આગામી જૂન માસમાં કચ્છમાં આયોજિત થશે સપ્ત દિવસીય શ્રી સુરભી ગો યાગગોરસીયા સેવા ફાઉન્ડેશન સંચાલિત નિરણ કેન્દ્ર ખાતે ભૂમિપૂજન અને ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ

કચ્છ જિલ્લો દેશનો સૌથી વધુ દેશી ગોવંશ ધરાવતો જિલ્લો છે. અને સમગ્ર ગોવંશની સુખાકારી, સંરક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિ રક્ષા, પર્યાવરણ શુદ્ધિ અને લંપી રોગમાં મૃત્યુ પામેલ અસંખ્ય ગોવંશના આત્મ કલ્યાણના પવિત્ર સંકલ્પ સાથે ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંતના માર્ગદર્શન અને ગોરસીયા સેવા ફાઉન્ડેશન- બળદીયા અને શ્રી ગિરધરભાઈ પીંડોરીયા- માધાપર સંચાલિત ગામ કેરાની બાજુમાં આવેલ વિશાળ નિરણ કેન્દ્ર ખાતે આગામી 2 થી 8 જુન 2026 સુધી આયોજિત વિશિષ્ઠ ગો રક્ષા એવમ્ ગો સંવર્ધનાર્થે સપ્તદિન સાધ્ય શ્રી સુરભી ગો યાગનું ભૂમિપૂજન અને ધર્મ ધ્વજારોહણ વિધિ સંપન્ન થયેલ.ચતુર્વેદ પારાયણ સાથે આયોજિત આ અતિ ભવ્ય સાત દિવસીય યાગમાં યજ્ઞ મંડપની પરિક્રમાને ફરતે નંદી મહારાજ સહિત 21 ગોવંશ અને 30 એકરમાં ફેલાયેલ સમગ્ર નિરણ કેન્દ્રમાં આશ્રય મેળવતા ચાર હજારથી વધુ ગોવંશના પવિત્ર સાનિધ્યમાં યોજાનાર આ યાગમાં સવા લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવશે.પૂજનવિધિમાં કચ્છના જાણીતા ગોપ્રેમી પરબતભાઈ ગોરસીયાના મુખ્ય યજમાન પદે પવિત્ર પુષ્યનક્ષત્રમાં થયેલ ભૂમિપૂજનની આ શાસ્ત્રોક્ત વિધિ સમગ્ર યાગના ગોર શ્રી જયદીપ શાસ્ત્રીજી (ભુજ) ના નેતૃત્વમાં સંપન્ન થઈ હતી.
સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય ખેતી અભિયાનના ખેડૂતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કિસાન સંઘના કાર્યકરો સાથે અનેક ગોપાલકો, માલધારીઓ, ગોશાળા સંચાલકો અને ગૌપ્રેમીઓ સહિતની મોટી સંખ્યા સાથે અન્ય સંતોની ઉપસ્થિતિમાં નારણપર ગુરૂકુળના સંચાલક શ્રી ધર્મચરણસ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતાં એવું સભા સંચાલક અને ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હીરાણીની યાદીમાં જણાવાયું છે.













































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































