#Blog

જળસંચયના ભગીરથ કાર્યો અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરણારૂપ ઉદાહરણ

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરગંગાના જળસંચયના કાર્યોની કરી પ્રશંસા

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત રવિવારે સાંજે 5 વાગ્યે રાજકોટ સ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી જળસંચયની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ટ્રસ્ટના સેવાકીય કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ચેકડેમોના નિર્માણ, તળાવો ઊંડા ઉતારવા અને બોર રિચાર્જિંગના પ્રશંસનીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ભગીરથ પ્રયાસોને પરિણામે અનેક ગામોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે, જેના કારણે ખેડૂતોની ખેતી વધુ સમૃદ્ધ બની છે અને પશુધનને પણ પીવાના પાણીની મુશ્કેલીઓ મહદઅંશે દૂર થઈ છે. ટ્રસ્ટના આ પ્રયાસોથી હજારો એકર જમીન હરિયાળી બની છે.

આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે બોલતા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે દિશામાં કામ કરી રહ્યું છે તે ગુજરાત માટે ગર્વ છે. જળસંચયનું આ આંદોલન એવું હોવું જોઈએ કે દરેક ગામમાં ‘ગીરગંગા’ ઊભી થાય અને ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં રહે. નવી પેઢીએ દુષ્કાળ જોયા નથી, પણ ગુજરાતે ભૂતકાળમાં પાણીની તીવ્ર અછતના માઠા પરિણામો ભોગવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતભરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે અનિવાર્ય છે. લોકભાગીદારી દ્વારા જ પર્યાવરણનું રક્ષણ શક્ય છે અને ગીરગંગા પરિવાર આ બાબતે રાજ્ય માટે એક પથદર્શક બની રહ્યું છે. સરકાર પણ આવા જનહિતના કાર્યોમાં હંમેશા સહયોગી બનવા તૈયાર છે.

આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે અને તેના સંગ્રહ વગર ઉજ્જવળ ભવિષ્ય શક્ય નથી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ માત્ર જળસંચય જ નહીં, પણ જન-જનમાં જળ જાગૃતિ લાવવા માટે કટિબદ્ધ છે. જળસંચય એ માત્ર પ્રોજેક્ટ નથી પણ જીવન બચાવવાનું એક પવિત્ર મિશન છે. કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈની મુલાકાતથી ગીરગંગા પરિવારના જુસ્સામાં વધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું

આ મુલાકાત પ્રસંગે સર્વશ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, હરીશભાઈ લાખાણી, જેન્તીભાઈ સરધારા, હરીશભાઈ ભલાણી, ભરતભાઈ ટીલવા, ગીરધરભાઈ રૈયાણી, સતીશભાઈ બેરા, ગોપાલભાઈ બાલધા, કિશોરભાઈ કાથરોટિયા, ભાવેશભાઈ સખીયા, પ્રવીણભાઈ ભુવા, અશોકભાઈ મોલિયા, હાર્દિકભાઈ ચાંગાણી, મનીષભાઈ માયાણી, મથુરભાઈ વિરાણી વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *