#Blog

કર્મભૂમિ પરથી માતૃભૂમિ માટે કામ કરતાં રહેવું જોઈએ : સી.આર. પાટીલ

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી પાટીલે હજારો લોકોને જલ બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો

જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે પારુલ યુનિવર્સિટી, ગારડી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના એમ.ઓ.યુ.

રેસકોર્સમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે ચાલતી ‘જલકથા અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે કેન્દ્રીય જલ સંસાધન મંત્રી સી.આર.પાટીલે જલકથામાં ઉપસ્થિત હજારો લોકોને ‘જલ બચાવ સંકલ્પ’ લેવડાવ્યો હતો.

આ તકે બોલતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પાટીલે જણાવ્યું હતું કે, ‘જળસંચયમાં જનભાગીદારી’ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ગીરગંગા પરિવાર  ટ્રસ્ટના દિલીપભાઈ સખીયાએ પૂર્ણ કરવાનું બીડું ઉપાડ્યું છે. રાજકોટવાસીઓ પણ આ સંકલ્પને પરિપૂર્ણ કરવા પડાપડી કરી રહ્યા છે.

શ્રી સી. આર. પાટીલે નિર્દેશ કર્યો હતો કે, કર્મભૂમિથી માતૃભૂમિ માટે કામ કરતાં રહેવું જોઈએ. આજે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રયાસોથી અસંખ્ય લોકો જળસંચય અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. શ્રી પાટીલે  દાનવીરો, સખાવતી સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓની પ્રશંસા કરીને જળસંચયના આ કાર્યમાં તેઓની ભાગીદારીને બિરદાવી હતી. વધુમાં શ્રી પાટીલે જળસંચય અભિયાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ભૂમિકા અને વ્યાપક ભાગીદારીને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ગીરગંગાના જળસંચય અભિયાનથી પ્રભાવિત થઈને રાજ્ય સરકાર પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને સાધન સહાય આપવા માટે તત્પર રહી છે.

શ્રી પાટીલે શહેરીજનોને વરસાદી પાણી જમીનમાં ઉતારવા બોર રિચાર્જ સિસ્ટમ અપનાવવાની અને ગ્રામીણ વિસ્તારોમાં સીમની જમીનમાં પાણી ઉતારવાની સલાહ આપી તેનું મહાત્મ્ય સમજાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે ગીરગંગાને મળેલા વર્લ્ડ રેકોર્ડના સન્માનને દેશનું સન્માન ગણાવી રેકોર્ડ એજન્સીના હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ વતી સર્ટિફિકેટ પણ સ્વીકાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડોદરાની પારુલ યુનિવર્સિટી, રાજકોટની કાલાવડ રોડ પર આણંદપર પાસે આવેલ ગાર્ડી કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે અને જળસંચય ક્ષેત્રે જાગૃતિ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.શ્રી સી.આર.પાટિલના હસ્તે આ એમ. ઓ.યુ.ને હસ્તાંતરિત કરાયા હતા.

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

જલકથાના બીજા દિવસે આર્ષ વિદ્યા મંદિરના સ્વામી શ્રી ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજીએ ઉપસ્થિત જનસમૂહને જળ મહાત્મ્ય વિશે પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને શ્રી દિલીપભાઈ સખીયાએ જળસંચય માટે રીતસર ધૂણી ધખાવી છે. આ ધૂણીને સહુએ સાથે મળીને પ્રજવલ્લિત રાખવાની છે. સ્વામીજીએ સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના માણસોને પાણીદાર ગણાવીને ગીરગંગાના આ અભિયાનમાં તન, મન અને ધનથી સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *