#Blog

કેરિયા નાગસમાં જળસંચયનો હુંકાર ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન

ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકીને જળસ્તર ઉંચા લાવવા દિલીપભાઈ સખીયાનું પ્રેરક આહવાન અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના કેરીયા નાગસ ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, એ માત્ર કુદરતી સંપત્તિ નથી, પણ આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે. જો આપણે આજે ‘ગામનું પાણી ગામે અને સીમનું પાણી સીમમાં’ રોકવાનો સંકલ્પ નહીં કરીએ, તો ભવિષ્યમાં ખેતી અને પશુપાલન માટે ગંભીર સંકટ ઉભું થશે. શ્રી દિલીપભાઈ સખીયાએ નિર્દેશ કર્યો હતો કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી, બોર રિચાર્જ અને ચેકડેમ જેવા માધ્યમો અપનાવવા અનિવાર્ય છે. જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, ત્યારે જ સૌરાષ્ટ્ર અને ગુજરાત સાચા અર્થમાં સમૃદ્ધ બનશે. જળસંચય એ કોઈ વ્યક્તિગત કાર્ય નથી, પણ એક સામાજિક જવાબદારી છે અને સમૂહશક્તિ દ્વારા જ આપણે આ જળસંચયને સફળ બનાવી શકીશું. આ બેઠકમાં ગામના સરપંચશ્રી રાજુભાઈ મેવાળા અગ્રણીઓ સર્વશ્રી પુનાભાઈ લાઠીયા, ભાવનાબેન હરખાણી, રંજનબેન, પ્રવીણભાઈ લાઠીયા, જેન્તીભાઈ ગાંગણીયા, મનસુખભાઈ ગાંગણીયા, સોનલબેન ગાંગણીયા સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં જળસંચય પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ સાથે મળીને પાણી બચાવવા તેમજ જમીનમાં ઉતારવા માટેના પ્રયત્નોમાં સહભાગી થવાનો કોલ આપ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *