લોકો જ હંમેશા નેતૃત્વ કરે છે એ પછી રાજનીતિ હોય કે ઉદ્યોગ જગત હોય.

∆ ભારત હવે રામ જેવો મર્યાદાનો નહી કૃષ્ણ જેવો વ્યવહાર કરે છે. મોસ્કોથી આવેલા મહેમાનનું બંસરીથી સ્વાગત કરે છે તો દુષ્ટ પડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે.

∆ ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદ સરીખા કાલિયા નાગને નાથવા તેની ફેણ પર નૃત્ય કરી તેને કચડવો છે

∆ રામની મર્યાદા પુરુષોતમ સમાન નીતિ પર આપણે ચાલી ચૂક્યા હવે આ દેશને આગલા 100 વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂર છે

∆ સગર્ભા ધર્મ ગ્રંથો નથી વાંચતી, કૌટુંબિક કલેશવાળી સિરિયલો નિહાળે છે. ધતુરાનું બીજ વાવીએ તો કલ્પવૃક્ષ કેવી રીતે પેદા થાય?

∆ અટલ બિહારી બાજપાઈ મર્યાદા પુરુષોત્તમની વિચારધારાવાળા હતા જેઓએ સામેથી સત્તા ત્યાગ કર્યો હવે પૂર્ણ પુરુષોત્તમ વિચારધારાવાળા બિરાજમાન છે જેઓ તમામ પ્રપંચો સામે લડીને જાણે કહી રહ્યા છે કે હું શું કામ સત્તા ત્યાગ કરું?

(બોક્સ 2)

રામાવતાર અને કૃષ્ણાવતાર કવિ ડો.કુમાર વિશ્વાસની નજરે

∆ જગતના પ્રપંચોથી વ્યથિત થયાં બાદ શ્રીરામ જ શ્રીકૃષ્ણ સ્વરૂપે અવતર્યા

∆ રામને ષડયંત્રોથી ઘરની બહાર કઢાયા, જ્યારે કૃષ્ણએ ષડયંત્રોને ઘરમાંથી બહાર કાઢ્યા

∆ રામને બધાએ ભગવાન માન્યા જ્યારે કૃષ્ણએ અર્જુન સહિતના સર્વેને કહ્યું કે હું ભગવાન છું, મારી નિશ્રામાં આવો.

∆ રામ (શબરીને) માર્ગ પૂછે છે જ્યારે કૃષ્ણ બધાને માર્ગ બતાવે છે.

∆ રામથી જે જે કાર્ય છૂટ્યું તે કૃષ્ણએ પૂરું કર્યું

∆ મનુષ્યને રીઝવવા રાગમાં ગવાય છે કૃષ્ણને રીઝવવા અનુરાગમાં ગવાય છે.

∆ રામ, કૃષ્ણ કોઈ ધર્મના નહીં પણ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે.

∆ સમયની યાત્રા રામથી શરૂ થાય છે અને સમય જ તેને કૃષ્ણ બનાવે છે.

∆ રામ સપને હે, કૃષ્ણ અપને હૈ, રામ બનવું દુષ્કર છે પણ કૃષ્ણ બનવું સરળ છે.

∆ કૃષ્ણ રાગી પણ છે અને વૈરાગી પણ છે.

(બોક્સ 3)

 …તો તમે કૃષ્ણ છો..!!

* 99 ગાળો સાંભળવાનું સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો

* મૃત્યુની ફેણ પર ઊભા રહી નાચી શકો છો તો તમે કૃષ્ણ છો

* સામાન્ય વ્યક્તિના સારથી બનવાનું તમારું સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો

* રાજા બન્યા પછી પણ સુદામા જેવો સખા રાખી શકો તો તમે કૃષ્ણ છો

(બોક્સ 4)

દિલીપભાઈ સખીયા જેવા પાગલપણાથી જ દુનિયા ચાલે છે !

ડૉ. કુમાર વિશ્વાસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા સાથે થયેલી વારંવારની દ રેક મુલાકાતોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પણ મળે ત્યારે દિલીપભાઈએ સૌરાષ્ટ્રના જળસ્તરની જ ચિંતા કરી છે.ન વસ્ત્રોની સૂધબુધ, ન અન્ય કોઈ વાતચીત ! સૌરાષ્ટ્રનું જળસંકટ દૂર થાય એ એક જ વાત તેના મુખે સાંભળવા મળે.જળસંચય માટે જ વિચારતા રહે. તેમનામાં જળસંચય માટેનું પાગલપન છે. આવા પાગલોથી જ દુનિયા ચાલે છે. ડૉ. કુમાર વિશ્વાસે સૌરાષ્ટ્ર અને ગુજરાતને પાણીદાર કરવાનું દિલીપભાઈનું સ્વપ્ન સિદ્ધ થઈને જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

(બોક્સ 5)

જળ સંરક્ષણ માટેની જલકથાની વૈશ્વિક લેવલે લેવાશે નોંધ: આજે રચાશે વર્લ્ડ રેકોર્ડ

​               જળસંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિના એક અનોખા અને ભવ્ય પ્રયાસના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ 15, 16 અને 17 ડિસેમ્બર, 2025 દરમિયાન ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. જળસંચયના સંદેશને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માધ્યમથી વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદેશ સાથે યોજાઇ રહેલી આ જલકથામાં નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કરવામાં આવશે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટની આ જલકથાને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિતની વિશ્વની રેકોર્ડ એજન્સીઓ “વિશ્વની પ્રથમ વૈશ્વિક જલકથા – સૌથી મોટા વૈશ્વિક જળ-વિશ્વાસ મેળાવડા” તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધશે. આ રેકોર્ડ 16મી ડિસેમ્બરના રોજ આજે રાત્રે 8.00 થી 10.00 વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે નોંધવામાં આવશે અને તેને “જળ સંરક્ષણ માટે સૌથી મોટો અને પ્રથમ આધ્યાત્મિક-સાંસ્કૃતિક મેળાવડો” તરીકે માન્યતા અપાશે.

