રાજકોટમાં કાળઝાળ ગરમીમાં અબોલ જીવો લાચારદરરોજ 100થી વધુ પક્ષીઓ હીટસ્ટ્રોકનો શિકારઃ મૃત્યુદરમાં પણ 20%નો વધારો

એપ્રિલ મહિનો અંતિમ ચરણમાં છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગરમીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કયું છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતાં માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ શહેરના આકાશમાં વિહાર કરતા પક્ષીઓ અને રસ્તા પર ભટકતા પ્રાણીઓ પણ ગરમીના પ્રકોપથી ત્રસ્ત બન્યા છે. અત્યારે દરરોજ 100થી વધુ પક્ષીઓ હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે, જેમાંથી 20 ટકા સમયસર સારવારના અભાવે મોતને પણ ભેંટી રહ્યા છે.
રાજકોટમાં કાર્યરત એનિમલ હેલ્પલાઈનના ડો. દીપ સોજીત્રા જણાવે છે કે, “અત્યારે દરરોજ સરેરાશ 100 જેટલા પક્ષીઓ ડિહાઈડ્રેશન અને હીટસ્ટ્રોકના કારણે અર્ધમૂ છત અવસ્થામાં મળી આવે છે. બપોરના સમયે જ્યારે સૂરજ બરાબર તપતો હોય છે, ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ અચાનક પાણીની ઉણપને કારણે જમીન પર પટકાતા હોય છે. સાંજ પડતા પડતા અમારી પાસે કોલ્સનો ભરાવો થઈ જાય છે. લોકો પોતાના ઘરની બાલ્કની, ધાબા કે રસ્તા પર પક્ષીઓને બેભાન અવસ્થામાં જોતા હોય છે. ખાસ કરીને કબૂતર, ચકલી, પોપટ, કાબર અને હોલા જેવા પક્ષીઓમાં આ પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે.’
તેઓ વધુમાં કહે છે કે, અસહ્ય ગરમીને કારણે હીટસ્ટ્રોકની ઝપટમાં આવેલા પક્ષીઓ પર કોઈની નજર પડે નહીં. અને સારવારમાં બે-ત્રણ કલાકનો વિલંબ થઈ જાય તો મૃત્યુ પામે છે. હાલ ઉનાળામાં આવા કારણોસર પક્ષીઓનો મૃત્યુદર વધીને 20% સુધી પહોંચી જાય છે. માત્ર પક્ષીઓ જ નહીં, પણ રખડતા શ્વાન અને ગાયના વાછરડા પણ આ કાળઝાળ ગરમીમાં પાણી અને છાંયડા વગર પીડાઈ રહ્યા છે. હીટસ્ટ્રોકને કારણે શ્વાનના શરીરનું તાપમાન 106 થી 107 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ગંભીર કિસ્સાઓમાં શ્વાનને બે થી ત્રણ દિવસ સુધી સતત બાટલા ચડાવવાની પણ ફરજ પડે છે.
ઘરની બહાર કે અગાસી પર પાણીના કુંડા રાખો
જીવદયા અગ્રણી પ્રતિકભાઈ સંઘાણી કહે છે કે, અત્યારે આકરી ગરમી-તાપમાં પાણી અને છાંયડાના અભાવે અબોલ જીવો જીવ ગુમાવી રહ્યા છે. લોકોને અપીલ છે કે, ઘરની બહાર કે અગાસી પર પક્ષીઓ માટે પાણીના કુંડા અચૂક રાખો. શ્વાન માટે છાંયડાની વ્યવસ્થા કરો અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવો. કોઈ પક્ષી કે પ્રાણી અશક્ત જણાય તો તાત્કાલિક એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કરો.
જો દરેક ઘરની બહાર પાણીનું એક કુંડું રાખવામાં આવે, તો પક્ષીઓ જેવા અબોલ જીવોને મોતના મુખમાંથી બચાવી શકાય છે. રખડતા શ્વાન અને વાછરડાં જેવા પશુઓની પણ હાલત કફોડી, હીટસ્ટ્રોકને કારણે શરીરનું તાપમાન 106 ડિગ્રી સુધી પહોંચી જાય છે!






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