​               આ ઐતિહાસિક પ્રયાસને પ્રમાણિત કરવા માટે, દેશ-વિદેશની પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ અને નિરીક્ષકો રાજકોટ આવેલા છે, જેમાં IEA (IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ) કન્સલ્ટિંગ ફર્મ તરીકે સમગ્ર રેકોર્ડ પ્રક્રિયાનું સંકલન કરશે.

આ વર્લ્ડ રેકોર્ડમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ-આંતરરાષ્ટ્રીય, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ –એશિયા લેવલ, IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ–ઇન્ટરનેશનલ/નેશનલ, ઓએમજી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ–ઇન્ટરનેશનલ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ–ભારત, ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ-ઇન્ટરનેશનલ, અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-ભારતનો સમાવેશ થાય છે.

(બોક્સ 6)

જલ કથામાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવો

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્યના માજી કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી અનિલભાઈ પટેલ, રક્ષાદળના કેપ્ટન શ્રી હેમંત વ્યાસ, શ્રી રમેશભાઈ રાણીપા, અમેરિકાના ગીરગંગાના કન્વીનર

શ્રી  હરીશભાઈ માલાણી, શ્રી રસિકભાઈ ફળદુ, અગ્રણી બિલ્ડર શ્રી ઉમેશભાઈ માલાણી, શ્રી ગૌતમભાઈ ધમસાણીયા, સયાજી હોટેલ વાળા શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, એન્જલ પંપવાળા શ્રી શિવાભાઈ પટેલ, ભવનાથ આશ્રમ, ભાયાસરવાળા શ્રી વશિષ્ઠ નાથજીબાપુ, કાલાવડના શ્રી કલ્પેશગીરીબાપુ ગીરગંગા સુરતના કન્વીનર શ્રી રામજીભાઈ જેતાણી, કચ્છ -ગ્લોબલનના શ્રી ગોવીંદભાઈ ભાનુશાલી, ડેકોરા બિલ્ડરવાળા શ્રી નિખિલભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર શ્રી બાકીરભાઈ ગાંધી, શ્રી કાનજીભાઈ ભાલાળા, શ્રી સવજીભાઈ વેકરીયા, શ્રી ભવાનભાઈ સહિતની સુરતની ટીમ,  ડૉ. સુધીરભાઈ ભીમાણી, શ્રી પ્રફુલભાઇ ફુલતેરા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવીંદભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ કાકડિયા,કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ રાજકોટના શ્રી વાલજીભાઈ નંદા, શ્રી પ્રેમજી વાલજી એન્ડ સન્સના શ્રી હરીશભાઈ, રાધિકા જ્વેલર્સવાળા શ્રી અશોકભાઈ, શ્રી સનાતન ગ્રુપ બિલ્ડર્સ, પ્રખ્યાત કથાકાર શ્રી જગતભાઈ તારૈયા, રાજકોટના માજી મેયર શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી મહેશભાઈ ચૌહાણ, રાજકોટ જિલ્લા ભાજપના અગ્રેસર શ્રી રાજુભાઈ ધારૈયા

(બોક્સ 7)

જલકથામાં દાતાઓનો ઉમળકો: જળસંચય કાર્ય માટે આર્થિક સહાયનો ધોધ

            રાજકોટમાં યોજાયેલ ભવ્ય અને દિવ્ય ‘જલકથા’માં દાતાઓએ અભૂતપૂર્વ ઉદારતા દાખવીને આર્થિક સહાયનો ધોધ વરસાવ્યો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના થઈ રહેલા આ ઐશ્વરિક કાર્યમાં સહાયભૂત બનવાના ઉમદા હેતુ માટે દાતાઓ આગળ આવ્યા હતા.

ડો. કુમાર વિશ્વાસની જલકથાના આજે પ્રથમ દિવસે અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સર્વશ્રી મનીષભાઈ બધેકા, મુકેશભાઈ પાબારી, ધીરુભાઈ ગોંડલીયા, ગીરગંગા પરિવારના આગેવાન અને ઉદ્યોગપતિ જે. કે. સરધારા, માથુરભાઈ અણદાણી, વિનુભાઈ પટેલ, મનોજભાઈ અને કેતનભાઇ કોટક, પ્રકાશભાઈ બેચરભાઈ સખીયા વગેરેએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યોની સરાહના કરી આર્થિક સહયોગ માટે જાહેરાત કરી હતી. આ પ્રસંગે સામાન્ય નાગરિકોએ પણ પોતાની ક્ષમતા અનુસાર રાષ્ટ્રના આ ધર્મકાર્યમાં પોતાનો સહકાર નોંધાવ્યો હતો.

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ એક નિવેદનમાં દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જલકથાને મળેલો આ પ્રતિસાદ માત્ર આર્થિક મદદ પૂરતો સીમિત નથી, પરંતુ માનવતા અને સહિયારી ભાવનાનો પુરાવો છે. જલકથામાં ​એકત્રિત થયેલી રકમનો ઉપયોગ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય અને સંવર્ધનના કાર્યો પાછળ સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવશે.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *